Gujarati News

Gujarati News

News of Wednesday, 10th October 2018

નખત્રાણા અને ગાંધીધામ તાલુકા પંચાયતની પેટાચૂંટણીમાં કોંગ્રેસનો વિજય

બંને તા.પ.ની એક-એક બેઠકોની પેટા ચૂંટણીમાં જીતવા ભાજપે એડીચોટીનું જોર લગાવ્યું છતાં હાર

ભુજ તા. ૧૦ : ગાંધીધામની અંતરજાળ-૨ બેઠક ની પેટા ચૂંટણી માં ભાજપ ને પરાજય ખમવો પડ્યો છે. આંતરિક જૂથબધી અને ખેંચતાણ વચ્ચે ભાજપના જ દાવેદાર એવા રમેશ મ્યાત્રા એ બળવાખોરી કરીને કોંગ્રેસ વતી ચૂંટણી લડી હતી. ભાજપની પરંપરાગત મનાતી આ બેઠક ઉપર ભાજપના ધનેશ મ્યાત્રા ને માત્ર બે જ મત થી પરાજય ખમવો પડ્યો હતો.

એક તબક્કે રિકાઉન્ટીગ માટે રકઝક થઈ હતી, પછી રિકાઉન્ટીગ થતાં કોંગ્રેસના રમેશ મ્યાત્રા ૬૫૩ મત મેળવી ભાજપના ધનેશ મ્યાત્રા ૬૫૧ મત સામે ૨ મત વધુ મેળવી વિજયી થયા હતા.

આ બેઠક માટે રાજયમંત્રી વાસણ આહીર, ધારાસભ્ય માલતીબેન મહેશ્વરી સને જિલ્લા ભાજપ પ્રમુખ કેશુભાઈ પટેલ સહિત ના આગેવાનોએ એડીચોટીનું જોર લગાવ્યું હતું પણ કોંગ્રેસ વિજયી બની હતી. જિલ્લા કોંગ્રેસ પ્રમુખ યજુવેન્દ્રસિંહ જાડેજા, પ્રદેશ મંત્રી જુમા રાયમા, ગાંધીધામ તાલુકા અને શહેર કોંગ્રેસના આગેવાનો ગની માજોઠી અને સમીપ જોશી સહિત ના આગેવાનોએ કોંગ્રેસના વિજયને વધાવ્યો હતો.

નખત્રાણા માં ભાજપે કોંગ્રેસની પરંપરાગત બેઠક આચકવા પ્રયાસ કર્યો એક અપક્ષ ઉમેદવાર પણ મેદાન માં હતા પણ કોંગ્રેસે બેઠક જાળવી રાખી. કોંગ્રેસના ઉમરાબેન અરજણ મેરિયાએ નખત્રાણા-૩ બેઠક ઉપરથી નાદુરસ્ત તબિયત ના કારણે રાજીનામુ આપ્યું હતું.

એટલે યોજાયેલી આ પેટા ચૂંટણી મા કોંગ્રેસના કોંગ્રેસના દેવીલાબેન ભીમજી વાઘેલાને ૧૩૧૮ મત, ભાજપ ના સવિતાબેન કાનજી બળીયા ને ૧૦૧૫ મત જયારે અપક્ષ ઉમેદવાર સીતાબેન સીજુને ૧૬૮ મત મળ્યા હતા. કોંગ્રેસના દેવીલાબેન વાઘેલા ૩૦૩ મતથી વિજયી થયા હતા.(૨૧.૧૧)

(12:10 pm IST)