Gujarati News

Gujarati News

News of Wednesday, 11th March 2020

ધજડી ગામના મહિલાને ભેંસોના વિમાની રકમ ચુકવવા સાવરકુંડલા ગ્રાહક ફોરમનો હુકમ

સાવરકુંડલા તા.૧૧ : ભારત દેશનો ગ્રામ્ય પ્રદેશ હજુ પણ નિરક્ષરતા અને અજ્ઞાનતાથી ત્રસ્ત છે. એવાં પ્રદેશમાં ગ્રાહકો પોતાના હક્કો વિશે મોટેભાગે અજ્ઞાત હોય છે.આવાં પ્રદેશોમાં નિરંતર ગ્રાહકનાં હિતોની સમજ આપવા ગ્રાહક સુરક્ષા મંડળ સાવરકુંડલા સતત ચિંતિત અને પ્રયત્નશીલ રહેતું હોવાથી તેનાં ચમત્કારિક પરિણામો પણ મળી રહ્યાં નાં અઢળક પુરાવાઓ જોવા મળે છે. હમણાં જ એક સાવરકુંડલા તાલુકાના ધજડી ખોડીયાર પરાના વર્ષાબેન દ્યીરૂભાઈ રામાણી નો કિસ્સો રસપ્રદ છે. વર્ષાબેન રામાણી એ ખાંભાની એસ. બી. આઈ. શાખામાંથી લોન લઈને ચાર ભેંશો ખરીદી અને તેનો વીમો એસ.બી.આઈ. જનરલ ઈન્સ્યોરન્સ કંપનીમાં એક ભેંસના ૬૦૦૦૦/ લેખે આ ચારેય ભેંસોનો (વીમા કવચ) વીમો ઉતરાવેલ આ વીમા પોલિસી ઈનફોર્સમાં હતી તે સમય દરમ્યાનમાં એક ભેંસને એકયુટ ટીંમ્પની નામની બિમારી થઈ (આફરો) ચડી જતાં મરણ પામી જેનું સરકારી પશુદવાખાના સાવરકુંડલામાં પોસ્ટમોર્ટમ કરતાં સરકારી પશુચિકિત્સક શ્રી સંજયભાઈ દેસાઈ એ આ ભેંસ એકયુટ ટીંમ્પની ની બિમારીથી મૃત્યુ પામી છે એવો અહેવાલ (પોસ્ટ મોર્ટમ૬ રીપોર્ટ) આપેલ. આવી બિમારીથી મૃત્યુ પામેલા પશુઓ વિમા સુરક્ષા કવચ થી સુરક્ષિત હોય છે એટલે તેનો કાયદેસરનો કલેઈમ વીમા કંપનીને કરતાં આ વીમા કંપનીએ ભેંસનું માથું અને કાનમાં પહેરેલ ટેગ મેચ ન થતાં હોવાનું કારણ આગળ ધરીને વીમો ચુકવવા ઈન્કાર કરેલ. આ બાબતે અહીંની ગ્રાહક સુરક્ષા ન્યાય અપાવશે એવી હૈયા ધારણા સાથે શ્રી વર્ષાબેન ધીરૂભાઈ રામાણી કે જેણે આકાશવાણી પરથી પ્રસારિત થતાં સમાચાર અને સરકારી યોજનાની જાહેરાતો સાંભળી અત્રે સાવરકુંડલા સ્થિત ગ્રાહક સુરક્ષા મંડળનો સંપર્ક સાધી તેણીને વીમા કંપની દ્વારા થયેલ અન્યાયની રજૂઆત કરતાં ગ્રાહક સુરક્ષા મંડળ સાવરકુંડલા નાં પ્રમુખ શ્રી રમેશભાઈ હીરાણી એ આ અંગે ગ્રાહક ફોરમ અમરેલીમા વર્ષાબેન ધીરૂભાઈ રામાણી વતી ફરિયાદ જરૂરી આધાર પુરાવા સાથે દાખલ કરેલી. ગ્રાહક ફોરમ અમરેલી નાં પ્રમુખ શ્રી બી.બી.પાઠક સાહેબ તથા મેમ્બર્સ શ્રી અંજનાબેન ગોંસાઈ અને સંજયભાઈ મહેતાએ ગ્રાહક સુરક્ષા મંડળ સાવરકુંડલા નાં પ્રમુખ રમેશભાઈ હીરાણીની દલીલને માન્ય રાખી વીમા કંપનીને અરજદારનો કલેઈમ ખોટી રીતે નામંજૂર કર્યાનું જણાવી ફરિયાદી શ્રી વર્ષાબેનને અરજીની દાખલ તારીખ ૧૪-૦૫-૨૦૧૯ થી રકમ ચુકવે ત્યાં સુધી ૮ ટકા લેખે વ્યાજ સાથે રૂપિયા ૬૦૦૦૦/ તથા ફરિયાદીને થયેલ માનસિક ત્રાસ અને ખર્ચ પેટે રૂપિયા ૪૦૦૦/ ફરિયાદીને ચુકવવા આદેશ કર્યો હતો.સાવરકુંડલા ગ્રાહક સુરક્ષા મંડળ  રમેશભાઈ હીરાણી, રવિભાઈ મહેતા, બિપીનભાઈ પાંધી અને હર્ષદભાઈ જોષીએ તર્કબધ્ધ રજૂઆતો  કરી હતી.

(12:00 pm IST)