Gujarati News

Gujarati News

News of Thursday, 11th February 2021

હરિયાણાના પૂર્વ ધારાસભ્‍ય સહિતની હત્‍યા કરીને અમરેલી જીલ્લામાં આશ્રમ કરીને રહેનાર સાધુ સાથે કોની સંડોવણી? તપાસનો ધમધમાટ

આશ્રમની મિલ્‍કતો, બેન્‍ક એકાઉન્‍ટો સહિતની બાબતોની એસપી નિર્લિપ્ત રાયની આગેવાનીમાં તપાસ

(અરવિંદ નિર્મળ દ્વારા) અમરેલી તા. ૧૧ :.. હરીયાણા હિસ્‍સારમાં પૂર્વ ધારાસભ્‍ય સહિત આઠને મારી નાખનાર અને રાજુલા પંથકમાં સાધુ બની છૂપાયેલા હત્‍યારા સંજીવના આશ્રમે અમરેલી પોલીસ દ્વારા સર્ચ ઓપરેશન કરવામાં આવ્‍યુ હતું અને તેનુ પગેરૂ પીપાવાવ, નાગેશ્રી, જાફરાબાદ સુધી લંબાતા પોલીસની ટીમો દ્વારા ત્‍યાં પણ તપાસ ચાલુ છે અને સમગ્ર બાબરીયાવાડમાં હાલમાં સતત છતડીયા આશ્રમની ચર્ચા ચાલી રહી છે આ ચર્ચા વચ્‍ચે અમરેલી પોલીસે હરીયાણાની અંબાલા પોલીસ કે જેમની પાસે આ આરોપી સંજીવ ઉર્ફે ઓમઆનંદગીરી છે તેનો સંપર્ક કરી તપાસનો ચક્રો ગતિમાન કરતા આ ઘટનામાં અનેક કડાકા ભડાકા થવાની શકયતા દેખાઇ રહી છે.

જાફરાબાદના બાબરકોટ વિસ્‍તારમાં ખડેશ્વરીબાપુ નામના સંતનો આશ્રમ હતો અને નર્મદા કંપની સામે તે આંદોલન ઉપર બેઠા હતા તેમની જમીન અને આસપાસના ખેડૂતોની જમીનનું પુરૂ વળતર દેવા માટે તેમની લડતને કારણે કંપની મજબુર બની હતી જેના કારણે ખડેશ્વરીબાપુને કરોડોનું વળતર મળ્‍યુ હતું અને તેની લડતને કારણે ખેડૂતોને પણ પુરૂ વળતર મળેલ દરમિયાન ખડેશ્વરીબાપુએ પોતાનો આશ્રમ રાજૂલા છતડીયા ખાતે સ્‍થાપ્‍યો હતો અને બે વર્ષ પહેલા જ તેમનું નિધન થયુ હતું. ખડેશ્વરીબાપુના નિધન બાદ અચાનક ઓમઆનંદગીરી પ્રગટ થયેલ અને પોતે ખડેશ્વરીબાપુના શિષ્‍ય હોવાનું જણાવી આશ્રમના રણીધણી થઇ બેઠેલ આશ્રમની બાકીની વિગતો મેળવી હોંશીયાર એવા આ સાધુના વેશમાં રહેલા સંજીવે બાપુની કરોડોની મિલ્‍કતો માટે તે મિલ્‍કતો જેમની પાસે હતી. તેમનો સંપર્ક કરી અને મિલ્‍કત કોઇ પ્રકારે પરત મેળવી હતી તો એમ પણ ચર્ચાય છે કે, ત્રણ કરોડની મીલ્‍કત તો એક જ વ્‍યકિત પાસે હતી તે વ્‍યકિત પાસેથી આ મીલ્‍કત મેળવી અને તેની ઉપર ઓમ આનંદગીરીએ લોન પણ લીધી હોવાનું મનાઇ છે. આ ઉપરાંત સાધુના સ્‍વાંગમાં રહેલા આ આઠ આઠ હત્‍યાના આરોપી સંજીવે રાજયના ગવર્નરનો કાર્યક્રમ યોજી આસપાસના ગામોના સરપંચોને પણ તેના કાર્યક્રમમાં સંમીલીત કર્યા હતા અને જબરદસ્‍ત પ્રભાવ   ઉભો કર્યો હતો.

 એસ. પી. શ્રી નિર્લિપ્ત રાયએ જણાવ્‍યું હતું કે આશ્રમની મિલ્‍કતો, બેંક એકાઉન્‍ટો, આશ્રમની સાથે નાણાકીય રીતે કોણ કોણ સંકળાયેલા છે તે વિગતો પોલીસ મેળવી રહી છે અને સર્ચ દરમિયાન કેટલાક ડોકયુમેન્‍ટસ પોલીસને મળ્‍યા છે અને પોલીસ હરીયાણા પોલીસની સાથે સંપર્કમાં રહી વધુ કાર્યવાહી કરી રહી છે.

(1:49 pm IST)