Gujarati News

Gujarati News

News of Wednesday, 11th March 2020

લોધીકાના પાળમાં રાજુ આદીવાસીની ધારિયુ ઝીંકી હત્યા

હત્યાનો ભોગ બનનાર રાજુનો ભાઇ સંજય આરોપી શૈતાન સીંગાડની બહેનને ભગાડી જતા મનદુઃખ હતુઃ સમાધાનના ૩.૭૦ લાખ પૈકી ૨ લાખ શૈતાનને આપી દીધા હતા : બાકીની રકમની ઉઘરાણી હત્યા પાછળ કારણભુતઃ લોધીકા પોલીસે શૈતાન સીંગાડ, પપ્પુ અજનાર અને મયલો અજનારની ધરપકડ કરી

રાજકોટ તા. ૧૧: લોધિકાના પાળ ગામ પાસે આદિવાસી યુવતીને આદીવાસી યુવાન ભગાડી જતા તેના મનદુઃખમાં સમાધાન પૈસાની ઉઘરાણી બાબતે આદીવાસી યુવાનના ભાઇને યુવતીના ભાઇ સહિત ત્રણ શખ્સોએ માથાના ભાગે ધારીયુ ઝીંકી  હત્યા  કર્યાની  ફરિયાદ નોંધાતા લોધીકા પોલીસે ત્રણ શખ્સોની ધરપકડ કરી છે.

મળતી વિગત મુજબ મધ્યપ્રદેશના અલીરાજપૂરનો વતની હાલ લોધિકાના  પાળ ગામની  સીમમાં નાનજીભાઇ પોલની વાડીએ રહેતા અને મજુરી કામ કરતા સંજય વેસ્તાભાઇ ગણાવા (ઉ.વ. ૨૨) એ લોધીકા પોલીસ મથકમાં નોંધાવેલી ફરીયાદમાં પાળ ગામની સીમમાં રહેતા  શૈતાન ખુમાનભાઇ શીંગાળ પપ્પુ ભીમાભાઇ તથા મયલો  પપ્પુભાઇ નામ આપ્યા છે. સંજયે ફરીયાદમાં જણાવ્યુ હતુ કે પોતે પાળ ગામની અને નાનાભાઇ  સાથે  પાળ ગામની સીમમાં નાનજીભાઇ પટેલની  વાડીમાં રહી પોતાની જમીન વાવવાનુ કામ કરે છે. પોતે ચાર ભાઇ અને ત્રણ બહેનો છીએ. જેમાં ચારભાઇમાં રાજુભાઇ મોટો હતો. ગઇકાલે સાંજે પોતે  મજુરી કામેથી રાજુભાઇ  મજુરીએ ગયા ન હોઇ  ,  રાજુભાઇ વાડીએ હાજર હતા અને  ત્યારે પત્ની ધુંદા તથા ભાભી દલાબેન બંન્ને જમવાનુ બનાવતા હતા. અને પોતે પરિવાર સાથે બેઠો હતો. તે દરમ્યાન રાજુભાઇ કુદરતી હાજતે જવા નીકળ્યા  થોડે દુર જતા જ તેણે  બુમ પાડેલ જેથી પોતે તથા ભાભી દલાબેન અને પત્ની ધુંદા તથા નાનોભાઇ અકુ તમામ તે તરફ દોડી  ગયા હતા.  તો પોતાના ભાઇ રાજુભાઇને શૈતાન જે શૈતાનની બહેનની પોતે ભગાડીને લઇ આવેલ હોઇ અને તેનુ અમોએ સમાધાન  કરેલ હોય, સમાધાનમાં પોતાને  આ શૈતાનને રૂ. ૩.૭૦ લાખ આપવાના હતા જેમાંથી પોતે રૂ. ૨ લાખ તેને આપી દીધા હતા. અને  બાકીના રૂપિયા આપવાના બાકી હોઇ અને તે રૂપિયા આવે તે અખાત્રીજના આપવાના તેવુ નક્કી થયેલ હોઇ તેમ છતા શૈતાન અવાર નવાર રૂપિયાની ઉઘરાણી કરવા આવતો હોઇ પરંતુ પોતાને રૂપિયાની સગવડ કરવાની  બાકી હતા. પોતાના મોટાભાઇ રાજુભાઇ કુદરતી હાજતે  જવા માટે નીકળ્યા ત્યારે છગનભાઇની વાડી પાસે રસ્તા ઉપર પહોંચતા પોતાના ભાઇ રાજેશભાઇ બુમો પાડતા પોતે ત્યાં દોડી ગયા હતા. ત્યાં જોતા શૈતાને રાજુભાઇના માથાના ભાગે ધારીયુ મારી દીધું હતું અને શૈતાના સાળા પપ્પુ ભીખા પાસે પણ ધારીયુ અને તેના દિકરા મયલા પાસે પાઇપ હતો. આ ત્રણેય રાજુભાઇને માર મારતા હોઇ જેથી પોતે દોડીને ત્યાં જતા તેને જોઇ ત્રણેય ભાગી ગયા હતા અને રાજુભાઇ ત્યાં રસ્તા ઉપર લોહીલુહાણ હાલતમાંૅ ઢળી પડતા પોતે તાકીદે પોતાના ભાઇ વિક્રમને ફોન કરી બોલાવ્યો હતો. બાદ પોલીસને જાણ કરતા લોધીકા પોલીસે સ્થળ પર પહોંચી ગઇ હતી અને રાજુભાઇને સારવાર મળે તે પહેલા જ તેનું મૃત્યુ નિપજયું હતું. બાદ પોલીસે સંજય વેરતાભાઇ ગણાવાની ફરીયાદ પરથી શૈતાન સીગાડ સહીત ત્રણ સામે ૩૦ર, ૩ર૩, ૧૧૪ ની કલમ હેઠળ ગુનો દાખલ કરી પીએસઆઇ વી.બી.બરબસીયા સહીતના સ્ટાફે આરોપી શૈતાન ખુમાન સીંગાડ (ઉ.વ.૩ર) (રહે. પાળ ગામની સીમ મુળ સગોડ જોલીયા ફળીયુ જીલ્લો જાંબવા, મધ્યપ્રદેશ) તેનો સાળો પપ્પુ ભીખાભાઇ અજનાર (ઉ.વ.પ૦) તેનો પુત્ર મયલો પપ્પુ અજનાર (ઉ.વ.ર૧) (રહે. બંને પાળ ગામે સીમમાં છગનભાઇ પટેલની વાડીમાં મુળ સનોેડ જોતીયા ફળીયુ, જી. જાંબવા મધ્યપ્રદેશ)ની ધરપકડ કરી હતી.

(11:02 am IST)