Gujarati News

Gujarati News

News of Saturday, 10th October 2020

શ્રીમદ્ ભાગવતનું શ્રવણ પરમ શાંતિની પ્રાપ્તિ કરાવે છેઃ પૂજય ભાઈશ્રી

પોરબંદર હરિમંદિરે અધિક-પુરુષોત્તમ માસની શ્રીમદ્ ભાગવત કથા કરી છે

(વિનુ જોષી દ્વારા) જૂનાગઢ, તા.૧૦: શ્રીમદ્ ભાગવતનું પઠન-શ્રવણ પરમ શાંતિની પ્રાપ્તિ કરાવે છે. વેદવ્યાસજીએ અનેક ગ્રંથોની રચના કરી, પરંતુ પરમ શાંતિની પ્રાપ્તિ થઈ નહીં. જેને કારણે તેમણે શ્રીમદ ભાગવતની રચના કર્યા બાદ વેદવ્યાસજીને પરમ શાંતિની પ્રાપ્તિ થઈ હતી. માટે મનુષ્યે ભાગવત બનવું જરૂરી છે. ભાગવત બનવું એટલે ભકત બનવું, એમ કથાકાર, પૂજય ભાઈશ્રી રમેશભાઈ ઓઝાએ શુક્રવારે અધિક-પુરુષોત્તમ માસના ૨૨મા દિવસે શ્રીમદ ભાગવત કથા-જ્ઞાનયજ્ઞનાં પ્રારંભે શ્રીહરિ મંદિર-પોરબંદર ખાતેથી જણાવ્યું હતું.

પૂજય ભાઈશ્રીએ જણાવ્યું કે દુનિયાનાં કેટલાંક ધર્મ ભગવાનનો સ્વીકાર કરે છે અને કેટલાંક નિરીશ્વરવાદી છે. જોકે, પ્રત્યેક મનુષ્ય માટે ધર્મનો સ્વીકાર અનિવાર્ય છે. કેમ કે અન્ય પશુ પક્ષી વગેરે જીવો માટે ધર્મ નથી. તે માત્ર મનુષ્ય એવા બુદ્ઘિમાન પ્રાણી માટે છે. આથી, મનુષ્ય બનવા માટે ધર્મ જરૂરી છે. ધર્મસત્તા, સમાજસત્તા અને રાજયસતા ત્રણેનું પાલન કરવુ જરૂરી છે. તેમણે જણાવ્યું કે માતા પિતા બાળકનું લાલનપાલન વાત્સલ્યભાવથી કરે છે. ભગવાનની વાત્સલ્યભાવે ભકિત કરનારે બે નિયમ પાળવા પડે છે. પ્રથમ બાળક પાસે કોઈ માંગણી કરાય નહીં. બાળકની ઈચ્છા મુજબ તેને ભોગ ધરાવવા પડે છે. બાળક શું આપી શકો? બીજુ છે, બાળક આગળ રુદન કરાય નહીં. આપણી સાંસારીક મુશ્કેલી હોય તે બાબતે બાળક સામે રુદન કરવાથી બાળક મુંઝાઈ જાય છે અને તે પણ રડવા લાગે છે. આથી, બાળક આગળ રોવાય નહીં. વળી, જો શોક આવી જાય તો વ્યકિત અશૌચ બની જાય છે અને અશૌચ અવસ્થામાં હરેભજન થાય નહીં. આથી, મરણ જેવા પ્રસંગે સૂતક પાળવાનું હોય છે.

પૂજય ભાઈશ્રીએ કથા દરમિયાન જણાવ્યું કે જે કાર્ય કરો તે ભગવાનની સ્મૃતિ સાથે કરતા રહો. જેમને ભગવાનને સ્નાન, પ્રક્ષાલન, શણગાર, ભોગ ધરાવતી વખતે સતત પ્રભુના સાંનિધ્યમાં-સેવામાં રહેવાનું હોય છે, તેમણે વિશેષ નિયમોનું પાલન કરવાનું હોય છે. માટે મુખમાંથી કોઈ દુર્ગધ ઠાકોરજીને જાય નહીં અને સતત સુવાસ આવતી રહે તેની કાળજી રાખવાના ભાવપૂર્વક 'પાન'નો ઉપયોગ કરવામાં આવે છે.

(12:44 pm IST)