Gujarati News

Gujarati News

News of Thursday, 11th February 2021

સ્‍થાનિક સ્‍વરાજ ચૂંટણી જંગઃ ફોર્મ ઉપાડ-ભરવાની કવાયત

રાજકોટ, જામનગર, ભાવનગર કોર્પોરેશનની ચૂંટણી પ્રચાર પુરજોશમાં: પાલિકા, જીલ્લા, તાલુકા પંચાયતની ચૂંટણી પ્રક્રિયા વેગવંતી

રાજકોટ તા. ૧૧ :.. સ્‍થાનીક સ્‍વરાજ ચૂંટણી જંગ ધીમે-ધીમે જામતો જાય છે. કોર્પોરેશનની ચૂંટણી પ્રક્રિયા પુર્ણ થતા હવે રાજકોટ, ભાવનગર, જામનગરમાં ઉમેદવારો દ્વારા પ્રચારકાર્ય પૂરજોશમાં ચાલી રહ્યુ છે.

જયારે પાલિકા, જીલ્લા અને તાલુકા પંચાયતની ચૂંટણી પ્રક્રિયા વેગવંતી થઇ છે. અને ફોર્મ ઉપાડ અને ભરવાની કવાયત થઇ રહી છે.

ભાવગનર

(મેઘના વિપુલ હીરાણી દ્વારા) ભાવનગર : ભાવનગર જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત તેમજ નગરપાલીકાની ચૂંટણી માટે ફોર્મના ઉપાડની સાથો સાથ ફોર્મ ભરવાની કવાયત પણ શરૂ થઇ છે. જિલ્લા પંચાયતની ચૂંટણી માટે આજે ૩ ફોર્મ ભરાયા હતાં. જયારે તાલુકા પંચાયતીમાં ૧૬ અને નગરપાલીકામાં ૬ ફોર્મ ભરાયા હતાં.

ભાવનગર જિલ્લા પંચાયતની ચૂંટણી  માટે વધુ ૧૭૪ ફોર્મનો ઉપાડ થયો હતો. આજે દિવસ દરમ્‍યાન જિલ્લા પંચાયતની તળાજા વિધાનસભા મત વિસ્‍તારની બેઠક માટે ૩ ફોર્મ ભરાયા હતાં.

જિલ્લાની દસ તાલુકા પંચાયતની ચૂંટણી માટે ૧૧૦૧ જેટલા ફોર્મનો ઉપાડ થયો છે. દસ પૈકી સાત તાલુકા પંચાયતના મળી આજ સુધીમાં કુલ ૧૬ ફોર્મ ભરાયા છે. જિલ્લાની ભાવનગર તાલુકા પંચાયતમાં ર, ઘોઘામાં ર, સિહોરમાં ૧, ઉમરાળામાં ૩, પાલીતાણામાં ૧, ગારીયાધારમાં ૪ અને તળાજા તાલુકા પંચાયતમાં ૩ ફોર્મ ભરાયા છે. જિલ્લાની મહુવા, પાલીતાણા અને વલ્લભીપુર નગરપાલિકાની ચૂંટણી માટે વધુ ર૧૯ ફોર્મનો ઉપાડ થયો છે. ત્રણ નગરપાલિકા પૈકી વલ્લભીપુર નગરપાલિકામાં ૬ ફોર્મ ભરાયા છે.

ભાજપ, કોંગ્રેસ સહિતના રાજકીય પક્ષોના ઉમેદવારોના નામ જાહેર થયા બાદ ફોર્મ ભરવાના છેલ્લા  દિવસોમાં ઉમેદવારી નોંધાવવા મારે ઘસારો રહેશે.

મોરબી

(પ્રવિણ વ્‍યાસ દ્વારા) મોરબી : સ્‍થાનિક સ્‍વરાજયની ચુંટણી યોજાનાર છે જેમાં જીલ્લા પંચાયત, તાલુકા પંચાયતો અને નગરપાલિકામાં ઉમેદવારી ફોર્મ મેળવવા ઘસારો જોવા મળે છે તો પાલિકા અને તાલુકા પંચાયતમાં ફોર્મ જમા કરાવવાનું પણ શરુ થયું છે.

મોરબી જીલ્લા પંચાયતની ૨૪ બેઠકો પર ૨ ફોર્મ ભર્યા હતા આમ આદમી પાર્ટી દ્વારા બે બેઠક પર ફોર્મ ભર્યા છે તો ૩૬ ફોર્મ ઉપડ્‍યા હતા જયારે મોરબી તાલુકા પંચાયત માટે આજે આપ, કોંગ્રેસ અને અપક્ષ સહીત ૫ ફોર્મ ભરાયા છે તો માળિયા તાલુકા પંચાયતમાં ૧૦ ફોર્મ ઉપડ્‍યા છે જયારે હળવદ તાલુકા પંચાયતમાં ૧૪ ફોર્મ અને ટંકારા તાલુકા પંચાયતમાં ૦૩ ફોર્મ ઉપડ્‍યા છે વાંકાનેર તાલુકા પંચાયતમાં ૧૮ ફોર્મ ઉપડ્‍યા છે તો ત્રણ ફોર્મ ભરાયા છે જેમાં અરણીટીંબા અને કણકોટ બેઠક પરથી ૩ ફોર્મ ભરાયા છે.

જયારે નગરપાલિકાની વાત કરીએ તો મોરબી નગરપાલિકાના વોર્ડ નં ૦૨ માટે આમ આદમી પાર્ટીમાંથી ૧ ફોર્મ ભરાયું છે તો ૩૧ ફોર્મ ઉપડ્‍યા હતા જયાં માળિયા પાલિકામાં ૨૬ ફોર્મ અને વાંકાનેર પાલિકામાં ૩૦ ફોર્મ ઉપડ્‍યા હતા.

(12:00 pm IST)