Gujarati News

Gujarati News

News of Thursday, 11th February 2021

સ્‍થાનિક સામ્રાજયની ચુંટણીના કારણે કેશોદ વિસ્‍તારમાં સક્રિય થતી રાજકીય પ્રવૃતિ

(દિનુભાઇ દેવાણી દ્વારા) કેશોદ તા.૧૧ : ગણતરીના દિવસોમાં જ થનારી સ્‍થાનિક ન.પા., તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની ચુંટણીના લીધે આ વિસ્‍તારમાં રાજકીય ગતિવિધી તેજ બની છે. ચુંટણીજંગમાં ઉતરવા અને વિજેતા થવા માટેના ગણિતની ચર્ચાઓ ઠેર ઠેર જોવા મળે છે તો બીજી તરફ જેનો કોઇ ભાવ નહોતુ પુછતુ એવા લોકોના અત્‍યારે ભાવ પુછાવા માંડયા છે.

ન.પા., તા.પં. અને જિ.પં.ની ચુંટણી માટે જાહેરનામુ પ્રસિધ્‍ધ થનાર છે. આ હકીકત સાવ સામાન્‍ય માણસ પણ બહુ સારી રીતે સમજે છે. આ સ્‍થિતિ વચ્‍ચે આ વિસ્‍તારમાં ભાજપ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી તરફથી રાજકીય ગતિવિધી સારા પ્રમાણમાં તેજ કરવામાં આવી છે.

ત્રણે પાર્ટી તરફથી પોતાનો વફાદાર રહે અને સારામાં સારી લીડથી ચુંટાય જાય તેવા ઉમેદવારોની શોધ કરવાની દહેશત અંદરખાને છેલ્લા ઘણા સમયથી શરૂ કરી દેવાઇ છે અને આ માટેના સંભવિત ઉમેદવારો પણ છેલ્લા ઘણા દિવસથી આવી પાર્ટીના સ્‍થાનિક હોદ્દેદારોના સંપર્કમાં રહી પોતાનુ પાકુ કરવાની વેતરણમાં પડેલા દેખાય છે. પોતાને ટીકીટ મળવાની જ છે તેવી આશા સાથે આવા સંભવિત ઉમેદવારો પોતપોતાના વિસ્‍તારમાં વ્‍યકિતગત સંપર્ક એક યા બીજા બહાને કરતા દેખાય રહ્યા છે.

(12:04 pm IST)