Gujarati News

Gujarati News

News of Thursday, 11th February 2021

શનિવારથી પરબધામમાં વિશ્વ શાંતી, કુશળ આરોગ્‍ય -ગુરૂ પ્રસન્‍નતા માટે ત્રિદિવસીય ૫૧ કુંડી મહારૂદ્ર યાગ

મંદિર પરિસરનાં ક્ષીર સાગરમાં ૩ મોટા યજ્ઞકુંડનું નિર્માણ : નીચે જાળ ઉપર યજ્ઞની આહુતિ અપાશે : પૂ. કરશનદાસબાપુની અધ્‍યક્ષતામાં તડામાર તૈયારી : સત દેવીદાસ.. અમર દેવીદાસ ..ના નાદ ગુંજશે

(વિનુ જોષી દ્વારા) જૂનાગઢ,તા. ૧૧: ભેંસાણ નજીક આવેલ સમગ્ર ગુજરાતમાં પ્રસિધ્‍ધ એવા તિર્થક્ષેત્ર પરબધામ ખાતે આગામી તા. ૧૩, ૧૪ અને ૧૫ ના રોજ ૫૧ કુંડી ગુરૂયાગ એવમ્‌ હોમાત્‍મક મહારૂદ્ર યાગ યજ્ઞનું આયોજન કરવામાં આવ્‍યું છે. જેને લઇને તમામ તૈયારીઓ પૂર્ણ થઇ ચૂકી છે.

પરબધામના મહંત પૂજ્‍ય કરશનદાસબાપુના સાનિધ્‍યમાં યોજાનાર આ મહોત્‍સવ માટે ૫૧ યજ્ઞકુંડ તૈયાર કરવામાં આવ્‍યું છે. જેમાં ક્ષિરસાગર (પાણી) ની ઉપર ત્રણ મોટા ૧૮ × ૧૮ ના યજ્ઞકુંડ જ્‍યારે ૧૬ × ૧૬ ના ૪૮ નાના યજ્ઞકુંડ બનાવવામાં આવ્‍યા છે.  જેને લઇને છેલ્લા ૧ માસથી  તૈયારીઓ શરૂ કરવામાં આવી હતી. જે પૂર્ણ થતા હવે આગામી તા. ૧૩ થી ૧૫ સુધી વૈદિક મંત્રોચ્‍ચાર સાથે મુખ્‍ય આચાર્ય પ્રવિણચંદ્ર જોષી તેમજ અન્‍ય બ્રાહ્મણો દ્વારા યજ્ઞ કાર્ય પૂર્ણ કરવામાં આવશે. ભજન, ભોજન અને યજ્ઞના ત્રિવેણી સંગમ આ યજ્ઞોત્‍સવમાં રાજ્‍યભરમાંથી સંત સમુદાય અને ભાવિક ભકતજનો મોટી સંખ્‍યામાં પરબધામ ખાતે આવી પહોંચશે. મહંત શ્રી કરશનદાસબાપુએ જણાવ્‍યું હતુ કે ગુરૂસેવાદાસબાપુના ઋણ મુકતી, ગુરૂજીની પ્રશંતા અને ગુરૂકૃપા પ્રાપ્તી અર્થ ગુરૂ યાગ જ્‍યારે વિશ્વ કલ્‍યાણ, કુશળ જન આરોગ્‍ય અને વિશ્વ શાંતિ અર્થ મહારૂદ્ર યાગ યજ્ઞનું આયોજન કરવામાં આવ્‍યું છે.

પૂ. કરશનદાસબાપુની અધ્‍યક્ષતામાં પરબધામ પરિસરમાં ક્ષીર સાગર આવેલુ છે. તેમાં ત્રણ મોટા યજ્ઞ કુંડ બનાવવામાં આવેલ છે. જે યજ્ઞકુંડમાં યજ્ઞ થશે. આમ, નીચે જળ અને ઉપર વિશિષ્‍ટપૂર્ણ ગુરૂયાગ યજ્ઞ યોજાશે. જેના દર્શન માટે ભાવિકો ઉમટી પડશે.

(1:36 pm IST)