Gujarati News

Gujarati News

News of Thursday, 11th January 2018

લીંબડી પોલીસ સ્ટેશનની મુલાકાતે વિદ્યાર્થીઓ

વઢવાણઃ સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ વડા દિપકકુમાર મેઘાણી દ્વારા પોલીસ અને પ્રજા વચ્ચેના સમન્વય સધાય અને પ્રજા પોલીસની નજીક આવે એવા પ્રયત્નોના ભાગરૂપે આજરોજ લીંબડી તાલુકાના અંકેવાળિયા ગામના પ્રાથમિક શાળા ધોરણ ૩ થી ૮ના વિદ્યાર્થીઓએ પોતાના શિક્ષકો સાથે લીંબડી પોલીસ સ્ટેશનની મુલાકાત લીધી હતી. લીંબડી પોલીસ સ્ટેશનના પોલીસ સબ ઈન્સ. પ્રમોદસિંહ જાડેજા, પો.સ.ઈ. જે.ડી. મહિડા તથા સ્ટાફના હે. કો. ઈન્દ્રસિંહ, સુરેશભાઈ, દશરથસિંહ વિગેરે દ્વારા અંકેવાળિયા ગામના પ્રાથમિક શાળાના આશરે ૫૦ થી ૬૦ વિદ્યાર્થીઓને પોલીસ સ્ટેશન ખાતે આવકાર્યા હતા અને સમગ્ર પોલીસ કાર્યવાહીથી અવગત કર્યા હતા. લીંબડી પોલીસ સ્ટેશન ખાતે કરવામાં આવતી કાર્યવાહી જુદા જુદા વિભાગો, બીજા પોલીસ સ્ટેશન, બીજા ખાતાઓ તેમજ કંટ્રોલ રૂમ સાથે સંકલન અંગેની માહિતી આપી, હથિયારો બાબતે જાણકારી આપી તમામ વિદ્યાર્થીઓને માહિતગાર કર્યા હતા. પોલીસ સબ ઈન્સ. પ્રમોદસિંહ જાડેજા દ્વારા વિદ્યાર્થીઓને પોલીસથી ડરવાની જરૂર નહીં હોવાનું અને પોલીસ હંમેશા સામાન્ય માણસની મદદ કરવા માટે છે અને પોલીસ માત્ર કાયદાનો ભંગ કરનાર અને ગુન્હેગારોની દુશ્મન હોવાનું જણાવી તમામ વિદ્યાર્થીઓને પોતાના અભ્યાસમાં ધ્યાન આપવાની પણ સલાહ આપવામાં આવેલ હતી. લીંબડી પોલીસ સ્ટેશનના પો.સ.ઈ. પ્રમોદસિંહ જાડેજાએ અંતમાં તમામ વિદ્યાર્થીઓને ચોકલેટ આપી હતી (તસ્વીર-અહેવાલઃ ફઝલ ચૌહાણ-વઢવાણ)

(11:17 am IST)