Gujarati News

Gujarati News

News of Thursday, 11th February 2021

ભાવનગરઃ ચેક પાછો ફરવાના કેસમાં આરોપીને છ માસની સજા ફરમાવતી કોર્ટ

(મેઘના વિપુલ હિરાણી દ્વારા) ભાવનગર તા. ૧૧ :.. આરોપીએ બેંકમાં લખી આપેલો ચેક પરત ફરતા ફરીયાદીએ કોર્ટ કેસ કરેલ જે અદાલતે ગ્રાહ્ય રાખી આરોપીને છ માસની સજા અને રોકડા રૂા. ૧૦ હજારનો દંડ ફટકાર્યો હતો.

આ કામના ફરીયાદી જગદીશભાઇ ધીરજલાલ રાજપૂરા (રહે. જગનાથ- પાર્ક-૧, સુભાષનગર) નાએ આ કામના આરોપી વિજયસિંહ રણજીતસિંહ ગોહીલ (ઉખરલાવાળા, રે. રાધે શ્‍યામ એપાર્ટમેન્‍ટ, પંચવટી ચોક સુભાષનગર) એકબીજાના જાણીતા હોય, એકબીજાના પરિચયમાં હોય, ફરીયાદી જગદીશભાઇએ મિત્રતાના નાતે આરોપી વિજયસિંહ ગોહીલને ગત તા. ર૬-૯-ર૦૧૭ ના રોજ રોકડા રૂા. ૮પ હજાર ઉછીના આપેલા તે માટે આરોપીએ ફરીયાદીને બેંકનો ચેક લખી આપેલો જે તે સમયે સદરહુ ચેક ફરીયાદીએ બેંક ખાતામાં જમા કરવા નાખેલ. આ ચેક ગત તા. ૩-૧૦-ર૦૧૭ ના રોજ વિજયસિંહ ગોહીલના ખાતામાં પુરતા નાણા ભંડોળ ન હોવાથી ઇનસફીશ્‍યન્‍ટ ફંડના શેરા સાથે ગત તા. ૪-૧૦-ર૦૧૭ ના રોજ ચેક પરત ફરેલ. આ અંગે ફરીયાદી જગદીશભાઇ રાજપુરાએ નેગોશીએબલ ઇન્‍સ્‍ટુમેન્‍ટ એકટની કલમ ૧૩૮ ભાવનગરના પાંચમાં એડીશ્‍નલ ચીફ જયુડીશ્‍યલ મેજીસ્‍ટ્રેટ સોનલ કુંવરબા જે ચાવડાની અદાલતમાં કેસ ચાલી જતા અદાલતે ફરીયાદ પક્ષના વકીલ એન. જે. ટીમાણીયાની દલીલો, મૌખિક પુરાવા-ર, દસ્‍તાવેજી પુરાવા -૭ વગેરે ધ્‍યાને લઇ આરોપી વિજયસિંહ ગોહીલને ધ નેગોશીએબલ ઇન્‍સ્‍ટુમેન્‍ટ એકટની કલમ ૧૩૮ મુજબના ગુના સબબ આરોપીને તકસીરવાન ઠરાવી ૬ માસની સાદી કેદની સજા અને રોકડા રૂા. ૧૦ હજારનો દંડ, આરોપી દંડ ન ભરે તો વધુ એક માસની સાદી કેદની સજા અદાલતે ફટકારી હતી.

(12:04 pm IST)