Gujarati News

Gujarati News

News of Wednesday, 10th October 2018

રાજકોટમાં વડાપ્રધાનની સભામાં ૭૫ ટકા ખુરશી ખાલી હોવાનો વાસણભાઇ આહિરે દાવો કરી નાંખ્યો

કચ્છની મુલાકાત બાદ વડાપ્રધાનને ફોન કર્યો હોય તેવા એકમાત્ર ધારાસભ્ય પણ ગણાવ્યા

ભુજ તા. ૧૦ : કચ્છના લોકપ્રિય લોકનેતા વાસણભાઇ અવનવા ભાષણોને લઇને ચર્ચામા રહે છે. કચ્છને પાકિસ્તાનમાં સમાવી દેવાની વાત હોય કે પછી જાહેર મંચ પર થી વિરોધીઓને ખુલ્લી ધમકી આપવાની વાત હોય, તેમનો વિડીયો સોશિયલ મીડિયામાં ધુમ મચાવે છે. જો કે આ વખતે તો તેમને હદ જ કરી નાંખી હાલ માં જ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાત સહિત કચ્છની મુલાકાતે પણ આવ્યા હતા, અને મોટી જનમેદની જોઇ વાસણભાઇ પર વારી ગયા હતા.

પરંતુ આ શું? વાસણભાઇ આહિરે અંજાર ખાતે તાલુકા ભાજપની મળેલી કારોબારી બેઠકમાં બેફામ નિવેદનો આપવાનુ ચાલુ કરી નાંખ્યુ. જો કે, ખુદની વાહવાહી તો વાસણભાઇએ કરી જ, પરંતુ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીના ગઢ એવા રાજકોટમાં વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીની સભામાં ૭૫% ખુરશી ખાલી હોવાનો દાવો કરી નાંખ્યો!!

શિસ્ત અને અનુશાસનમા માનતી ભાજપ પાર્ટી ભલે ગમે તેટલા દાવા કરતી હોય. પરંતુ, ભાજપની આંતરીક બેઠકમાં થયેલી ચર્ચા અને તેમા વાસણભાઇ આહિરે કરેલા વિવાદીત નિવેદનનો વિડિયો વાયરલ થઇ ગયો હતો. વાસણભાઇ અંજાર તાલુકાની કારોબારી બેઠકમાં આગામી ચુંટણી સંદર્ભે માર્ગદર્શન સાથે ચુંટણીની રણનીતી અંગે ચર્ચા કરવાના હતા. પરંતુ, સ્પીચની શરૂઆત સાથે તેઓએ પહેલા વડાપ્રધાનની મુલાકાત અંગે વાત શરૂ કરી અને શરૂઆતમાંજ કહ્યુ કે હાલમાંજ વડાપ્રધાન ની ગુજરાત મુલાકાત દરમ્યાન કચ્છની તેમની જાહેરસભામાં ભરચક જનમેદની આવી હતી. જયારે રાજકોટ કે ખુદ ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીનુ ગઢ ગણાય છે.ત્યા ૭૫% ખુરશી ખાલી હતી. તો, વાસણભાઇએ એ પણ ઉલ્લેખ કર્યો હતો કે, કોઇ પણ જીલ્લાની મુલાકાત બાદ વડાપ્રધાને ફોન કર્યો હોય તેવા એકમાત્ર તેઓ ધારાસભ્ય છે. અને અંજારની સભા પુર્ણ કરી દિલ્હી પહોંચ્યા બાદ ખુદ વડાપ્રધાને તેમને ફોન કર્યો હતો જે એક રેકોર્ડ હોવાનો દાવો વાસણભાઇએ કર્યો હતો.

વિડીયોના સંપુર્ણ અંશો જોતા ચોક્કસપણે એવુ માની શકાય કે વાસણભાઇ સભાને સફળ બનાવનાર કાર્યકરોનો ઉત્સાહ વધારતા હતા. પરંતુ તેમા સ્વપ્રશંસાનો ભાવ થોડો વધુ હતો, અને એટલેજ પોતાના વખાણ સાથે મુખ્યમંત્રીના ગઢમા વડાપ્રધાનની સભા નિષ્ફળ ગઇ હોવાનો તેઓએ ઉલ્લેખ કર્યો. ચોક્કસ તે સત્ય હશે. પરંતુ, આ મુદ્દે વાસણભાઇનુ પુછાણા પ્રદેશકક્ષાએથી લેવાય તો નવાઇ નહી.(૨૧.૧૦)

(12:07 pm IST)