Gujarati News

Gujarati News

News of Wednesday, 11th March 2020

સોનુ ડાંગર સહિત ૯ કુવિખ્યાત શખ્સો સામે 'ગુજટોક' હેઠળ ગુન્હા દાખલ

અમરેલી-ભાવનગર-રાજકોટ-ગીર સોમનાથ-જુનાગઢ સહિતના જીલ્લાઓમાં ગેંગ દ્વારા ખૂન, ખૂનની કોશીષ, અપહરણ, ખંડણી, મિલ્કતો પચાવી પાડવા સહીતના ભયંકર ગુન્હાઓ બદલ સૌરાષ્ટ્રમાં સૌ પ્રથમ વખત ધી ગુજરાત કંટ્રોલ ઓફ ટેરેરીઝમ એન્ડ ઓર્ગેનાઇઝની આકરી કાયદાનો અમલ કરાવતા ભાવનગર રેન્જ વડા અશોકકુમાર યાદવ : સૌરાષ્ટ્રની અંધારી આલમમાં ફફડાટઃ આરોપીઓના ગુન્હાઓની વંશાવળી દર્શાવતી અમરેલી ક્રાઇમ બ્રાન્ચના પીઆઇની દરખાસ્તને મંજુરીની મહોર

રાજકોટ, તા., ૧૧: અમરેલી, ભાવનગર, રાજકોટ, ગીર સોમનાથ, જુનાગઢ, સુરત, અમદાવાદ શહેર અને પાટણ જીલ્લામાં પોતાનું નેટવર્ક ઉભુ કરી ખૂન, ખૂનની કોશીષ, અપહરણ, ધાક-ધમકી, ઉંચા વ્યાજ, પઠાણી ઉઘરાણી અને સ્થાવર મિલ્કત પડાવી લેવાના ગુન્હા તથા નશાબંધી ધારાના ભંગના ગુન્હાઓની સાથોસાથ ગેરકાયદે હથીયારોની આંતરરાજય હેરફેર સહીતના ભયંકર ગુન્હાઓ વિશેષ ગેંગ બનાવી આચરતી ગુન્હાખોર ટોળકીના રાજકોટની મહિલા ડોન સોનલ ઉર્ફે સોનુ ઉર્ફે ઉષા ચંદુભાઇ ડાંગર સહીત ૯ શખ્સો સામે ધી ગુજરાત કંટ્રોલ ઓફ ટેરેરીઝમ એન્ડ ઓર્ગેનાઇઝ એકટ (ગુજટોક) મુજબ સૌરાષ્ટ્રમાં સૌ પ્રથમ વખત અને ગુજરાતમાં  નવા કાયદા મુજબનો ગુન્હો દાખલ કરવા ભાવનગર રેન્જના વડા અશોકકુમાર યાદવ દ્વારા મંજુરી આપવામાં આવતા સૌરાષ્ટ્રની ગુન્હાખોર આલમમાં ફફડાટ વ્યાપી ગયો છે.

અત્રે યાદ રહે કે અમરેલી જીલ્લા ક્રાઇમ બ્રાન્ચના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેકટર આર.કે.કરમટા દ્વારા વિસ્તૃત રીતે જીલ્લા પોલીસ વડા મારફત દરખાસ્ત કરી અને તેની મંજુરી માટે ભાવનગર રેન્જ વડા અશોકકુમાર યાદવને સમગ્ર દરખાસ્ત મોકલી હતી બનાસકાંઠામાં એકી સાથે ર૪ કસાઇઓને પાસામાં ધકેલનાર આઇપીએસ અશોકકુમાર યાદવે દરખાસ્ત મળતા જ તાત્કાલીક મંજુરીની મ્હોર મારી દીધી હતી.  દરખાસ્તમાં આરોપીઓનો ગુન્હાહીત ઇતિહાસ અને તેની સામેના ફોજદારી ગુન્હાઓ અને કલમોનો આખો આંબો વર્ણવવામાં આવ્યો છે.

અન્ય જે આરોપીઓ સામે ગુજટોક (ધી ગુજરાત કંટ્રોલ ઓફ ટેરેરીઝમ ઓર્ગેનાઇઝ) એકટની કલમ મુજબ ગુન્હો દાખલ કરવાની મંજુરી મળી છે તેમાં વિંછીયાના શિવરાજભાઇ ઉર્ફે મુન્નાભાઇ (ર) સાવરકુંડલા પંથકના દોલતી ગામના શૈલેષભાઇ ચાંદુ (૩)  દોલતીના જ દાદેશ ઉર્ફે દાદુભાઇ (૪) સાવરકુંડલાના લુવારાના અશોકભાઇ બોરીયા તથા લુવારાના જ જૈતાભાઇ બોરીયાનો સમાવેશ છે.

આ ઉપરાંત ખાંભાના નાનીધારીના વનરાજભાઇ વાળા, અમરેલી જીલ્લાના વંડાના નરેન્દ્રભાઇ ખુમાણ, સેજળના ગૌતમભાઇનો સમાવેશ છે.

અત્રે યાદ રહે કે સૌરાષ્ટ્રમાં સંગઠીત ગુન્હાખોરી આચરતી ગેંગ સામે ગુજટોક મુજબ થયેલી આ કાર્યવાહી પ્રથમ છે. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા કુવિખ્યાત વિશાલ ગોસ્વામી અને તેની ગેંગ સામે અમદાવાદના પોલીસ કમિશ્નર આશીષ ભાટીયા અને સ્પે. પોલીસ કમિશ્નર અજયકુમાર તોમરના આદેશથી સૌ પ્રથમ આવો ગુન્હો દાખલ કરવામાં આવ્યો છે.

સોનુ ડાંગરે એક વિડીયો દ્વારા અમરેલી એસપી વિરૂધ્ધ જે રીતે ઉચ્ચારણ કરેલ તેનાથી અમરેલી એસપી અને ભાવનગર રેન્જ વડા ચોંકી ઉઠયા હતા. આરોપી વિરૂધ્ધ વિસ્ફોટકો રાખવાના તથા સરકારી જમીન પર દબાણ, બાંધકામ કરવા તથા હિન્દુ-મુસ્લીમ કોમ વચ્ચે વૈમનસ્ય ફેલાઇ તેવા મેસેજો સોશ્યલ મીડીયા પર મુકવાના આરોપો લગાવી ગુન્હા દાખલ થયાનું પોલીસ સુત્રો જણાવે છે.

(11:58 am IST)