Gujarati News

Gujarati News

News of Thursday, 11th February 2021

અમરેલીનાં માંગવાપાળમાં દિપડાનો વાછરડી ઉપર હૂમલોઃ વરૂડીમાં કૂતરા ઉપર મારણનો પ્રયાસ

(અરવિંદ નિર્મળ દ્વારા) અમરેલી તા. ૧૧ :.. છેલ્લા ત્રણ મહિનાથી અમરેલી પંથકમાં ભુલા પડેલા દિપડાને અમરેલી સદી ગયુ હોય તેમ અમરેલીની સીમમાં કયારેક લાઠી રોડ ઉપર, કયારેક ચિતલ રોડ ઉપર તો કયારેક પ્રતાપરા, માંગવાપાળ, વરૂડી વિસ્‍તારમાં દેખાઇ રહયો છે અને અત્‍યાર સુધી માત્ર દેખા દેતા દિપડાએ તેના લખણ પણ ઝળકાવ્‍યા છે બે દિવસથી વરૂડી અને માંગવાપાળ પંથકમાં તે મારણ કરવાના પ્રયાસો કરી રહયો હોવાનું બહાર આવતા લોકોમાં ભયની લાગણી ફરી વળી છે.

અને વનતંત્ર ત્‍યાં દોડી ગયું છ. સોમવારે રાત્રે માંગવાપાળમાં દિપડાએ એક વાછરડીને લોહી લુહાણ કરી હતી જો કે ત્‍યાં કોઇએ દિપડાને જોયો ન હતો પરંતુ તેના પગના નિશાન મળ્‍યા હતા અને ગઇકાલે વરૂડીના સામ કાંઠે આવેલી ભીમજીભાઇ માસ્‍તરની વાડીમાં રાત્રે દોઢ વાગ્‍યે દિપડો ત્રાટકયો હતો અને ત્‍યાં રહેલા જર્મન શેફર્ડ કુતરાનું મારણ કરવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ વાડીમાં જ રહેતા વાડી માલીક જાગી જતા દિપડો નાસી છૂટયો હતો અને ફરી સવારે પાંચ વાગ્‍યે ત્રાટકયો હતો અને ઘાયલ કુતરાને મારવાનો ફરી પ્રયાસ કર્યો હતો જેને સૌએ જોયો હતો દિપડાના આ કારખામાને પગલે અમરેલી પંથકમાં ભયની લાગણી ફરી વળી છે. અને વનતંત્ર પણ ત્‍યાં દોડી ગયુ છે પરંતુ વનતંત્ર ત્રણ મહિનાથી આ દિપડાને પકડી શકતુ નથી.

(1:47 pm IST)