Gujarati News

Gujarati News

News of Thursday, 11th April 2019

ભાણવડના જીતેન્દ્ર તન્નાએ રાજકોટમાં દારૂ પીવાની ના પાડતાં મિત્રોનો હુમલો

જામનગર રોડ માધવ હોટેલ પાસે બનાવઃ સાથે ચા પીધા પછી સંજય, મયુર અને ધર્મેન્દ્રએ દારૂ પીવાનું આમંત્રણ આપ્યું: પણ તેને ના પાડતાં ખાર રાખી હુમલો કર્યાનું કથન

રાજકોટ તા. ૧૧: દેવભૂમિ દ્વારકાના નવાગામ ભાણવડ ખાતે રહેતાં અને જામનગરના ટ્રાન્સપોર્ટમાં ડ્રાઇવર તરીકે નોકરી કરતાં જીતેન્દ્ર વિનોદભાઇ તન્ના (ઉ.૨૭) નામના યુવાનને રાજકોટમાં જામનગર રોડ પર માધવ હોટેલ પાસે સાંજે તેના જ મિત્રો સંજય ભીખુભાઇ શિયાળ, મયુર જોષી અને ધર્મેન્દ્ર જોષીએ દારૂ પીવાના ડખ્ખામાં લાકડીથી માર મારી માથામાં ઇજાઓ કરતાં સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ થયો છે.

જીતેન્દ્રએ જણાવ્યું હતું કે પોતે બીજા એક ડ્રાઇવર સાથે ટ્રકમાં માલ ભરી બેંગ્લોર જવા નીકળ્યો હતો. સાંજે રાજકોટ પહોંચી રાત્રી રોકાણ માટે હોલ્ટ કર્યો હતો. આ વખતે પોતે જેને ઘણા સમયથી ઓળખે છે એ મિત્રો સંજય, મયુર અને ધર્મેન્દ્ર આવ્યા હતાં અને પોતાની સાથે ચા પીધી હતી. એ પછી પોતે ટ્રક તરફ જતો હતો ત્યારે આ ત્રણેયે દારૂ પીવાનું આમંત્રણ આપતાં ના પાડતાં ત્રણેયે ઉશ્કેરાઇ જઇ હુમલો કરી દીધો હતો. પોલીસે આ કથન અંગે તપાસ હાથ ધરી છે.

(4:01 pm IST)