Gujarati News

Gujarati News

News of Thursday, 11th February 2021

યુધ્‍ધ જહાજ ‘વિરાટ'નું કટીંગ કામ ચાલુ હોવાથી મ્‍યુઝીયમમાં ફેરવવું અશકય

જહાજ ખરીદનાર મુકેશ પટેલનું નિવેદન

તસ્‍વીરમાં કટીંગ કામ થઇ રહેલ જહાજ નજરે પડે છે. (તસ્‍વીરઃ મેઘના વિપુલ હિરાણી-ભાવનગર)

(મેઘના વિપુલ હિરાણી દ્વારા) ભાવનગર, તા., ૧૧: ભાવનગરના અલંગ  શીપબ્રેકીંગ યાર્ડમાં અંતીમ સફરે આવી પહોંચેલા આઇએનએસ વિરાટને મ્‍યુઝીયમમાં ફેરવવા વિવિધ સ્‍તરે ઝુંબેશ ચાલી રહી છે ત્‍યારે આજે કોર્ટમાં થયેલ યાચીકાના અનુસંધાને હાલમાં વિરાટની જે સ્‍થિતિ છે તેમ રાખી જહાજનું ભંગાણ અટકાવી દેવાનું જાણવા મળેલ છે.

જો કે વિરાટ શીપના શિપબ્રેકર મુકેશ પટેલે જણાવ્‍યું હતું કે હાલ અમને કોઇ નોટીસ મળી નથી અને જહાજનું ૪૦ ટકા ભંગાણ થઇ ચુકયું છે અને જહાજના તળીયે પણ પથ્‍થરના હિસાબે ડેમેજ થવાની શકયતા છે હાલ પુરતી ખરીદનારને કોઇ પણ નોટીસ મળેલ નથી તેમજ ભંગાણનું કામ શરૂ છે. આઇએનએસ વિરાટ ર૮ મી સપ્‍ટેમ્‍બરે અલંગમાં બીચ થઇ ગયું છે અને સમય જતા તેનું ભંગાણ પણ ચાલુ કરી દેવામાં આવ્‍યું છે.

મુંબઇની એક કંપનીએ વિરાટને મ્‍યુઝીયમમાં તબદીલ કરવા પ્રયત્‍નો કર્યા હતા. હાલ અલંગમાં પ્‍લોટ નં.૯ માં મુકેશ  પટેલના પ્‍લોટમાં બ્રેકીંગ કરવાનું કામ શરૂ છે. હાલમાં કુલ હિસ્‍સાના ૪૦ ટકા હિસ્‍સો અત્‍યાર સુધીમાં કપાઇ ચુકયો છે. કોર્ટમાં થયેલ યાચીકાના આધારે બ્રેકીંગ કરવા સ્‍ટે આપ્‍યા  હોવાનું જાણવા મળેલ છે. જો કે મુકેશ પટેલે જણાવ્‍યું હતું કે અમને અત્‍યાર સુધી કોઇ નોટીસ મળેલ નથી અને હાલ કટીંગ કામ ચાલુ હોય મ્‍યુઝીયમમાં ફેરવી શકાય તેમ નથી.

(12:09 pm IST)