Gujarati News

Gujarati News

News of Thursday, 11th February 2021

કુખ્યાત દાઉદ મહમદે જમીન પચાવી દુકાનો બનાવી દીધી

મોરબીમાં લેન્ડ ગ્રેબીગ હેઠળનો પ્રથમ ગુનો નોંધાયો : નવા કાયદા હેઠળ પ્રથમ ગુનો નોંધાયો છે ત્યારે ગેરકાયદે દબાણ કરતા માફિયાઓમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે

મોરબી,તા.૧૧ : મોરબીમાં જમીન કબજા અને ગેરકાયદે દબાણોનો રાફડો ફાટી નીકળ્યો છે. જેમાં પહેલા માલિકીની કિંમતી જગ્યા પર દબાણ કરે અને બાદમાં ત્યાંથી ખાલી કરવા તગડા ભાવ વસુલે છે. ત્યારે મોરબીમાં અનેક ગુનાઓમાં સંડોવણી ધરાવતા કુખ્યાત શખ્સ સામે જમીન પચાવી પાડવાનો લેન્ડ ગ્રેબિંગ હેઠળ પ્રથમ ગુનો નોંધાતા ચકચાર મચી જવા પામી છે. જેમાં મોરબીના કાલિકા પ્લોટમાં રહેતા અનેક ગેરકાયદેસર પ્રવૃત્તિઓ અને ગુનાઓમાં સંડોવણી ધરાવતા દાઉદ મહમદ પલેજા ઉર્ફે દાવલા વિરુદ્ધ ગુનો નોંધાયો છે.

પશુપાલન વિભાગની ઘેટા સર્વધન ફાર્મની જમીન પચાવી પાડી દુકાનો બનાવવા મામલે ગુનો નોંધાયો છે. જેમાં મોરબી બી ડીવીઝન પોલીસે ગુજરાત જમીન પચાવી પાડવા પર વટહુકમ ૨૦૨૦ની કલમ-,()(),() મુજબ નોંધી આગળની તપાસ મોરબી બી ડીવીઝન પોલીસે હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે, મોરબીમાં નવા કાયદા હેઠળ પ્રથમ ગુનો નોંધાયો છે ત્યારે ગેરકાયદે દબાણ કરતા માફિયાઓમાં પણ ફફડાટ વ્યાપી જવા પામ્યો છે. લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ કોઇપણ પ્રકારની મિલકત પચાવી પાડનારા સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.

સીએમ રૂપાણીએ અંગે માહિતી આપતા કહ્યુ હતુ કે, કોઇપણ જમીન, મિલકત, ઓફિસ કે દુકાન પચાવી પાડી હોય કે ગેરકાયદેસર ઘુસી કબજે લઇ લીધી હશે તેની સામે કાયદો લાગુ પડશે. કાયદા હેઠળ ન્યાય માટે કલેક્ટરને પુરાવા સાથે અરજી કરવાની રહશે. કાયદા માટે કલેક્ટરની અધ્યક્ષતામાં સાત અધિકારીઓની સમિતિની રચના કરાશે. કમિટી સમક્ષ રજૂ થયેલ તપાસ અહેવાલ પર ર૧ દિવસમાં નિર્ણય કરવાનો રહેશે. જમીન હડપ કરવાના કેસોની ઝડપી સુનાવણી અને ભૂમાફિયાઓને કડક સજા માટે સ્પેશ્યલ કોર્ટની રચનાનો પણ નિર્ણય કરાયો છે.

(7:19 pm IST)