Gujarati News

Gujarati News

News of Wednesday, 11th March 2020

વચનામૃત સકળ શાસ્ત્રોનો સાર છે : પૂ. મહંતસ્વામી

બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થા દ્વારા ગઢડામાં આયોજીત વચનામૃત દ્વિશતાબ્દી મહોત્સવનો વિરામ

અમરેલી તા. ૧૧ : બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થા દ્વારા ગઢડા ખાતે આંતરરાષ્ટ્રીય વચનામૃત દ્વિશતાબ્દી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં એક લાખથી વધુ ભકતો ઉપસ્થિત રહેવાના હતા. આ મહોત્સવ વિશ્વના અનેક દેશોમાં સર્જાયેલી કોરોના વાયરસની ગંભીર અને અનિશ્ચિત સમસ્યાને લક્ષમાં લઈને મોકૂફ રાખ્યો હતો. તેના સ્થાને ફકત સ્થાનિક વિસ્તારના ભકતો ભાવિકોની ભાવપૂર્તિ માટે આજનો ઉત્સવ યોજાયો હતો. તે સાથે જ લાખો ભકતો-ભાવિકોએ લાઇવ વેબકાસ્ટ દ્વારા આ મહોત્સવ નિહાળ્યો હતો.

ભગવાન શ્રી સ્વામિનારાયણની દિવ્ય લીલાઓથી પાવન થયેલ ગઢપુરની પવિત્ર ભૂમિ પર બી.એ.પી.એસ. સ્વામિનારાયણ મંદિર દ્વારા વચનામૃત દ્વિશતાબ્દી મહોત્સવ ઉજવાયો હતો. ભગવાન શ્રી સ્વામિનારાયણે સ્વમુખે ઉદબોધેલ અમૃતવચનોનો આ વચનામૃત ગ્રંથ કે જે સંપૂર્ણ માનવજાત માટે આ લોક અને પરલોકની સર્વે સમસ્યાઓનું નિરાકરણ કરી જીવન ઉન્નત બનાવે છે એવા આ ગ્રંથને ૨૦૦ વર્ષ પૂર્ણ થયે આ ઉત્સવની ઉજવણી કરવામાં આવી હતી.

વચનામૃત દ્વિશતાબ્દી મહોત્સવની મુખ્યસભામાં ધૂન અને કીર્તનગાન બાદ મંચ પરથી યુવાનોએ ખૂબ સુંદર 'વચનામૃત એ વચનામૃત' સંવાદ પ્રસ્તુત કર્યો હતો. સમગ્ર મહોત્સવના કાર્યક્રમમાં વેદાદિ સકળ શાસ્ત્રોના સારરૂપે ભગવાન સ્વામિનારાયણે પ્રબોધેલ 'વચનામૃત' ગ્રંથનું મહિમાગાન કરવામાં આવ્યું હતું. જેમાં સૌપ્રથમ મહામહોપાધ્યાય પૂજય ભદ્રેશ સ્વામીએ અક્ષર અને પુરુષોતમનો સિદ્ઘાંત વચનામૃતમાં ભગવાન સ્વામિનારાયણે આલેખ્યો છે તેની સરળતા પૂર્વક સમજૂતી આપી હતી. તો વળી આ સિદ્ઘાંતને સિદ્ઘ કરવાનું માધ્યમ પ્રગટ ગુરૂ જ છે તે વિષયક પૂજય વિવેકસાગર સ્વામીના વકતવ્યનું પાન કરીને ભાવિકો પુલકિત થઈ ઉઠયા હતા. સમગ્ર કાર્યક્રમમાં વિદ્વાન સંતોના વકતવ્યો દ્વારા વચનામૃત ગ્રંથના સિદ્ઘાંત વચનોનાં ઉપદેશ અને વચનામૃત ગ્રંથના મહિમાગાનને માણી સૌએ ધન્યતાનો અનુભવ કર્યો હતો. બાળકો દ્વારા વચનામૃત ગ્રંથનું પૂજન કરવામાં આવ્યું હતું. ગઢડા બી.એ.પી.એસ. સ્વામિનારાયણ મંદિરના પરિસરમાં ભકતરાજ જીવાખાચરના મહાપ્રાસાદિક દરબારગઢ તથા શ્રીજી મહારાજ અને માણકી ઘોડી સાથેનો અનેરો સંબંધ દર્શાવતી દર્શનયાત્રાની માહિતી આપવામાં આવી હતી.

