Gujarati News

Gujarati News

News of Thursday, 11th February 2021

કચ્‍છના ભૂકંપ બાદ માનસીક અસ્‍થિર બનેલ યુવકને ૯ વર્ષે સાંકળના બંધનમાંથી મુક્‍તી અપાવાય

એક સમયે સચિનસિંહની ગણના ભુજના સારા ક્રિકેટરમાં થતી : બે ભાઇ હોવા છતાં સંભાળી ન શક્‍યા : મજૂરી કરતા ભાઇએ સચિનના તોફાનને લીધે ૯ વર્ષથી ખુલ્લામાં બાંધી રાખેલ

ભુજ,તા. ૧૧: કચ્‍છમાં આવેલા વિનાશક ભૂકંપે અનેક પરિવારોને તબાહ કરી નાખ્‍યા હતા. તો વળી કેટલાક એવા લોકો પણ હતા કે જેઓ પોતાનું સર્વસ્‍વ ગુમાવી ચૂક્‍યા હતા. કેટલાકના માનસિક સંતુલન ખોરવાઇ ગયા હતા. આવો જ એક યુવાન કે જેણે માનસિક સંતુલન ગુમાવી દેતા તેના પરિવારજનોએ તેને સુખપર લઇ જઇને સાંકળથી બાંધી રાખ્‍યો હતો. જેનો નવ વર્ષ બાદ હવે છુટકારો થયો છે. ભૂજના લોકસેવા સાર્વજનિક ટ્રસ્‍ટને જાણ થતાં તેઓએ આ યુવાનના પરિવારજનોની મુલાકાત કરી હતી અને યુવકને સાંકળથી છોડાવ્‍યો હતો.ᅠ

સચિનસિંહ વાઢેર કે જેનો પરિવાર ભૂકંપ પહેલાં ભુજના સોનીવાડ વિસ્‍તારમાં રહેતો હતો. સચિનસિંહ પોતે પણ એક સમયે ભુજનો અવ્‍વલ દરજ્જાનો ક્રિકેટર કહેવાતો હતો. સચિનસિંહ વાઢેરનો એક ભાઇ પોલીસમાં, જયારે બીજો ભાઇ મજૂરી કરીને પેટિયું રળે છે. ભૂકંપ આવ્‍યો તેના દોઢેક વર્ષમાં જ સચિનસિંહની માનસિક સ્‍થિતિ ખરાબ થઇ ગઇ હતી અને તે શહેરમાં રખડીને લોકોના વાહનોને પથ્‍થરો મારતો હતો. તેમજ તેણે અને લોકોને નુકસાન પહોંચાડ્‍યું હતું. મજૂરી કરતા ભાઇએ થોડા વર્ષો સુધી તેની સેવા કરી હતી. પણ આખરે તે પણ આર્થિક રીતે તૂટી જતાં સચિનને લઈને પોતાના ગામ સુખપર ચાલ્‍યા ગયા હતા. માનસિક અસ્‍થિર બનેલા સચિનસિંહને સાંકળ વડે બાંધી નાંખ્‍યો હતો. તેને બે ટાઇમ જમવાનું અને પાણી આપવામાં આવતું હતું. તે સિવાય તેની કોઇ જ દરકાર કરવામાં આવતી નહોતી.

જોકે, ભાઇની પણ આર્થિક પરિસ્‍થિતિ સાવ નબળી હતી તેથી બીજી વ્‍યવસ્‍થા તો શું કરી શકે ? તેમ છતાં પણ તેણે ભાઈ પ્રત્‍યેની જવાબદારી નિભાવી હતી. સચિનસિંહને કપડાં પહેરવાનું તો ભાન હતું જ નહીં તેથી તે નિર્વષા જેવી હાલતમાં ક્‍યારેક સૂનમૂન તો ક્‍યારેક હસતો બેસી રહેતો.ᅠ આ દરમ્‍યાન લોકસેવા સાર્વજનિક ટ્રસ્‍ટના હેમેન્‍દ્ર જણસારીને આ બાબતની જાણ થઈ હતી. તેઓ તાત્‍કાલિક સુખપર દોડી ગયા હતા. તેમણે સચિનસિંહના ભાઈ સાથે મુલાકાત કરી અને માનવ અધિકારના કાયદા વિશેની વિસ્‍તૃત સમજ આપીને સચિનસિંહને સાંકળના બંધનમાંથી મુક્‍ત કરાવ્‍યો હતો.

આસપાસના રહેવાસીઓએ હેમેન્‍દ્ર જણસારીને જણાવ્‍યું કે, સચિનસિંહ બહુ દુઃખી રહેતો હતો. શિયાળાની કડકડતી ઠંડીમાં સામાન્‍ય માણસ ઘરમાં હોવા છતાં પણ થરથરી જતો હોય છે, ત્‍યારે આ માનસિક બીમારને ખુલ્લામાં રખાતાં તે ઠારના કારણે બૂમો પાડતો હતો. પરંતુ તેનું સાંભળવાવાળું કોઇ નહોતું. એક સ્‍થિતિમાં રહીને તેના પગના, સ્‍નાયુઓ પણ જકડાઇ ગયા હતા. હવે તે સુખી થઇ જશે તેવી આશા ગ્રામજનોએ વ્‍યક્‍ત કરી હતી.

(12:01 pm IST)