Gujarati News

Gujarati News

News of Wednesday, 10th October 2018

ગોંડલ નવા કોર્ટ બિલ્ડીંગનું ફર્નિચર વિંછીયા કોર્ટ બિલ્ડીંગ ખાતે મોકલવાની તજવીજ : બાર એસોસિયનમાં રોષ

ફર્નિચર લઇ જવાતું તાકીદે નહીં અટકાવાય તો વકીલો કોર્ટ કાર્યવાહીનો બહિષ્કાર કરશે

ગોંડલ તા. ૧૦ : ગોંડલમાં દોઢ માસ પહેલા જ શરૂ થયેલ નવી કોર્ટ બિલ્ડિંગ નું કેટલું ફર્નિચર વિછીયા કોર્ટે બિલ્ડીંગ ખાતે મોકલવાની તજવીજ તંત્ર દ્વારા હાથ ધરાતા બાર એસોસિએશન દ્વારા તાકીદની મીટિંગ બોલાવી વિરોધ વ્યકત કરવામાં આવ્યો છે અને ફર્નિચરને મોકલ તું અટકાવવા માંગ કરાઈ છે, અન્યથા વકીલો કોર્ટ કાર્યવાહીથી વિમુખ રહેશે તેવી ચીમકી ઉચ્ચારવામાં આવી છે.

પ્રાપ્ત વિગતો મુજબ ગોંડલમાં દોઢ માસ પહેલા જ નવા કોર્ટ બિલ્ડીંગનું લોકાર્પણ થવા પામ્યું હતું અને તેમાં આશરે ૧૫ કોર્ટ માટેનું ફર્નિચર ફાળવવામાં આવેલ છે, જે તેની ગ્રાન્ટ મુજબનું જ હોય, તેમ છતાં પણ કેટલુક ફર્નિચર વિછીયા ખાતે ટ્રાન્સફર કરવામાં આવી રહ્યાની જાણ બાર એસોસિએશન ને થતા તાકીદની મીટીંગ બોલાવવામાં આવી હતી અને તેનો ઉગ્ર વિરોધ કરી ફર્નિચર ટ્રાન્સફર ન કરવા માટે ઠરાવ કરવામાં આવ્યો છે અને તંત્ર દ્વારા જો આવું કરવામાં આવે તો વકીલ કોર્ટ કાર્યવાહીથી રહેશે તેવી ચીમકી ઉચ્ચારી છે.

આ અંગે વકીલોએ જણાવ્યું હતું કે ગોંડલમાં કોર્ટ બિલ્ડીંગ તો બની ગયેલ હતું પરંતુ ફર્નિચર બનવામાં થોડું મોડું થયું હોય લોકાર્પણ પણ મોડું થવા પામ્યું હતું અને હવે વિના કારણે ગોંડલ કોર્ટની ગ્રાન્ટમાંથી બનેલ ફર્નિચર શા માટે વિછીયા ટ્રાન્સફર કરવું જોઈએ તે સમજાતું નથી એ માટે એસોસિએશન દ્વારા ચીફ જસ્ટિસ, ગુજરાત હાઇકોર્ટ, ડિસ્ટ્રિકટ જજ, ડિસ્ટ્રિકટ કોર્ટ વિગેરેને રજૂઆત કરવામાં આવી છે.

(10:42 am IST)