Gujarati News

Gujarati News

News of Saturday, 10th November 2018

શેરબજાર ધરાશાયી થતા ભાવનગરના એક વણિકે ૮૦ કરોડમાં ઉઠમણુ કર્યુ ?!

મોટાભાગના વણિક વેપારીએ ફસાયા : બજારમાં શરૂ થયેલી જોરશોરથી ચર્ચા

ભાવનગર :ઓક્ટોબર માસના આરંભથી શેરબજારમાં મોટા કડાકા નોંધાઈ રહ્યાં છે તેના કારણે રોકાણકારોના કરોડો રૂપિયાનું નુકશાન થવા પામ્યું છે. અનેક કેટલીયે પેઢીઓ કાચી પડી રહી છે ત્યારે ભાવનગર શહેરમાં પણ શેરબજાર ધરાશાયી થવાના કારણે એક વણિકે રૂા.૮૦ કરોડનું ઉઠમણું કર્યુ છે. જેમાં અનેક વેપારીઓના લાખો-કરોડો ફસાયા હોવાનું ચર્ચાઈ રહ્યું છે.

શેરબજારમાં ભાવેણાવાસીઓ સૌથી વધુ રોકાણ કરતા હોય છે અને સૌથી વધુ કમાતા તથા ગુમાવતા હોય છે ત્યારે ઓક્ટોબરમાં શેરબજારમાં આવેલા મોટા કડાકાથી ભાવેણાવાસીઓને સૌથી વધુ નુકશાન થવા પામ્યું છે. ઉપરાંત ભાવનગરના એક વણિકે મોટી ખોટ થતા ૮૦ કરોડમાં ઉઠમણુ કર્યુ છે. વ્યક્તિ લગભગ દસેક દિવસથી અંડર ગ્રાઉન્ડ થઈ ગયા હોય ધીમે ધીમે ઉઠમણા થયાની વિગતો બહાર આવી રહી છે.

સુત્રોમાંથી જાણવા મળ્યા મુજબ, કરોડોનું ફુલેકુ ફેરવનાર વ્યક્તિ ભાવનગરમાં બોલ્ટ ચલાવતો હતો અને અનેક વ્યક્તિઓને રોકાણ કરાવેલ અને દિવાળી ઉપર તગડુ વળતર ચુકવવાનો વાયદો કરેલ પરંતુ નવરાત્રિ પૂર્વેથી વણિક ગુમનામ થઈ જતા વેપારીઓમાં ચહલ-પહલ થવા પામી છે. મોટાભાગના નાણા વણિક સમાજના વેપારીઓના હોવાનું જાણવા મળી રહ્યું છે અને દાણાપીઠ તથા શરાફ બજારના વેપારીઓમાં કોના કેટલા ફસાયા સહિતની ચર્ચાઓ ચાલી રહી છે.

જાણવા મળ્યા મુજબ, ઉઠમણું કરનાર વ્યક્તિએ પર્યુષણ તથા સંવત્સરી પર્વમાં આદેશો પણ લીધા હતા અને કરોડો રૂપિયા ધાર્મિક કાર્યો પાછળ વાપર્યા હતા અને પોતાના સમાજનો વિશ્વાસ સંપાદન કર્યો હતો ત્યારે છેલ્લા દસ-બાર દિવસથી ગુમનામ થયેલ વ્યક્તિ સામે હજુ કોઈ ફરિયાદ કરવા આગળ આવ્યું નથી પરંતુ વણિક સમાજમાં ચણભણાટ થઈ રહ્યો છે ત્યારે આગામી દિવસોમાં શું નવા-જુની થાય છે તે જોવું રહ્યું.

(2:46 pm IST)