Gujarati News

Gujarati News

News of Monday, 11th March 2019

વાંકાનેર પાસે જાલી ગામના યુવાન પર હીચકારો હુમલો કરનાર નવઘણ કોળીના રીમાન્ડ મંગાયા

વાંકાનેર, તા. ૧૧ :. વાંકાનેર પાસે જાલી ગામના યુવાન પર હીચકારો હુમલો કરનાર કોળી શખ્સને હથીયાર સાથે વાંકાનેર પોલીસે ઝડપી લીધા બાદ તેને રીમાન્ડ પર લેવા તજવીજ હાથ ધરી છે.

પ્રાપ્ત વિગતો મુજબ જેતપરડામાં રહેતા રવજી રણજીત સીતાપરાના ભાઈના લગ્ન પ્રસંગે મહેમાન તરીકે ગયેલા નવઘણ કોળીએ ચીકાર દારૂ ઢીંચી જાલી ગામના બાબુ કરશન માલકીયા (ઉ.વ.૩૬)ને પેડુના ભાગે છરીનો ઝીંકી દીધો હતો અને આ ઝપાઝપીમાં નવઘણની પિસ્તોલ પડી ગઈ હતી. આ હથીયાર રવજીએ પોલીસમાં જમા કરાવતા નવઘણ સામે હથીયારધારા હેઠળનો ગુન્હો દાખલ કરાયો હતો.

દરમિયાન થાનગઢના મોરથરા ગામનો વતની નવઘણ કોળી થાનગઢમાં હોવાની બાતમી મળતા વાંકાનેર પી.આઈ. એમ.વી. ઝાલા તથા પીએસઆઈ આર.પી. જાડેજાની ટીમે છાપો મારીને ઝડપી લીધો હતો. તેમજ હુમલા વખતે સામેલ અન્ય ત્રણ શખ્સો કોણ હતા ? અને હથીયાર કોની પાસેથી લીધું ? તે મુદ્દે તપાસ કરવા પકડાયેલ નવઘણને આજે રીમાન્ડ અર્થે કોર્ટમાં રજુ કરાશે.

પકડાયેલ નવઘણ સામે છેલ્લા ૪ વર્ષમાં ૮ ગંભીર ગુન્હાઓ નોંધાયા હોવાનું પોલીસ જણાવ્યુ હતું.(૨-૭)

(11:49 am IST)