Gujarati News

Gujarati News

News of Thursday, 11th February 2021

જૂનાગઢ શહેર અને પાંચ તાલુકાઓના ૧૦૨૪ પ્રાથમિક શાળાના શિક્ષકોએ કોરોના વેકસીન લીધી

સતત કેમ્‍પોની મુલાકાતો લઇ માર્ગદર્શન આપતા આર.એસ.ઉપાધ્‍યાય

તસ્‍વીરમાં કેમ્‍પોની મુલાકાત લઇ માર્ગદર્શન આપતા શ્રી આર.એસ.ઉપાધ્‍યાય નજરે પડે છે.

(વિનુ જોશી દ્વારા) જૂનાગઢ તા.૧૧ : જૂનાગઢ જિલ્લા શિક્ષણાધિકારી શ્રી આર.એસ.ઉપાધ્‍યાયએ જણાવ્‍યું હતુ કે, જિલ્લાભરમાં પ્રાથમિક શાળાના શિક્ષકોને કોરોનાની રસી આપવાના કેમ્‍પોનું આયોજન કરાયુ છે.

જેમાં ૧૮૭૦માંથી ૧૦૨૪ શિક્ષકો તેમજ ૩૦ જિલ્લા શિક્ષણ સમિતીના સ્‍ટાફે કોરોના વેકસીન લીધી હતી.

શ્રી ઉપાધ્‍યાયે વધુમાં જણાવેલ કે, જિલ્લા વહીવટીતંત્રના માર્ગદર્શન હેઠળ શિક્ષકો માટે કોરોના વેકસીન કેમ્‍પ કરવામાં આવેલ. જેમાં બિલખાકુમાર શાળાના ૩૩ અને કન્‍યાશાળાના ૩૬ બગડુ ૧૭, ખડીયા કન્‍યા શાળા ૨૪, વિજાપુર ૬૩, ગલીયાવાડા ૨૧, ચોકી રપ, મજેવડી ૨૬, માખિયાળા ૨૭ એમ કુલ ૨૭૨ શિક્ષકોને કોરોનાની વેકસીન અપાઇ હતી. ઉપરાંત કેશોદ તાલુકાના ૩૭૮ શિક્ષકોને કોરોનાની વેકસીન અપાઇ હતી અને મેંદરડા તાલુકાના ૨૦૧ શિક્ષકો તેમજ ભેંસાણ તાલુકાના ૧૩૧ શિક્ષકોએ કોરોના રસીકરણ લીધેલ હતી. શ્રી ઉપાધ્‍યાયએ વધુમાં જણાવેલ કે, આજ સવારથી માળીયા હાટીના તાલુકાના પ્રાથમિક શાળાના શિક્ષકો માટે રસીકરણનો કેમ્‍પ ચાલી રહ્યો છે અને અત્‍યાર સુધીના એકપણ કેમ્‍પમાં વેકસીન લીધા બાદ કોઇને પણ આડઅસર થઇ નથી. તો સૌ સારસ્‍વતોએ કોઇપણ પ્રકારના ડર વિના કોરોનાની વેકસીન લેવા જણાવ્‍યું હતુ.

જૂનાગઢ જિલ્લાના દરેક તાલુકાઓમાં યોજાય રહેલ કેમ્‍પની મુલાકાતો લઇ અને માર્ગદર્શન પુરૂ પાડી રહ્યા છે અને સૌ સારસ્‍વતોને આ કોરોનાની રસી મુકાવવા માટે આગ્રહ કરી રહ્યા છે અને પોતે પણ કોરોનાની રસી લઇ કોઇપણ પ્રકારની આડઅસર ન થતી હોવાનુ જણાવી કોઇપણ પ્રકારની અફવાથી દૂર રહી કોરોનાની રસી લઇ સૌને સુરક્ષીત થવા જણાવેલ છે.

(12:09 pm IST)