Gujarati News

Gujarati News

News of Wednesday, 11th March 2020

કચ્છના નાના અને મોટા રણમાં ઘુડખરની ગણતરી

ઘુડખરની ગણતરીની લીધે તા.૧૩ -૧૪ અભ્યારણમાં પ્રવેશ પ્રતિબંધ

સુરેન્દ્રનગરઃ-નાયબ વન સંરક્ષકશ્રી, ઘુડખર અભયારણ્ય, ધ્રાંગધ્રાના જણાવ્યા પ્રમાણે કચ્છનાં નાના રણ તથા આસપાસના કુલ ૪૯૫૩ ચોરસ કિ.મી વિસ્તારને ૧૯૭૩ તથા ૧૯૭૮ના જાહેરનામાંથી ઘુડખર અભયારણ્ય જાહેર કરેલ છે. ભારતીય ઘુડખર (indian wild ass)ની પ્રજાતિના વન્યપ્રાણીઓ એશિયાઇ સિંહની માફક વિશ્વમાં ફકત ગુજરાતમાં અને કચ્છના નાના તથા મોટા રણમાં જોવા મળે છે. સરકારના વન વિભાગ દ્વારા દર પાંચ વર્ષે આ ઘુડખરની ગણતરી કરવામાં આવે છે. છેલ્લી ગણતરી ૨૦૧૪માં કરવામાં આવેલ જેમાં ઘુડખરોની સંખ્યા ૪૪૫૧ નોંધાયેલ હતી.

જે અન્વયે આગામી તા. ૧૩ અને ૧૪ માર્ચના રોજ આ ઘુડખરની ગણતરી કરવામાં આવનાર છે. આ ગણતરી માટે ૩ રીજનલ ઓફિસર, ૧૮ ઝોનલ ઓફિસર, ૭૭ સબ ઝોનલ ઓફિસર તેમજ ૩૬૨ ગણતરીકારો અને સ્વૈચ્છિક સંસ્થાઓના સ્વયંસેવકો આગેવાનો અને અભયારણ્યના સ્ટાફ સહિત ૧૨૦૦થી વધુ વ્યકિતઓ આ ઘુડખરની ગણતરીમાં ભાગ લેશે. આ ગણતરી કચ્છના નાના રણમાં, તેની આસપાસના વિસ્તારોમાં તથા કચ્છના મોટા રણમાં જયાં ઘુડખરનો વસવાટ છે ત્યાં યોજવામાં આવનાર છે. આ ગણતરીમાં કોઇ વિક્ષેપ ના પડે તે માટે તા. ૧૩-૧૪ માર્ચ ૨૦૨૦ના રોજ પ્રવાસીઓ અને તમામ પ્રકારના વાહનો માટે એક જાહેરનામા દ્વારા પ્રવેશબંધી ફરમાવવામાં આવેલ છે. આથી અભયારણ્ય આસપાસના ગ્રામજનો, પરંપરાગત રીતે મીઠું પકવતા અગરીયા ભાઇ – બહેનો તથા યાત્રાળુઓને સહકાર આપવા વન વિભાગ દ્વારા અનુરોધ કરાયો છે.

આ ગણતરીમાં ઘુડખર ઉપરાંત કચ્છના નાના રણમાં જોવા મળતા અનેક અલભ્ય પ્રકારના વન્યપ્રાણીઓ જેવા કે કાળિયાર, ચિંકારા, વરુ, રણલોકડી, રણબિલાડી વગેરેની વસ્તીનો પણ અંદાજો મેળવવામાં આવશે. ગણતરી દરમિયાન ઘુડખરના કુદરતી નિવાસસ્થાનમાં ઘુડખર તથા અન્ય તૃણાહારી વન્યપ્રાણીઓ ખોરાકની ઉપલબ્ધી તેમજ વન્યપ્રાણી અને તેના કુદરતી નિવાસ સ્થાનનાં પ્રબંધનને લગત વિવિધ પડકારોની પણ મોજણી કરવામાં આવનાર છે.

અત્રે ઉલ્લેખનીય છે કે નવનિર્મિત કેન્દ્રશાસિત પ્રદેશ લડાખમાં ઘુડખર જેવા જ દેખાતા તેની પેટા પ્રજાતિના વન્યપ્રાણી કિયાંગ (તિબેટીયન વાઇલ્ડ એસ) વસવાટ કરતા હોઇ લડાખ વિસ્તારમાં તેઓની ગણતરીનું આયોજન કરી શકે તેમજ તેઓને અન્ય જાણકારી મળી રહે તે માટે સૌપ્રથમવાર લડાખ વન વિભાગના અધિકારી/કર્મચારીશ્રીઓને આ ઘુડખર ગણતરીમાં ભાગ લેવા ખાસ આમંત્રણ આપવામાં આવેલ છે, જેના અનુસંધાને સબંધિત વિભાગમાં જ અધિકારી/કર્મચારીશ્રીઓ આ ગણતરીમાં જોડાનાર છે તેમ વધુમાં જણાવાયું છે.

(11:59 am IST)