Gujarati News

Gujarati News

News of Saturday, 11th January 2020

જૂનાગઢમાં ૧૯મીએ ૧.૧૦ લાખ બાળકોને અપાશે પોલીયોની રસી

૭૮૩ પોલીયો બુથ બનશે : ૨૪૭૭ કર્મચારીઓ ફરજ બજાવશે : ભારતમાં પોલીયોનો છેલ્લો કેસ ૨૦૧૧માં પશ્વિમ બંગાળમાં નોંધાયો હતો : ગૂજરાતમાં અમરેલીનાં સાવરકુંડલામાં ૨૦૦૭માં છેલ્લો કેસ નોંધાયો હતો

જૂનાગઢ, તા.૧૧ :  ૪૦ વર્ષથી ઉપરની વયનાં એવા ઘણાં લોકો છે જે ભુતકાળમાં પોલીયોનો ભોગ બન્યા છે. પોલીયોનાં રોગને ખતમ કરવા ભારત સરકારે ડિસેમ્બર ૧૯૯૫થી રસીકરણ મહા અભિયાન શરૂ કર્યુ હતુ. આ અભિયાન બાદ ૨૦૧૪માં ભારત પોલીયો મુકત બન્યુ. તેમ વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનનાં પ્રતિનીધી ડો. વિનયકુમારે જણાવ્યુ હતુ.

વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (ડબલ્યુ.એચ.ઓ) એ ભારતને પોલીયો મુકત જાહેર કર્યા બાદ ભવિશ્યમાં પોલીયોનાં આક્રમણને ખાળવા સઘન પલ્સ પોલીયો રસીકરણ કાર્યક્રમ અમલમાં છે. જૂનાગઢ જિલ્લામાં પોલીયોની નાબુદી માટે આ જિલ્લાનાં ૧૨ લાખથી વધુ લોકો અને ૨.૪૪ લાખ કુટુમ્બોનું મોટુ યોગદાન છે. સોરઠનાં ૨.૪૪ લાખ કુટુંમ્બોએ આરોગ્ય વિભાગનાં અભિયાનને સફળ બનાવવા પોતાનાં ૦ થી ૫ વર્ષનાં બાળકને દર વખતે રસી અપાવી છે. આ ખુબ મોટો લોક સહયોગ છે. જનતા જનાર્દનનાં સહયોગ વગર પોલીયો નાબુદ કરવો અશકય છે.

સઘન પલ્સ પોલીયો રસીકરણ કાર્યક્રમમાં સુચારૂ આયોજન માટે જૂનાગઢ જિલ્લા પંચાયત પ્રમુખશ્રી અને જિલ્લા વિકાસ અધીકારીની ઉપસ્થિતીમાં યોજાયેલ બેઠકમાં મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રીએ જણાવ્યુ હતુ કે, તા. ૧૯ જાન્યુઆરીનાં રોજ સવારે ૮ થી સાંજનાં ૫ કલાક સુધી પોલીયો રસીકરણ કામગીરી થશે. જિલ્લામાં ૭૫૪ બુથ,૨૯ મોબાઇલ બુથ અને ૩૭ ટ્રાન્ઝીટ એમ કુલ ૭૮૩ બુથ દ્વારા ૦ થી ૫ વર્ષની વયનાં ૧,૧૦,૬૮૮ બાળકોને પોલીયોની રસી અપાશે.

ડબલ્યુ.એચ.ઓનાં પ્રતિનીધીએ જણાવ્યુ હતુ કે, ભારતમાં પોલીયોનો છેલ્લો કેસ સને ૨૦૧૧માં પશ્વિમ બંગાળમાં, ગુજરાતમાં અમરેલીનાં સાવરકુંડલામાં સને ૨૦૦૭માં જયારે ૨૦૦૫ માં ગીર સોમનાથ જિલ્લાના મુળ ધ્વારાકામાં પોલીયોનો છેલ્લો કેસ નોંધાયો હતો. સંભવ છે કે, આ એવા કેસ હોય કોઇપણ કારણસર બાળક રસીથી વંચીત રહેવાથી આ બન્યુ હોય. આપણું ફોકસ જિલ્લામાં એકપણ બાળક રસીકરણથી વંચીત ના રહે તે છે.

વિશ્વની ત્રીજા ભાગની વસ્તી ધરાવતા ભારતમાં પોલીયોનો સૈાથી વધુ ખતરો છે તેમ જણાવી ડો. વિનયકુમારે કહ્યુ કે અફઘાનિસ્તાન, નાઈઝીરીયા અને પાકીસ્તાનમાં પોલીયો હજી પણ છે. ચાયના અને મ્યાનમારમાં પણ પોલીયોનાં વાયરસ છે. આ બધા વિસ્તારો આપણી આસપાસ છે ભારતની બોર્ડર પર છે. એટલે આપણે પોલીયોનો ખતરો વધુ છે, ત્યારે આપણે વિશેષ સતર્ક રહેવાનું છે.

જિલ્લા વિકાસ અધિકારીશ્રીએ વાડી વિસ્તાર, બસ સ્ટેશન, રેલ્વે સ્ટેશન, બાંધકામ સાઇટ પર અને ખેતીમાં કાર્યરત શ્રમિકોનાં એકપણ બાળક રસીથી વંચીતનાં રહે તે જોવા જણાવ્યુ હતુ. તેમણે ગ્રામ્ય અને શહેરી વિસ્તારોની બોર્ડર પર પણ રસીકરણ માટે વિશેષ તકેદારી લેવા જણાવ્યુ હતુ. બેઠકમાં અધિક નિવાસી કલેકટરશ્રી, આરોગ્ય વિભાગનાં અધિકારીઓ ઊપસ્થિત રહ્યા હતા.

(1:08 pm IST)