Gujarati News

Gujarati News

News of Wednesday, 10th October 2018

વિંછીયાના કોટડાની વાડીના કુવામાંથી અજાણ્યા યુવાનની લાશ મળીઃ હત્યા કે આત્મહત્યા

યુવાનની કમ્મરના ભાગે પથ્થર બાંધેલો જોવા મળતા પોલીસ તપાસનો ધમધમાટ

જસદણ-વિંછીયા તા. ૧૦: વિંછીયાના કોટડા ગામના વાડીના અવાવરૂ કૂવામાંથી અજાણ્યા ૪૦ વર્ષીય યુવકની કોહવાએલી લાશ મળતા ચકચાર મચી જવા પામી છે.

આ અંગે મળતી હકીકત મુજબ વિંછીયા તા.ના કોટડા ગામના ગગજીભાઇ લખમણભાઇ ભાયાણી-પટેલ એ વિંછીયા પો. સ્ટે.માં જાણ કરી કે પોતાની વાડીના અવાવરૂ કુવામાં એક યુવકની લાશ તરી રહી છે જેથી વિંછીયા પોલીસ ઘટના સ્થળે જઇ તપાસ કરતા ૪૦ થી પ૦ ફુટ ઉંડા કુવામાં રહેલી લાશ ને બહાર કાઢવા જસદણ ફાયર બ્રિગેડને બોલાવી લાશ કબ્જે લઇ વિંછીયા સરકારી દવાખાને લાવેલ. આ યુવકની લાશ લાંબા સમયથી કુવામાં પડી હોય અતિ કોહવાઇ અને ફૂલી ગઇ છે. જેને લીધે લાશને એફ.એસ.એલ. પી.એમ. અર્થે રાજકોટ સિવિલમાં ખસેડેલ છે. વધુમાં જાણવા મળ્યા મુજબ મૃતક યુવકે કમર પર કપડાનો પટ્ટો બાંધેલો જોવા મળેલ છે. જેથી અનુમાન છે કે મૃત કે પથ્થર બાંધી કૂવામાં ઝંપલાવ્યું હોઇ શકે. જો કે આ બનાવ આત્મહત્યા કે અન્ય કાંઇ ? તેમજ મૃતક યુવાન કોણ હતો? કયાંનો હતો? તેની પોલીસ તપાસ બાદ જ બહાર આવશે. આ અંગે વિંછીયા પોલીસના મુકેશભાઇ ડાભીએ વધુ તપાસ આદરી છે.  (૭.૪)

(12:00 pm IST)