Gujarati News

Gujarati News

News of Wednesday, 11th March 2020

સૌરાષ્ટ્ર - કચ્છમાં હોળી - ધૂળેટી પર્વની ઉમંગભેર ઉજવણી

હોલીકાદહન બાદ ગામેગામ રંગપર્વના રંગમાં સૌ કોઇ રંગાયા : ધાર્મિક સ્થાનોમાં વિશેષ કાર્યક્રમોમાં ભાવિકો ઉમટયા

પ્રથમ તસ્વીરમાં બગસરા, બીજી તસ્વીરમાં ભાવનગર અને ત્રીજી તસ્વીરમાં ધોરાજીમાં ધૂળેટી પર્વની ઉજવણી થઇ તે નજરે પડે છે.

રાજકોટ તા. ૧૧ : સોમવારે રાત્રીનો હોલીકા દહન બાદ મંગળવારે રાજકોટ સહિત સૌરાષ્ટ્ર - કચ્છમાં ધૂળેટી પર્વની ભવ્યતાથી ઉજવણી કરવામાં આવી હતી. લોકોએ રંગપર્વની ઉજવણી માટે એકબીજા ઉપર રંગબેરંગી કલર ઉડાડીને ધૂળેટી ઉજવી હતી અને આખો દિવસ ધમાલ મચાવી હતી.

બગસરા

બગસરા : બગસરાના પટેલવાડી વિસ્તાર, વ્રજભૂમિ સોસાયટી, હુડકો વિસ્તાર, મેઇન બજારો, વિજય ચોક, રામદેવપીર મંદિર વિસ્તારોમાં ધૂળેટી પર્વની ઉજવણી કરવામાં આવી હતી. સમગ્ર સૌરાષ્ટ્રમાં ધૂળેટીની ઉજવણી કરવામાં આવી છે ત્યારે અમરેલી જિલ્લાના બગસરામાં નાના ભુલકાથી માંડીને વૃધ્ધો દ્વારા ધૂળેટી રમવામાં આવી હતી. જેમાં વ્રજભૂમિ સોસાયટીમાં નાના બાળકોએ રંગોથી રમીને ધૂળેટી મનાવવામાં આવી હતી તેમજ ગોકુલપરા જકાત નાકા પાસે ગોકુલપરાના યુવાનો દ્વારા રસ્તાઓ પર નીકળતા તમામ લોકોને રંગોથી રંગીને આનંદ માણ્યો હતો તેમજ બગસરાના અમુક મંદિરોમાં અબીલ ગુલાલ ઉડાડીને ધૂળેટી પર્વને વધાવવામાં આવ્યો હતો.

જુનાગઢ

જુનાગઢ : જુનાગઢ શહેરમાં અને જિલ્લામાં હોળી ધૂળેટી પર્વની શાનદાર રીતે શાંતિપૂર્ણ ઉજવણી કરવામાં આવી હતી.

જેમાં ગિરનાર પર્વત સ્થિત અંબાજી મંદિર ખાતે પૂ. તનસુખગીરી બાપુના માર્ગદર્શન હેઠળ હોલીકા દહન કરાયું હતું. જેમાં અસંખ્ય માતાજીના ભકતો હાજર રહ્યા હતા. જેમાં પ્રથમ માતાજીની આરતી કરવામાં આવી હતી. બાદમાં ૭.૪૫ કલાકે હોળી પ્રગટાવવામાં આવી હતી અને ત્યાં હોળી પ્રગટયા બાદ શહેરમાં અનેક જગ્યાએ હોળી પ્રગટાવવામાં આવેલ તેમજ ઉપલા દાતાર ખાતે પૂ. ભીમબાપુની નીશ્રામાં હોળી પ્રગટાવવામાં આવી હતી અને પૂ. બાપુ તથા ઉપલા દાતાર ભકતોએ દર્શન અને પ્રસાદનો લાભ લીધો હતો અને દરેક સ્થળે હોળી પ્રગટાવવામાં આવે ત્યાં પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો હતો અને લોકો શાંતિમય રીતે આ પર્વની ઉજવણી કરી શકે તે માટે જુનાગઢ રેન્જના ડીઆઇજી મનિન્દર પ્રતાપસિંહ પવાર અને એસપી સૌરભસિંઘના માર્ગદર્શન હેઠળ ડીવાય એસપી પ્રદિપસિંહ જાડેજા તેમજ એલસીબી પીએસઆઇ આર.કે.ગોહિલ, એસઓજીના પીએસઆઇ જે.એમ.વાળા તેમજ એ-ડીવીઝનના ઇ.ચા. પીઆઇ જે.પી.ગોસાઇ તેમજ બી-ડીવીઝન પીઆઇ આર.બી.સોલંકી તેમજ સી-ડીવીઝનના પીએસઆઇ ડી.જી.બડવા સહિત સમગ્ર જિલ્લાની પોલીસે ચુસ્ત બંદોબસ્ત જાળવી પેટ્રોલીંગ હાથ ધરેલ જેના પગલે એકપણ અનિચ્છનીય બનાવ બનેલ નથી.

ધોરાજી

ધોરાજી : ધોરાજીમાં એફસીસી કલબ અને વિશ્વકર્મા પરિવાર દ્વારા ધુળેટી મહોત્સવ જમનાવડ રોડ કિમતમલ હોલ ખાતે યોજવામાં આવેલ હતો આ પ્રસંગે અખિલ ભારતીય વિશ્વકર્મા મહાસભાના રાષ્ટ્રીય અગ્રણી કિશોરભાઈ રાઠોડ ફેવિકોલ કંપનીના એરીયા મેનેજર પટણી ભાઈ ધોરાજી એફસીસી કલબના પ્રમુખ મિતેશભાઇ લીંબડ વિશ્વકર્મા સોશ્યલ ગૃપના પ્રમુખ નિલેશભાઈ ભાડેશીયા લુહાર સમાજના યુવા અગ્રણી ભરતભાઈ રાઠોડ ગુર્જર સુથાર સમાજના યુવા અગ્રણી હરેશભાઈ ભાડેશીયા સહિતના હોદ્દેદારો અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા અને વિશ્વકર્મા ભગવાનની આરતી પૂજા સાથે ધુળેટી મહોત્સવ ઉજવવામાં આવ્યો હતો આ સમયે ધોરાજી વિશ્વકર્મા પરિવારના યુવાનો વડીલો બાળકો વિગેરે લાભ લીધો હતો તેમજ અબીલ ગુલાલના કુદરતી રંગોથી ધુળેટી મહોત્સવ ઉજવેલ હતો.

(11:55 am IST)