Gujarati News

Gujarati News

News of Thursday, 11th April 2019

મજબુત લોકશાહીમાં અણગમતા ઉમેદવારો સામે

'નોટા'એ આક્રોશ વ્યકત કરવાનું સબળ માધ્યમ છે માટે 'નોટા'નું બટન દબાવજો પણ મત જરૂર આપજો

જૂનાગઢ તા.૧૦ જૂનાગઢ જિલ્લામાં  લોકસભા સામાન્ય ચુંટણીનું અને માણાવદર વિધાનસભાની  પેટા ચુંટણીનું પ્રથમ ચરણ આગામી તા.૨૩ એપ્રિલે યોજાનાર છે. મતદારો આ દિવસે પોતાનાં પસંદગીનાં ઉમેદવારને મત આપવા મતદાન મથકે પહોંચશે. અગાઉ ઉમેદવારની પસંદગીથી નારાજ મતદારો મતદાન કરવાથી દૂર રહેતા હતા. પરંતુ આ વેળાએ સ્થાનિક સ્વરાજયની ચૂંટણી દરમ્યાન ચૂંટણી પંચ દ્વારા મતદારો જો કોઇ ઉમેદવારને મત આપવા ઈચ્છતા ના હોય તો તેનાં માટે નવુ બટન  None Of the Above (નોટા) નો ઉપયોગ કરી શકશે. આ વખતે ચુંટણીમાં ઉમેરાયેલી નવી બાબતો વિશે રસપ્રદ કેટલીક જાણકારી પૈકીની એક છે નોટાબટનની સવલત.

 

ઈલેકટ્રોનિકસ વોટીંગ મશીન (ઇ.વી.એમ) દ્વારા મતદાન કરનાર મતદાતાએ જે ઉમેદવારને મત આપવો હોય તે ઉમેદવારની સામેનું બટન દબાવવાનું હોય છે.પરંતુ આ વખતનાં ઈવીએમ મશીનમાં નોટા બટનનો સમાવેશ કરાયો છે. None Of The Above શબ્દનાં પ્રથમ અંગ્રેજી અક્ષરોને જોડીને NOTA (નોટા) શબ્દ બનાવાયો છે. જેનો અર્થ  થાય છે કે ઉપર દર્શાવ્યા પૈકીનાં કોઇ ઉમેદવારને મતદાતા તેનો મત આપવા માંગતો નથી.

ભારતનાં દરેક નાગરિકને બંધારણે મતાધિકારનો અધિકાર આપ્યો છે કે ચુંટણીમાં ઉભેલા દરેક ઉમેદવારમાંથી મતદાતા જો એક પણ ઉમેદવાર યોગ્યના લાગે તો તે કોઇપણ ઉમેદવારને મતના આપવા માટે મતદાર મુકત છે. અને આ બાબત સંપુર્ણ ગુપ્ત રહેશે.

ઈલેકશન કમિશન ઓફ ઈન્ડીયા દ્વારા દેશનાં કોઇપણ પ્રદેશમાં યોજાતી ચુંટણીમાં વપરાનારા ઈલેકટ્રોનીકસ વોટીંગ મશીન(ઈવીએમ)માં નોટાનું બટન ઉમેરવામાં આવ્યુ છે.

આવનારા પરિણામો પર નોટોની કોઇ અસર રહેશે નહીં. ગેરહાજર રહીને મત ન આપવાનો વિકલ્પ અપનાવવા કરતાં મતદાર નોટા આપીને તેનો નકારાત્મક મત વ્યકત કરી શકશે. ભારતીય બંધારણનાં આર્ટીકલ ૨૧ મુજબ નકારત્મક મત એ મતદારનાં અધિકારની ઓળખ છે. તે મતદારને મતદાન કરવા પ્રેરશે. તેનાંથી રાજકીય પક્ષો પર સારા ઉમેદવારની નિમણુક કરવાનું દબાણ આવશે. અને નોટા દ્વારા જાહેર જનતાનાં મંતવ્યનું પ્રતિબિંબ પડતા લાંબાગાળે લોકશાહી વધુ મજબુત બનશે.

નોટાનું બટન સમગ્ર દેશમાં સૈા પ્રથમવાર વાપરવાનું શ્રેય છત્ત્િ।સગઢ રાજયને ફાળે જાય છે. ચૂંટણી પ્રક્રિયામાં નોટાનો સમાવેશ કરનાર વિશ્વનો ૧૨ મો દેશ છે.

નોટાએ નકારવાનો અધિકાર નથી પણ કયારેય આક્રોશ ઠાલવી ન શકનારા મતદાતાઓને તેમનો આક્રોશ વ્યકત કરવાનું સબળ માધ્યમ છે. દરેક મતદાતાએ સમજી વિચારીને આ માધ્યમનો ઉપયોગ કરવો જોઇએ.            

આપણા દેશમાં તો હવે મત આપનારોની સંખ્યાને બદલે મત ન આપનારોઓની સંખ્યાને આધારે પરિણામો નક્કી થતા જોવા મળે છે.

આથી આગામી તા.૨૩ મી એપ્રિલનાં રોજ લોકસભાની સામાન્ય ચૂંટણી અને ગુજરાત વિધાનસભાની માણાવદર બેઠકની પેટાચૂંટણી યોજાવાની છે ત્યારે ગુજરાતમાં યોજાનારા લોકસભાનાં ચૂંટણી પર્વની ઉજવણી આપણે સૌએ મત આપીને કરવી જોઇએ. ગુજરાતમાં કયો પક્ષ સારો ને કયો ખરાબની ચર્ચા ન કરતા આપણને જેને યોગ્ય લાગે તેને મત કરીએ અને તમે ખરેખર એવું જ ઇચ્છતા હોય કે તમારે મત ન આપીને પણ મતદાનમાં ભાગ લેવો છે તો પછી ''નન ઓફ ધી એબોવ ઓપ્શન''ની રાહ જોવી રહી.

સંકલનઃ અશ્વિન પટેલ-માહિતી બ્યુરો, જુનાગઢ

(1:36 pm IST)