Gujarati News

Gujarati News

News of Monday, 11th March 2019

ભાનુશાળી કેસ : છબીલના પુત્ર સિદ્ધાર્થની ધરપકડ થઇ

સિદ્ધાર્થ પટેલને ત્રણ દિવસના રિમાન્ડ પર : તપાસ અધિકારીઓએ બંધબારણે છબીલ પટેલના પુત્રની કલાકો સુધી પૂછપરછ કરી : રિમાન્ડમાં ખુલાસાઓ થશે

અમદાવાદ,તા. ૧૧ : ભાજપના નેતા જયંતિ ભાનુશાળીની હત્યાના આરોપી છબીલ પટેલનો દીકરો સિધ્ધાર્થ પટેલ ગઇકાલે તપાસનીશ એજન્શી સ્પેશ્યલ ઇન્વેસ્ટીગેશન ટીમ(એસઆઈટી) સમક્ષ હાજર થયા બદા અને સીટના અધિકારીઓ દ્વારા છબીલ પટેલના પુત્ર સિધ્ધાર્થની બંધબારણે કલાકો સુધી ઝીણવટભરી પુછપરછ કરાયા બાદ તેની વિધિવત્ ધરપકડ કરવામાં આવી હતી. સીટ દ્વારા આરોપી છબીલ પટેલના પુત્ર સિધ્ધાર્થ પટેલને ભચાઉ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. જેની સુનાવણીના અંતે કોર્ટે આરોપી સિદ્ધાર્થ પટેલને ત્રણ દિવસના પોલીસ રિમાન્ડ પર સોંપવાનો હુકમ કર્યો હતો. હવે છબીલના પુત્ર સિધ્ધાર્થ પટેલના રિમાન્ડ દરમ્યાન સીટ દ્વારા થનારી પૂછપરછમાં મહત્વના અને ચોંકાવનારા ખુલાસા સામે આવે તેવી શકયતા છે. ગુજરાતભરમાં ભારે ચકચાર જગાવનાર જયંતિ ભાનુશાળી હત્યા કેસમાં  ગઇકાલે સીટના અધિકારીઓ દ્વારા નાસતા ફરતા આરોપી છબીલ પટેલના પુત્ર સિધ્ધાર્થ પટેલની પૂછપરછ કરી હતી અને બાદમાં તેની વિરૂધ્ધ નક્કર તથ્ય જણાંતાં તેની ધરપકડ કરાઇ હતી. બાદમાં સીટ દ્વારા આજે આરોપી સિધ્ધાર્થ પટેલને ભચાઉ કોર્ટમાં રજૂ કરી તેના દસ દિવસના રિમાન્ડની માંગણી કરવામાં આવી હતી. જો કે, કોર્ટે આરોપી સિધ્ધાર્થ પટેલના ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા. ઉલ્લેખનીય છે કે, ચકચારભર્યા એવા આ કેસમાં અત્યારસુધીમાં આરોપી રાહુલ પટેલ, નીતિન પટેલ, શશીકાંત કાંબલે, અશરફ અનવર શેખ અને વિશાલ કાંબલેની ધરપકડ થઈ ચૂકી છે. જે પૈકીના વિશાલ કાંબલેના રિમાન્ડ પૂરા થતાં તેને પુનાની યરવડા જેલ મોકલી દેવાયો હતો. ઉલ્લેખનીય છે, જયંતિ ભાનુશાળી હત્યા કેસમાં છબીલ પટેલ નાસતા ફરે છે અને તે વિદેશમાં હોવાની પુષ્ટિ થઇ ચૂકી છે. અગાઉ છબીલ પટેલે ગત તા.૧૧ ફેબ્રુઆરીએ એક ઓડિયો વાઈરલ કર્યો હતો અને જણાવ્યું હતું કે, હાલ હું બિઝનેસ માટે વિદેશ આવેલો છું. કામ માટે અવાર નવાર વિદેશ જવાનું થાય છે. વિદેશ આવ્યા બાદ મને જાણ થઈ કે મારી સામે પોલીસ ફરિયાદ થઈ છે તો હું મીટિંગો પતાવી તાત્કાલિક ભારત આવીને પોલીસ સ્ટેશને હાજર થઈશ. હું સાવ નિર્દોષ છું અને કોઈ કાવતરાનો ભોગ બની રહ્યો છું એવું મને લાગે છે. મને ગુજરાતની પોલીસ પર પુરો ભરોસો છે. છેલ્લી મીટિંગ પુરી કરીને મારા આવવાની તારીખ પણ પહેલેથી જ આપીશ. મારા કામ પુરા થવાની તૈયારીમાં છે. જો કે, છબીલ પટેલના આ વીડિયો વાયરલ થયા બાદ ભાનુશાળીના પરિવારજનોએ આ છબીલ પટેલનો એક સ્ટંટ માત્ર હોવાનો અને સમગ્ર કાવતરું તેના ઇશારે પાર પડાયુ હોવાનો અને તે જ મુખ્ય સૂત્રધાર આરોપી હોવાનો ગંભીર આરોપ ફરી એકવાર લગાવ્યો હતો. બીજીબાજુ, સીટે હવે છબીલના પુત્રને સંકજામાં લઇ તેના સુધી પહોંચવા માટેનો ગાળિયો મજબૂબત બનાવ્યો છે.

 

 

(8:19 pm IST)