Gujarati News

Gujarati News

News of Friday, 11th January 2019

કેશોદમાં ભ્રષ્ટાચારને બ્રેક લગાવનાર ચિફ ઓફીસરની બદલીનું કાવતરૃઃ કોંગ્રેસ

રોડ-રસ્તાના કામોમાં ભ્રષ્ટાચાર રોકવા ટેન્ડર લંબાવાતા સતાધીશો દ્વારા કાવતરાની ગંધઃ શહેર કોંગ્રેસ પ્રમુખ સમીર પાંચાણીના આક્ષેપોક

કેશોદ, તા., ૧૧: અત્રેના નગર પાલીકાના ચીફ ઓફીસરે રોડ-રસ્તાના કામોમાં ભ્રષ્ટાચારને બ્રેક લગાવતાં તેઓની બદલીનું કાવતરૂ રચવામાં આવી રહયાના આક્ષેપો શહેર કોંગ્રેસ પ્રમુખ સમીર પાંચાણીએ કર્યા છે.

આ અંગે શ્રી પાંચાણીએ એક નિવેદનમાં જણાવ્યું છે કે કેશોદ નગર પાલીકામાં હાલમાં ચીફ ઓફીસર નિષ્ઠાપુર્વક ભ્રષ્ટાચાર મુકત વહીવટ કરી રહયા છે. કેમ કે કેશોદમાં રોડ-રસ્તાના કામો માટે સરકારે આપેલી પાંચ કરોડની ગ્રાન્ટમાંથી જે કામ થવાના હતા તેનો કોન્ટ્રાકટ એજન્સીને જ મળે તે પ્રકારે ટેન્ડરો ખોલવાની તજવીજ થઇ રહી હતી. પરંતુ આ કારસ્તાનની ગંધ કોંગ્રેસને આવી જતા આ ટેન્ડરો નહી ખોલવા ચીફ ઓફીસરને રજુઆત કરાયેલ અને ચીફ ઓફીસરે આ ટેન્ડરો નવેમ્બર મહીનામાં ખોલવાના હતા તે હજુ સુધી નહી ખોલીને જાહેર હીતનું કાર્ય કર્યુ છે. ત્યારે હવે સતાધીશો આ નિષ્ઠાવાન ચીફ ઓફીસરની બદલી કરાવીને પછી ટેન્ડરો ખોલાવીને ભ્રષ્ટાચારનાં કાવતરાને અંજામ આપવાની તજવીજ હાથ ધરી રહયાના આક્ષેપો શ્રી પાંચાણીએ કર્યો છે.

નિવેદનનાં અંતે શ્રી પાંચાણીએ આ કામના કોન્ટ્રાકટ પારદર્શીતા પુર્વક નીચા ભાવ આપનાર એજન્સીને આપવા માંગ ઉઠાવી છે. (૪.૧૩)

(11:58 am IST)