Gujarati News

Gujarati News

News of Wednesday, 11th March 2020

કોટન કંપનીમાં કામ કરતી મહિલાનું મશીનમાં દુપટ્ટો ફસાતા મોત

બગોદરા રાયકા ગામ નજીકની ઘટના મહિલાને, પતિ અપંગ અને ચાર સંતાનો

વઢવાણ,તા.૧૧ : બાવળા-બગોદરા તાલુકામાં અનેક ખાનગી કંપનીઓ આવેલ છે જેમાં અનેક પુરૂષો સહિત મહિલા કામદારો નોકરી કરી પરિવારનું ગુજરાન ચલાવે છે ત્યારે બગોદરા પાસે આવેલ રોયકા ગામ પાસે આવેલ શ્યામ કોટન કંપનીમાં અંદાજે ૪૦ જેટલાં કામદારો કામ કરે છે. બગોદરાના વણકરવાસ વિસ્તારમાં પરિવાર સાથે રહેતી મહિલા કોકીલાબેન જેઠાભાઈ અલગોતર છેલ્લા ઘણા વર્ષોથી આ કંપનીમાં નોકરી કરે છે રાબેતા મુજબ સવારના સમયે મશીન પર કામ કરી રહ્યાં હતાં તે દરમ્યાન અચાનક તેમનો દુપટ્ટો મશીનમાં આવી જતાં દુપટ્ટાની સાથે સાથે શરીર અને માથાનો ભાગ પણ આવી જતાં કરૂણ મોત નીપજયું હતું. જયારે આ અંગેની જાણ થતાં બગોદરા પોલીસ કાફલો ઘટના સ્થળે આવી પહોંચ્યો હતો અને લાશનો કબ્જો લઈ પીએમ અર્થે મોકલવાની તજવીજ હાથધરી હતી.

 લોકોમાં થતી ચર્ચા મુજબ આ કંપનીમાં મશીન પર સાડી પહેરીને કામ કરવાની મનાઈ છે છતાં આ મહિલાને કોના દ્વારા મશીન પર કામ સોંપવામાં આવ્યું હતું ?તેમજ મશીન પર કામ કરતી વખતે કંપની દ્વારા સેફટી આપી કેમ કામ કરાવવામાં આવતું નથી ? જેવા અનેક સવાલો પણ ઉભા થયાં છે જયારે ચર્ચા મુજબ આ સીસીટીવી કેમેરા પણ ન હોવાનું બહાર આવ્યું છે. બેદરકારીના કારણે મહિલા કામદારનું મોત નીપજયું હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો જયારે મહિલાને ચાર સંતાનો તેમજ પતિ અપંગ હોય તેના મોતથી પરિવાર પર આભ ફાટી પડયું હતું.

(11:54 am IST)