Gujarati News

Gujarati News

News of Wednesday, 11th March 2020

ગોંડલમાં ચોકે ચોકે મોટા બેનર લગાવી દેવાયા : મોટી બબાલ

'વરલી - મટકા - જુગાર - દારૂ આ જગ્યાએ ચાલુ છે'

ગોંડલ : શહેરના જુદા-જુદા વિસ્તારોમાં દારૂ, વરલી, મટકાના ધંધાના આક્ષેપો સાથે બેનરો લગાવવામાં આવતા ભારે ચર્ચા જાગી છે. (તસ્વીર : ભાવેશ ભોજાણી, ગોંડલ)

રાજકોટ તા. ૧૧ : આજે સવારના ઉઠતાવેંત રાજકોટથી ૪૦ કિ.મી. દૂર આવેલ ગોંડલ શહેરના નાગરિકો આભા બની ગયેલ. સંખ્યાબંધ ચોકમાં મોટા-મોટા બેનરો લાગી ગયા છે. જેમાં ગોંડલમાં કઇ-કઇ જગ્યાએ વરલી મટકા - જુગાર રમાય છે. તેના નામ સરનામા આપ્યા છે. લોકો આ વાંચવા એકત્ર થઇ રહ્યા છે. મોટી બબાલ સર્જાય તેવી ભારે ચર્ચા છે. પોલીસ તાકિદે પગલા ભરી આ બધા દૂષણો ડામી દયે તેવી લોકલાગણી.

ગોંડલના કડિયાવાડી ચોક, ત્રણ ખુણીયો, ભુવનેશ્વરી ચોક, બસ સ્ટેન્ડ ચોક સહિતના જુદા-જુદા વિસ્તારોમાં બેનરો લગાવીને ગોરખધંધા થઇ રહ્યાના આક્ષેપો કરવામાં આવ્યા છે. આ બેનરો જોવા લોકો  જુદા-જુદા વિસ્તારોમાં ઉમટી પડયા હતા.

આ બેનરોમાં જણાવાયુ છે. વોરા કોટડા રોડમાં કવાર્ટરમાં દારૂ, જુગાર, વરલી, પાવડર, ગાયુના કતલખાના, ગેરકાનુની ધંધા થઇ રહ્યા છે તેમ કહીને વ્યકિતગત આક્ષેપો પણ બેનરમાં કરાયા છે. તાલુકા શાળાના મેદાનમાં વરલી, મટકા, ચકલા - પોપટના હાજર જુગાર, દેશી દારૂનો હાટડો ધમધમે છે. સરકારી દવાખાનાના ચોકમાં વરલી મટકા, કોરી વાડામાં સામાકાંઠે દેશી અને વિદેશી દારૂનો ધંધો, લીલાપીઠ, ફુલવાડી, રેતી ચોક, ઉદ્યોગનગર, જામવાડી, જીઆઇડીસી, જુના યાર્ડ, નવા માર્કેટીંગ યાર્ડ, ખટારા સ્ટેન્ડ ચોક, સેન્ટર ટોકીઝ, વોરા કોટડા રોડ, કનૈયા હોટલ પાસે, જુના યાર્ડની અંદર, કોલેજ ચોક પાસે, બસ સ્ટેન્ડ પાછળ સહિતના વિસ્તારોમાં ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ધમધમતી હોવાના નામ સાથે આક્ષેપ કરાયા છે. એવી પણ ચર્ચા છે કે ચોક્કસ વર્તુળોને ટાર્ગેટ બનાવી આ નામો મૂકાયા છે. જ્યારે મોટા માથા ગણાતા નામો આશ્ચર્યજનક રીતે ગાયબ છે.

આ બેનરોમાં એવો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે કે, ગોંડલમાં જાહેર જગ્યાઓ ઉપર થતી ગેરકાયદેસરની આ બધી આવકમાંથી તમામ આવક પ્રસાસનને આપવામાં આવે છે. એક સાથે જુદી-જુદી જગ્યાઓ ઉપર બેનર લગાવવામાં આવતા આ બેનરો કોણે લગાવ્યા છે? શા માટે લગાવ્યા છે તેની ચર્ચા થઇ રહી છે.

(11:56 am IST)