Gujarati News

Gujarati News

News of Monday, 11th March 2019

કચ્છ ડબલ મર્ડર કેસ- પરિણીત પુરુષને પ્રેમ કરતી સગીર બહેન અને તેના પ્રેમીને ભાઈ તેમજ મંગેતરે છરી વડે રહેંસી નાખ્યા'તા

વરાડીયા ડબલ મર્ડર કેસમાં ચાર આરોપીઓની ધરપકડ, ૧૭ વર્ષની સગીરા અને ૩૫ વર્ષીય પરિણીત પ્રેમીના પ્રેમ સબંધનો લોહિયાળ અંત

ભુજ, તા.૧૧: કચ્છના અબડાસા તાલુકાના કોઠારા પાસે આવેલા વરાડીયા ગામ માં બનેલ ડબલ મર્ડરના ગુનાનો ભેદ પોલીસે ઉકેલી લીધો છે. ગત ૩ જી માર્ચે વરાડીયા ગામે અવાવરું વાડીની એક ઓરડીમાં થી ૧૭ વર્ષીય સગીરા રૂકસાના ઇબ્રાહિમ મંધરા અને ૩૫ વર્ષીય ઇશાક મામદ મંધરાની લોહીલુહાણ હાલતમાં હત્યા કરાયેલી લાશ મળી આવી હતી.

ગળું અને પેટમાં છરી વડે નિર્મમ ઘા કરીને હત્યા કરાઈ હોવાના પુરાવાઓ સાથે પોલીસે આ હત્યા કેસની કડીઓ કોલ ડિટેઇલ્સ સાથે મેળવવાની શરૂઆત કરીને ચાર જ દિવસમાં બેવડી હત્યા કરનાર ચાર યુવાન આરોપીઓને ઝડપી લીધા હતા. પોલીસે મૃતક સગીરા રૂકસાના જે તેની ફોઈ સારુબેન હસણ મંધરા સાથે રહેતી હતી તે ફોઈ સારુંબેનના પુત્ર અને તેણીના ભાઈ સુલેમાન હસણ મંધરા (ઉ.૨૮)ની ધરપકડ કરીને તેની સાથે આ હત્યા કરનાર મૃતક રૂકસાનાના મંગેતર સલીમ મુસા મેમણ (ઉ.૨૨) અને લતીફશા ઉર્ફે અધાયો કાસમશા પીરઝાદા (ઉ.૩૨), સલીમ ઉંમર મંધરા (ઉ.૧૯)ની છરી વડે કરપીણ ધ કરીને બન્નેની હત્યા નિપજાવવાના આરોપસર ધરપકડ કરી છે.

૧૭ વર્ષની રૂકસાના અને ૩૫ વર્ષના પરિણીત ઇશાક વચ્ચે ત્રણ વર્ષ થી પ્રેમ સબંધ હતો. જેની સામે તેના ભાઈ સુલેમાન દ્વારા વારંવાર સમજાવવા છતાં કોઈ પરિણામ આવ્યું નહોતું. એટલે, સુલેમાન અને તેના મિત્રોએ બંને પ્રેમીઓ જયાં મળતા હતા તે વાડીમાં હત્યાનું કાવતરું ઘડીને પહેલા ત્યાં આવેલી રૂકસાનાને ગળા ઉપર છરી વડે ઘા મારી તેની હત્યા કરી બાદમાં ત્યાં આવેલા ઇશાકના પેટના ભાગે છરીના ઘા મારી તેની હત્યા કરી આરોપીઓ નાસી છૂટ્યા હતા. હત્યા દરમ્યાન સુલેમાને પોતે ભુજ ગયો હોવાની વાત જણાવી હતી. પણ, મોબાઈલ ફોનની ડિટેઇલ્સ માં બધી જ પોલ ખુલ્લી ગઈ અને અંતે પોલીસની પૂછપરછમાં ડબલ મર્ડર કરનારા ચારેય આરોપીઓના નામ ખુલી ગયા હતા. પશ્યિમ કચ્છ એલસીબી સાથે કોઠારા પોલીસની ટીમે આ કેસનો ભેદ ઉકેલ્યો હતો.(૨૨.૭)

(11:54 am IST)