Gujarati News

Gujarati News

News of Thursday, 11th January 2018

ખંભાળીયાના બેરાજામાં કુટુંબી ભાઇઓ વચ્ચે બધડાટીઃ આહિર યુવકની હત્યા

ખેતરના શેઢા પાસે બાવળ કાપવા : બાબતે બોલાચાલીએ ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યુઃ રામભાઇ ચાવડા (ઉ.વ.૩૨)ના મોતથી અરેરાટી

ખંભાળીયા તા.૧૧ : તાલુકાના બેરાજા ગામે ગતરાત્રે આહિર પરિવાર પર તેમના જ કૌટુંબીક સભ્યોએ ધાતક હુમલો કરી એક યુવાનની ધાતકી હત્યા કરી હતી.

આ ચકચારી બનાવની વિગત મુજબ ખંભાળીયા તાલુકાના બેરાજા ગામે રહેતા અને ખેત વ્યવસાય સાથે સંકળાયેલા પીઠાભાઇ ચાવડા નામના આહિર વૃધ્ધ તેમના સૌથી મોટા પુત્ર રામભાઇ (ઉ.વ.૩ર) તથા નારણભાઇ (ઉ.વ.ર૮), કાનાભાઇ તેમજ ધર્મપત્નિ માધીબેન તથા મોટા દિકરાના વહુ અમુબેન સાથે ગત મોડી સાંજે મગફળીનું કામ કરી રહ્યા હતા ત્યારે તેમની બાજુમાં જ વાડી ધરાવતા તેમના કૌટુંબીક સગા હેમાભાઇ ડાડુભાઇ ચાવડા તથા તેમના ત્રણ પુત્રો ખીમા હેભા, આલા હેભા અને રામશી હેભાભાઇ તથા કોલવા ગામના રહેવાસી પીઠાભાઇ દેવશીભાઇ નંદાણીયા અને સોનારડી ગામનો યુવરાજસિંહ જાડેજા નામનો શખ્સ આ સ્થળે ધસી ગયા હતા.

લોખંડના પાઇપ, ધોકા જેવા ધાતક હથિયારો સાથે ધસી આવેલા છ શખ્સો વાડીના મકાનમાં કામ કરતા પીઠાભાઇ ચાવડા તથા પરિવારજનોને બિભત્સ ગાળો કાઢી 'તમોએ રસ્તા ઉપરથી બાવળ કેમ કાપી નાખેલ છે ?' તેમ કહેતા નારણભાઇએ ગાળો બોલવાની ના કહી હતી પરંતુ આરોપીઓએ ઉશ્કેરાઇને પાઇપ, લાકડાના ધોકા વડે ધાતક હુમલો કરતા આ સ્થળે રહેલા રામભાઇ પીઠાભાઇ ચાવડા (ઉ.વ.૩ર)ને ગંભીર ઇજાઓ થતા તેમને ગતરાત્રે જ ખંભાળીયાની એક ખાનગી હોસ્પિટલ બાદ અહીંની સરકારી હોસ્પીટલમાં ખસેડવામાં આવેલ. જયાં ફરજ પરના તબીબોએ રામભાઇને મૃત્યુ પામેલા જાહેર કર્યા હતાં.

આરોપી પીઠાભાઇ નંદાણીયા હેભાભાઇ ડાડુ ચાવડાનો કૌટુંબીક સગો તથા સોનારડીનો યુવરાજસિંહ જાડેજા આરોપીના ભાગીદાર હોવાનું જાણવા મળેલ છે.

મૃતક રામભાઇના મૃતદેહને પેનલ પી. એમ. માટે જામનગરની હોસ્પીટલમાં મોકલવામાં આવ્યો છે. આ બનાવ બનતાં અહીંના ડીવાયએસપી જે. એચ. ઝાલા પણ બેરાજા ગામે દોડી ગયા હતા અને જરૂરી પુછપરછ હાથ ધરી હતી.

આ હત્યાના બનાવ સંદર્ભે અહીંની પોલીસે નારણ પીઠાભાઇ ચાવડાની ફરીયાદ પરથી છ આરોપીઓ સામે આઇ. પી. સી. કલમ ૩૦ર, ૩ર૩, પ૦૪, ૪૪૭, ૩૪, ૧૪૩, ૧૪૭, ૧૪૮, ૧૪૯ તથા જી.પી.એકટ હેઠળ ગુનો નોંધી, ઇન્ચાર્જ પી. આઇ. ડી. બી. ગોહીલે તપાસ હાથમાં લઇને આરોપીઓને ઝડપી લેવા માટેના ચક્રો ગતિમાન કર્યા છે.

બાવળ કાપવા જેવી સામાન્ય બાબત નિર્મમ હત્યાના આ બનાવે નાના એવા બેરાજા ગામમાં ભારે ચકચાર જગાવી છે.

(4:57 pm IST)