Gujarati News

Gujarati News

News of Monday, 11th March 2019

નૈતિકતા સાથે નિર્ભય મતદાન કરવા જામનગર જિલ્લા કલેકટરનો અનુરોધ

આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિતે મતદાન જાગૃતિ અભિયાન સંપન્ન

જામનગર તા.૧૧ : આજના યુગમાં મહિલાઓ નારીમાંથી નારાયણી બની રહી છે. આપણે આપણી દિકરીને તુલસીનો કયારો ગણી, ભણાવી ગણાવી આગળ વધારવી જોઇએ ત્યારે આજે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણીના ભાગરૂપે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ સહમતદાન જાગૃતિ અભિયાન કાર્યક્રમ જિલ્લા ચુંટણી અધિકારી અને કલેકટરશ્રી રવિશંકરના અધ્યક્ષસ્થાને યોજાયો હતો.

આ પ્રસંગે જિલ્લા ચુંટણી અધિકારી અને કલેકટરશ્રી રવિશંકરે જણાવ્યુ હતુ કે લોકશાહીમાં શાસન નકકી કરવાનુ કામ મતદારોનું હોય છે અને મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરીને યોગ્ય શાસક નકકી કરે છે કોઇપણ જાતના પ્રલોભનોથી પર રહી નૈતિકતાના મુલ્ય સાથે નિર્ણય મતદાન કરવા અનુરોધ કર્યો હતો. મહિલાઓને પોતાના મંતવ્ય થકી મતદાન કરી શાસક નકકી  કરવામાં પુરેપુરી સહયોગ આપવા ભાર મૂકયો હતો તેમજ ભારતીય લોકશાહીની ચુંટણી પ્રક્રિયા  વિશે જીણવટ ભરી માહિતી આપી હતી.

વધુમાં જણાવ્યુ હતુ કે, મહિલાઓ જાગૃત થઇ આડોશ પાડોશના મતદારોને મતદાન કરવા પ્રેરીત કરે તો જ ઉંચુ મતદાન શકય બનશે. આ તકે સ્વીપ દ્વારા મતદાન જાગૃતિ અર્થે સહિ ઝુંબેશ અને લોકશાહી તેમજ ચુંટણીલક્ષી પ્રશ્નોતરીનું પણ આયોજન કરવામાં આવેલ હતુ જેમાં વિજેતાઓને ભેટ આપી બિરદાવ્યા હતા અને તમામ ઉપસ્થિત લોકોને મતદાન કરવા તેમજ મતદાન માટે લોકોને જાગૃત કરવા પ્રતિજ્ઞા લેવડાવી હતી.

આ પ્રસંગે પ્રોબેશનરી કલેકટર મનીષ ગુરવાણી, નાયબ જિલ્લા ચુંટણી અધિકારી મીતાબેન જોશી, નાયબ જિલ્લા વિકાસ અધિકારી મકવાણા અને કર્મચારીગણ તેમજ મોટી સંખ્યામાં જૂદી જૂદી કોલેજના વિદ્યાર્થીનીઓ ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવેલ હતો.(૪૫.૪)

 

(11:46 am IST)