Gujarati News

Gujarati News

News of Thursday, 11th April 2019

ભાવનગર ખાતે જનરલ ઈલેકશન ઓબ્ઝર્વરશ્રીની ઉપસ્થિતિમાં EVM, પોલિંગ સ્ટાફ તથા માઇક્રો ઓબ્ઝર્વર્સનું બીજા તબક્કાનું રેન્ડેમાઇઝેશન કરાયું

ભાવનગર, તા.૧૧: આગામી લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૧૯થી અનુસંધાને આજે ૧૫-ભાવનગર સંસદીય મતવિસ્તારના જનરલ ઓબ્ઝર્વરશ્રી વેદપતિ મિશ્રાની ઉપસ્થિતિમાં વિવિધ રાજકીય પક્ષોના ઉમેદવારો તથા તેમના પ્રતિનિધિઓ સમક્ષ EVMનું બીજા તબક્કાનું રેન્ડેમાઇઝેશન કરવામાં આવ્યું હતું. આ સાથે જ પોલિંગ સ્ટાફ તેમજ માઇક્રો ઓબ્ઝર્વર્સનું પણ રેન્ડમાઇઝેશન કરવામાં આવ્યું હતું. આ તકે જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટરશ્રી હર્ષદ પટેલ, અધિક કલેકટરશ્રી ઉમેશ વ્યાસ, નાયબ જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી બી.એન. ખેર, વિવિધ રાજકીય પક્ષોના હરીફ ઉમેદવારો તેમજ ભાવનગર લોકસભા બેઠકના વિવિધ વિધાનસભા મતવિસ્તારોના એ.આર.ઓ. સહિત જિલ્લા ચૂંટણી તંત્રના અધિકારીઓ-કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

આગામી લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૧૯ના અનુસંધાને ભારતીય ચૂંટણી પંચ દ્વારા ૧૫-ભાવનગર સંસદીય મતવિસ્તાર માટે નિયુકત કરવામાં આવેલા જનરલ ઓબ્ઝર્વરશ્રી વેદપતિ મિશ્રાના અધ્યક્ષસ્થાને, ભાવનગર જિલ્લાના ચૂંટણી અધિકારીશ્રી હર્ષદ પટેલની ઉપસ્થિતિમાં ૧૫-ભાવનગર લોકસભા બેઠકના હરીફ ઉમેદવારો તથા જિલ્લા ચૂંટણીતંત્રના અધિકારીઓ સાથે બેઠક યોજવામાં આવી હતી.

આ બેઠકમાં વિવિધ રાજકીય પક્ષોના ઉમેદવારો તથા તેમના માન્ય પ્રતિનિધિઓને ચૂંટણી ખર્ચ રજિસ્ટર, મતદાન મથકની યાદી, મતદાનના દિવસે મતદાન મથકની આસપાસ ઊભા કરવામાં આવતા પોલિંગ બુથ, મતદાન કરવા માટેના વૈકલ્પિક પુરાવાની યાદી, EVM રેન્ડમાઇઝેશન, સિંગલ વિન્ડો સીસ્ટમ, વાહન મંજૂરી, લાઉડસ્પીકર મંજૂરી, પોસ્ટર-બેનર તેમજ સભા-સરદ્યસ સહિતની મંજૂરીની વિગતો પાવરપોઇન્ટ પ્રેઝન્ટેશનના માધ્યમથી આપી, ઉમેદવારોને ચુંટણી સબંધી માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યુ હતું. તદુપરાંત બેઠકમાં ઉપસ્થિત ઉમેદવારો તથા રાજકીય પક્ષોને ચૂંટણી પ્રક્રિયા તથા ચૂંટણી આચારસંહિતાના માર્ગદર્શન અંગે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. ઉપરાંત, સમગ્ર ચૂંટણી પ્રક્રિયા સુચારુરૂપે યોજાય તે માટે દરેક ઉમેદવાર સાથે ચર્ચા કરવામાં આવી હતી. આ બેઠકમાં ઉપસ્થિત વિવિધ ઉમેદવારો તથા તેમના પ્રતિનિધિઓ દ્વારા તેમને પડતી મુશ્કેલીઓ તથા રજૂઆતો સાંભળી તેમના તાત્કાલિક ઉકેલ માટે જરૂરી સૂચનાઓ આપવામાં આવી હતી.

આ તકે જિલ્લા ચૂંટણીતંત્ર દ્વારા નિયુકત કરવામાં આવેલી વિવિધ સમિતિઓના નોડલ અધિકારીઓ સાથે યોજાયેલી બેઠકમાં ચૂંટણી નિરીક્ષકશ્રીએ તમામ નોડલ અધિકારીઓને તેમને સોંપવામાં આવેલી કામગીરી અને જવાબદારીઓ અંગે વિસ્તૃત ચર્ચાઓ કરી, સમગ્ર ચૂંટણી પ્રક્રિયા શાંતિપૂર્ણ માહોલમાં અને સુચારુરૂપે પૂર્ણ થાય તે માટે આવશ્યક માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

(11:44 am IST)