Gujarati News

Gujarati News

News of Thursday, 11th February 2021

બહેનના લગ્ન હોય રૂપિયાની જરૂર પડતા ૨૫ હજારની ચીલઝડપ કરેલ : જૂનાગઢમાં આરોપીએ કબૂલાત કરી

જૂનાગઢ,તા. ૧૧: એમ.જી.રોડ ઉપર ફરિયાદી ધીરુભાઈ મોરારજીભાઈ પીઠવા લુહાર કે જેઓ કપડાની દુકાનમાં પ્રાઇવેટ નોકરી કરતા હોય, આંગડિયા પેઢીમાં રૂ. ૨૫,૦૦૦/- લઈને પાછા આવતા સમયે, જૂની સિવિલ હોસ્‍પિટલ નજીક બે અજાણ્‍યા ઈસમોએ મોટર સાયકલ ઉપર પાછળથી આવી, રૂ. ૨૫,૦૦૦/- ભરેલ થેલી ચિલઝડપ કરી, નાસવા જતા, દેકારો થતા, લોકો ભેગા થતા, આ બાબતની જાણ પેટ્રોલિંગમાં રહેલ એ ડિવિઝન પોલીસ સ્‍ટાફના હે.કો. માલદેભાઈ, અનકભાઈ, સહિતની ટીમને થતા, તાત્‍કાલિક ત્‍યાં પહોંચી, આ બાબતે સતર્કતા દાખવી, એક આરોપી એજાજ ગફારભાઇ ભટ્ટી જાતે પિંજારા રહે. નાથીબુ મસ્‍જિદ પાછળ, સુખનાથ ચોક, જૂનાગઢને પકડી પાડી, ગુન્‍હામાં વાપરેલા મોટર સાયકલ કબજે કરવામાં આવેલ હતું. આ ગુન્‍હામાં સંડોવાયેલ મુખ્‍ય આરોપી હસન ઉર્ફે ઠુઠો બુધાભાઈ ગામેતી રહે. માત્રી રોડ, કુંભારવાડા, જૂનાગઢ રોકડ રકમ રૂ. ૨૫,૦૦૦/- લઈને નાસી ગયેલ હતો.

ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ જૂનાગઢ શહેર બી ડિવિઝન પીઆઈ આર.બી.સોલંકી, ક્રાઇમ બ્રાન્‍ચના પીઆઇ એચ.આઈ.ભાટી, પીએસઆઇ એ.કે.પરમાર, ટેક્‍નિકલ સેલના પીએસઆઇ ડી.એમ.જલુ તથા સ્‍ટાફના પો.કો.સાહિલભાઈ શમાં સહિતના માણસો સહિતની બે ટીમ બનાવી, બાતમી આધારે આરોપી હસન ધરપકડ કરવામાં આવેલ હતી. પકડાયેલ આરોપીના કબજામાંથી રોકડ રકમ રૂ. ૭,૩૦૦/- નવો લીધેલ વિવો કંપનીનો મોબાઈલ રૂ. ૯,૭૦૦/-  સહિતનો આશરે રૂ. ૧૭,૦૦૦/- નો મુદામાલ કબજે કરવામાં આવેલ છે.

બી ડિવિઝન પોલીસ ટીમ દ્વારા આરોપી હસન ગામેતીની પુછપરછ કરવામાં આવતા, તાજેતરમાં પોતાની બહેનના લગ્ન હોઈ, રૂપિયાની જરૂરિયાત પડતા, આંગડિયા પેઢીમાં આવતા લોકોની બે દિવસ રેકી કરી, ફરિયાદી ઉમર લાયક હોઈ, પ્રતિકાર કરવાની શક્‍યતા ઓછી હોઈ, મોકો મળતા, એમ.જી.રોડ ઉપરથી ચીલ ઝડપ કરી, મળેલ રૃપિયામાંથી આરોપી હસન ગામેતીએ આશરે ૧૦,૦૦૦ નો મોબાઈલ તથા આશરે ૨૫૦૦ ના કપડા તથા અન્‍ય રૂપિયા હોટલ તથા ખર્ચ કરી નાખેલાની કબૂલાત કરેલ હતી અને આશરે રૂ ૧૭,૦૦૦/- નો મુદામાલ કબજે કર્યો હતો.

આમ, બી ડિવિઝન વિસ્‍તારમાં થયેલ ચીલઝાડપ ના બનાવમાં જુનાગઢ પોલીસ દ્વારા ગણતરીના કલાકોમાં બીજા આરોપીની ધરપકડ કરી, મુદામાલ કબજે કરવામાં આવેલ છે. પોલીસ દ્વારા પકડી પાડવામાં આવેલ આરોપી હસન ગામેતીની વધુ પૂછપરછ હાથ ધરી, ભૂતકાળમાં કોઈ ગુન્‍હાઓમાં સંડોવાયેલ કે વોન્‍ટેડ છે..? એ બાબતે વધુ તપાસ બી ડિવિઝન પોલીસ સ્‍ટેશનના પીએસઆઇ એ.કે.પરમાર તથા સ્‍ટાફની ટીમ દ્વારા હાથ ધરી છે.

(1:40 pm IST)