આજના પરમ પવિત્ર દિને પ.પૂ.મહંતસ્વામી મહારાજે ઠાકોરજીને રંગે રંગીને ભકિત અર્ઘ્ય અર્પણ કર્યું હતું અને સમગ્ર સભા પણ ભાવપૂર્વક આ ભકિતને વંદી રહી. વચનામૃત દ્વેશતાબ્દી મહોત્સવ સભાની ઉજવણીના ચરમસીમા રૂપે પ્રગટ બ્રહ્મસ્વરૂપ પ.પૂ.મહંતસ્વામી મહારાજે દિવ્ય આશીર્વચન વરસાવતાં જણાવ્યું કે,

'વચનામૃત સકળ શા સ્ત્રોનો સાર છે. અક્ષરરૂપ થઈ પુરુષોતમની ભકિત કરવાનો સનાતન સિદ્ઘાંત વચનામૃતના પાને પાને આલેખાયેલો છે.'

આ મહોત્સવ સભાના સમાપન અવસરે આરતીમાં પ.પૂ.મહંતસ્વામી મહારાજ, સૌ સંતો તેમજ સભામાં ઉપસ્થિત હરિભકતો સમૂહ આરતીમાં જોડાયા હતા. બરાબર એ જ સમયે ટેલિવિઝન ચેનલ અને વેબકાસ્ટિગનાં માધ્યમથી સમગ્ર વિશ્વમાં જીવંત પ્રસારણ માણી રહેલા લાખો ભકતોએ પણ આ સમૂહ આરતીમાં જોડાઈને પોત-પોતાના ઘરોમાં આરતી ઉતારી હતી. સભાના અંતિમ ચરણમાં યુવાનોએ ભવ્ય નૃત્ય 'જય હો જય હો વચનામૃતમ..' પ્રસ્તુત કરીને વચનામૃત ગ્રંથને નૃત્યાંજલિ અર્પણ કરી હતી.

આ વચનામૃત દ્વિશતાબ્દી મહોત્સવ નિમિત્તે અનેક આયોજન પરત્વે ઉત્સવના આ ચતુર્થ દિવસે સવારે ૯ થી ૧૨ દરમિયાન વિશાળ મહાપૂજાનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ દિવ્ય મહાપૂજાનો લાભ લેવા પ્રખ્યાત ટીવી કલાકાર દીલિપભાઈ જોશી (જેઠાલાલ) તથા ઘણા મહાનુભાવો તેમજ ૧૫૦૦ થી અધિક યજમાનો લાભ લઈ કૃતાર્થ થયા.

પરમ પૂજય મહંત સ્વામી મહારાજની પાવન ઉપસ્થિતિ તેમજ સદગુરૂ સંતોની સંનિધિમાં પ્રત્યેક યજમાન પંચામૃતથી પૂજન કરી શકે તેવી વિશેષ વ્યવસ્થા હતી. પષડ્દર્ષનાચાર્ય પૂજય શ્રુતિપ્રકાશસ્વામીએ વચનામૃત પૂજનની વિધિ કરાવી હતી.

જેમાં યજમાનોને વચનામૃત ગ્રંથ તેમજ ભગવાનની ચિત્ર પ્રતિમા ભેટ આપવામાં આવી હતી. આ મહાપૂજાના લાભ રૂપે સૌ પ્રથમ વાર વિશાળ ભકતસમુદાય દ્વારા વચનામૃત ગ્રંથનું પૂજન કરવામાં આવ્યું હતું.

