Gujarati News

Gujarati News

News of Saturday, 11th January 2020

મોરબીનો ઐતિહાસિક ઝુલતો પુલ આખરે નગરજનો માટે બંધ થશે

ઓરેવા ટ્રસ્ટનો કોન્ટ્રાકટ પુર્ણ થયા બાદ તંત્રએ સ્વીકારવાની તૈયારી ન બતાવતા આખરે ૨૫મીથી ઝુલતો પુલ બંધ થવાના આરે...

મોરબી,તા.૧૧: મોરબીની ઓળખ અને એતિહાસિક ધરોહર એવા ઝુલતા પુલને બંધ કરવાની નોબત આવી છે મોરબીના નીમ્ભર તંત્ર અને બેદરકાર અધિકારીઓના પાપે ઝૂલતો પુલ આગામી ૨૬ જાન્યુઆરીથી બંધ થઇ સકે છે.

મોરબીના ઓરેવા ટ્રસ્ટને મોરબીના ઝુલતા પુલની સંપૂર્ણ જવાબદારી સોપવામાં આવી હતી અને વર્ષો સુધી ઓરેવા ટ્રસ્ટે આ જવાબદારી નિભાવી હતી જોકે આ કોન્ટ્રાકટની સમયમર્યાદા પૂર્ણ થઇ હોય અને છેલ્લા એક વર્ષના સમયગાળામાં એક બે નહિ પરંતુ ૨૫ વખત ટ્રસ્ટે પત્રો લખ્યા છે અને જોખમી ઝુલતા પુલની જવાબદારી સાંભળવા તંત્રને જણાવ્યું છે છતાં કોઈ જવાબ આવ્યો નથી ત્યારે ઓરેવા ટ્રસ્ટે વધુ એક વખત કલેકટરને પત્ર લખીને યોગ્ય નિર્ણય કરવા માટે જણાવ્યું છે અને આગામી તા. ૨૬ થી પુલને ઓરેવા ટ્રસ્ટ દ્વારા બંધ કરી દેવામાં આવશે તેમ પણ જણાવ્યું છે.

મોરબીનું ગૌરવ અને એતિહાસિક ધરોહરની તંત્ર દ્વારા દ્યોર ઉપેક્ષા કરવામાં આવી રહી છે ઓરેવા ટ્રસ્ટને સોપવામાં આવ્યા બાદ વર્ષો સુધી ટ્રસ્ટે ઝુલતા પુલની જાળવણી કરી છે અને હવે સમય પૂર્ણ થતા તંત્રને પરત ઝુલતા પુલની જવાબદારી સાંભળી લેવા એક વર્ષથી પત્ર વ્યવહાર કરી રહ્યા છે જોકે તંત્રને ઝુલતા પુલની જવાબદારી સંભાળવી ના હોય તેમ એક વર્ષથી કોઈ નિર્ણય કર્યો નથીઙ્ગ બીજી તરફ મોરબી માટે ગૌરવ એવા ઝુલતા પુલના પાટિયા અનેક સ્થળે ઉખડી ગયા છે અને પુલ જોખમી છે જેથી કોઈ દુર્દ્યટના સર્જાય તેવી ભીતિ સેવાઈ રહી છે અને ઓરેવા ટ્રસ્ટ હવે ઝુલતા પુલની જવાબદારી નહિ સંભાળે તેમજ આગામી ૨૬ તારીખથી બંધ કરી દેશે તેમ પણ જણાવ્યું છે ત્યારે હવે જોવું રહ્યું કે મોરબીને પ્રાથમિક સુવિધા ના આપી શકતું નફફટ તંત્ર હવે એતિહાસિક ધરોહરની જાળવણી માટે જાગશે કે પછી પોતાનું નીમ્ભર વલણ ચાલુ રાખશે.(૨૨.૧૮)

ટ્રસ્ટે જ રીનોવેશન કરાવવાનું રહે છે :પાલિકા પ્રમુખનો પ્રવ્યુતર

મોરબીના ઝુલતા પુલની જવાબદારી અંગે પાલિકા પ્રમુખ કેતનભાઈ વિલપરા જણાવે છે કે ટ્રસ્ટને પુલની જવાબદારી સોપવામાં આવી હતી અને તે એગ્રીમેન્ટમાં તેના રીનોવેશનની જવાબદારી પણ ટ્રસ્ટે જ નિભાવવાની રહે છે તેમજ જે સ્થિતિમાં કબજો સોપ્યો હતો તે જ સ્થિતિમાં કબજો પરત સંભાળવા માટે તંત્ર તૈયાર છે.

(3:55 pm IST)