Gujarati News

Gujarati News

News of Wednesday, 11th March 2020

ખેરવાની ગોળાઇમાં 'હિટ એન્ડ રન': પીપળીયાના કોળી યુવાન શૈલેષનું મોતઃ પાંચ વર્ષના પુત્રને ઇજા

પિતા-પુત્ર બાઇક પર વાંકાનેર જતા'તા ત્યારે અજાણ્યો ફોરવ્હીલરનો ચાલક ઠોકરે લઇ ભાગી ગયોઃ પરિવારમાં કલ્પાંત

રાજકોટ તા. ૧૧: કુવાડવાના ખેરવાની ગોળાઇ પાસે ધૂળેટીની સાંજે 'હિટ એન્ડ રન'ની ઘટનામાં પીપળીયા ગામનો કોળી યુવાન અને તેનો પાંચ વર્ષનો પુત્ર બાઇક પરથી ફંગોળાઇ જતાં પિતા-પુત્ર બંનેને ઇજા થતાં રાજકોટ સિવિલમાં ખસેડાયા હતાં. જેમાં પિતાનું મોત નિપજતાં પરિવારમામં અરેરાટી વ્યાપી ગઇ છે.

જાણવા મળ્યા મુજબ સાત હનુમાન પાસે પીપળીયા ગામે રહેતો શૈલેષભાઇ ભરતભાઇ સારલા (કોળી) (ઉ.વ.૩૦) ગઇકાલે સાંજે પોતાનું બાઇક જીજે૦૩કેએન-૧૫૧૮ લઇને પોતાના પુત્ર કિશન (ઉ.વ.૫)ને  બેસાડી પીપળીયાથી વાંકાનેર કામ સબબ જઇ રહ્યો હતો ત્યારે ખેરવાની ગોળાઇમાં કોઇ અજાણ્યો ફોરવ્હીલરનો ચાલક ઠોકરે લઇ ભાગી જતાં પિતા-પુત્ર બંને રોડ પર ફેંકાઇ જતાં ઇજાઓ થઇ હતી.

કોઇએ ૧૦૮ને જાણ કરતાં બંનેને રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ પિતા શૈલેષભાઇએ દમ તોડી દીધો હતો. હોસ્પિટલ ચોકીના સ્ટાફે જાણ કરતાં કુવાડવાના એએસઆઇ ફતેહસિંહ સોલંકીએ  રાજકોટ પહોંચી મૃતકના પિત્રાઇ ભાઇ વાંકાનેર રહેતાં ધર્મેશભાઇ જીલુભાઇ સારલા (ઉ.૨૪)ની ફરિયાદ પરથી અકસ્માત સર્જી ભાગી ગયેલા વાહન ચાલક સામે ગુનો નોંધ્યો હતો. પીએસઆઇ આર. પી. મેઘવાળ વધુ તપાસ કરે છે.

મૃત્યુ પામનાર ત્રણ ભાઇમાં મોટો હતો અને રિક્ષા હંકારી ગુજરાન ચલાવતો હતો. તેના મોતથી બે પુત્રી અને એક પુત્રએ પિતાની છત્રછાંયા ગુમાવતાં પરિવારમાં ગમગીની છવાઇ ગઇ છે. તેના પત્નિનું નામ રંજનબેન છે. પિતા હયાત નથી.

(1:35 pm IST)