મહાપૂજામાં મહંત સ્વામી મહારાજના આશીર્વચન વરસાવતાં કહ્યું હતું કે, 'ભગવાન પૃથ્વી પર પોતાના પ્રેમી ભકતો માટે જ પધારે છે. માટે આપણે સર્વકર્તા હર્તા ભગવાન જ છે એવો દૃઢ નિશ્યય રાખવો અને તેઓના આપેલા ઉપદેશ અને નિયમ પ્રમાણે દૃઢપણે વર્તતા શીખીએ.'

આજની ચતુર્થ દિનની સાયંસભામાં ઉત્સવની ત્રિવેણી રચાઈ ગઈ. જેમાં પવિત્ર હોળીનો ભકિત ઉત્સવ તેમજ વચનામૃત ગ્રંથના જીવંત સ્વરૂપ એવા બી.એ.પી.એસ. સંસ્થાની ગુરુપરંપરાના દ્વિતીય આધ્યાત્મિક ગુરુ બ્રહ્મસ્વરૂપ ભગતજી મહારાજનો જન્મોત્સવનો લાભ લઈ સર્વે ભકતો કૃતકૃત્ય થયા. આ ત્રિવેણી ઉત્સવનો મુખ્ય કૃપાલાભ હતો પરમ પૂજય મહંત સ્વામી મહારાજના આશીર્વચન. આ ઉપરાંત સંતો તેમજ વરિષ્ઠ સંતો દ્વારા વચનામૃત ગ્રંથનું અદ્ભૂત મહત્ત્વ તાદૃશ કરતા પ્રવચનો, બ્રહ્મસ્વરૂપ ભગતજી મહારાજની બ્રાહ્મી સ્થિતિ અને તેમના સત્સંગ પ્રવર્તનના અનેરા ઉત્સાહના પ્રેરક પ્રસંગો તેમજ હરિભકતોની સેવા-સમર્પણ ગાથા ગવાઈ હતી.

વચનામૃત દ્વિશતાબ્દી મહોત્સવે અદ્વિતીય સમર્પણ

સારંગપુર બી.એ.પી.એસ. સ્વામિનારાયણ સંસ્કૃત મહાવિદ્યાલયમાં અભ્યાસ કરતા તીર્થ સંજયભાઈ પટેલ નામના વિદ્યાર્થીએ અનેરૃં સમર્પણ કર્યું છે. ફકત ૧૭ વર્ષની આયુ ધરાવતા અને કોલેજના પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતા આ કિશોરે એક માસ પૂર્વે ગઢડામાં આયોજિત સ્વામિનારાયણ ભાષ્યની મુખપાઠ સ્પર્ધામાં ભાગ લીધો હતો. જેમાં દ્વિતીય સ્થાન પ્રાપ્ત થતાં તેને રૂપિયા ૧૦,૦૦૦ રોકડનું માતબર ઈનામ પ્રાપ્ત થયું હતું.  પરંતુ તીર્થે આ રકમ પોતાના અંગત મોજશોખ માટે ન વાપરતા તેનો સદુપયોગ કર્યો હતો. વચનામૃત દ્વિશતાબ્દી નિમિતે તેણે રૂ. ૧૦ હજારના વચનામૃત ગ્રંથો ખરીદીને સારંગપુર સ્વામિનારાયણ મંદિરમાં પધારતા ભાવિક જનોને વચનામૃતનો મહિમા સમજાવી તેનું વિનામૂલ્યે વિતરણ કર્યું હતું. આ રીતે તેને વચનામૃત ગ્રંથ અને ભગવાન શ્રી સ્વામિનારાયણના ચરણોમાં અંજલિ અર્પણ કરી હતી.

(1:27 pm IST)