Gujarati News

Gujarati News

News of Saturday, 10th September 2022

રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ હળવદ ખાતે ખેડૂતો સાથે પ્રાકૃતિક કૃષિ પરિસંવાદ યોજ્યો.

રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીના અધ્યક્ષસ્થાને પ્રાકૃતિક કૃષિ પરિસંવાદનું આયોજન હળવદ માર્કેટીંગ યાર્ડ ખાતે કરવામાં આવ્યું હતું.

હળવદ :રાજ્યના ખેડૂતો રાસાયણિક ખેતીને બદલે પ્રાકૃતિક ખેતીને અપનાવે તે માટે કેન્દ્ર સરકાર તથા રાજ્ય સરકાર દ્વારા વિવિધ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. આ પ્રાકૃતિક કૃષિને લોકો સુધી પહોંચાડવા રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી પણ જન અભિયાન ચલાવી રહ્યા છે ત્યારે આજ રોજ હળવદ ખાતે પ્રાકૃતિક ખેતી બાબતે ખેડૂતોને સીધા સંબોધન માટે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીના અધ્યક્ષસ્થાને પ્રાકૃતિક કૃષિ પરિસંવાદનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ પ્રાકૃતિક કૃષિ તરફ ખેડૂતોને વળવા માટે આહવાન કરતા જણાવ્યું હતું કે, મોરબી દયાનંદ સરસ્વતી જેવા ધર્મ તથા સંસ્કૃતિના મહાનાયકની ભૂમિ રહી છે. ત્યારે અહીંના ખેડૂતો પણ પ્રકૃતિના સંવર્ધનમાં પ્રાકૃતિક ખેતીને અપનાવી દરેક ખેડૂત ઉન્નત બને તેવી સરકારની નેમને પણ સાર્થક કરે તે જરૂરી છે.
 તેમણે જણાવ્યું હતું કે, જેમ ગુજરાત સમગ્ર દેશ માટે વિકાસ મોડલ બન્યું છે તેમ હવે ગુજરાત પ્રાકૃતિક ખેતી માટે પણ સમગ્ર દેશ -દુનિયા માટે મોડલ બનશે. પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીએ દેશનો પ્રત્યેક ખેડૂત પ્રાકૃતિક કૃષિ અપનાવતો થાય તે માટે અભિયાનની શરૂઆત કરી છે, જે હેઠળ આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે  પ્રત્યેક પંચાયતમાંથી ૭૫ ખેડૂતોને પ્રાકૃતિક કૃષિ સાથે જોડાવા અનુરોધ કર્યો છે. ત્યારે હવે આગામી વર્ષની ૧૫મી ઓગસ્ટ એવો દિવસ હશે જ્યારે તમામ પંચાયતમાં ૭૫ ખેડૂતો પ્રાકૃતિક ખેતી કરતા હશે.
 જમીનને ઝેરી બનતી અટકાવવા માટે તથા હવેના સમયમાં શ્રેષ્ઠ ઉત્પાદન માટે પ્રાકૃતિક કૃષિને જ એકમાત્ર વિકલ્પ ગણાવતાં રાજ્યપાલએ જણાવ્યું હતું કે, રાસાયણિક ખાતર અને જંતુનાશક દવાઓના બેફામ ઉપયોગથી જમીન દૂષિત તથા બંજર બની ગઈ છે અને પાણીનું સ્તર પણ ખૂબ નીચે જતું રહ્યું છે.
ખાતર અને જંતુનાશક દવાઓની સાથેની મિત્રતા થકી ઓર્ગેનિક કાર્બન, અળસિયા અને મિત્ર જીવોની સંખ્યા તેમજ જમીનની ફળદ્રુપતા સતત ઘટી રહી છે અને ખેડૂતોનું ખર્ચ સતત વધી રહ્યું છે. પ્રાકૃતિક કૃષિથી જળ-જમીન અને પર્યાવરણની રક્ષા થાય છે તથા દેશી ગાયનું જતન- સંવર્ઘન થાય છે. પ્રાકૃતિક કૃષિમાં કૃષિ ખર્ચ નહીવત થાય છે સામે ઉત્પાદન ઘટતું નહીં હોવાથી ખેડૂતોને આર્થિક ફાયદો થાય છે. પ્રાકૃતિક કૃષિની પધ્ધતિ, જીવામૃત, ઘન જીવામૃત વગેરેની ભૂમિકા તથા પ્રાકૃતિક કૃષિના ફાયદા વગેરે અંગે રાજ્યપાલએ ખેડૂતોને વિગતે માહિતગાર કર્યા હતા.
ગાયમાતાના સંવર્ધન માટે તેમણે જણાવ્યું હતું કે, જે ગાય દૂધ આપે છે તે ગાયના ૧ ગ્રામ છાણમાં ૩૦૦ કરોડ કૃષિ મિત્ર જીવાણુઓ જોવા મળે છે જ્યારે જે ગાય દૂધ નથી આપતી તે ગાયના છાણમાં ૫૦૦ કરોડ કૃષિ મિત્ર જીવાણુઓ હોય છે જેથી પ્રાકૃતિક કૃષિ થકી ગાય માતાનું પણ સંવર્ધન થાય છે. વધુમાં જણાવ્યું હતું કે, રત્નગર્ભા ધરતીમાતા ખનીજોથી ભરપૂર છે ત્યારે આ તમામ ખનીજોનો ફાયદો પાકને પ્રાકૃતિક કૃષિ થકી મળે છે. ઉપરાંત રાજ્યપાલએ જણાવ્યું હતું કે, ગુજરાતના ખેડૂતો પ્રાકૃતિક કૃષિ ક્ષેત્રે એટલા સક્ષમ બને કે, દેશના અન્ય રાજ્યના ખેડૂતોને પણ પ્રાકૃતિક કૃષિ માટે તાલીમ આપી તૈયાર કરી શકે.
આ તકે રાજ્યમંત્રી બ્રિજેશભાઈ મેરજાએ જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ખેડૂતોની આવક બમણી કરવા માટે પ્રાકૃતિક કૃષિને હંમેશા પ્રાધાન્ય આપે છે. મોરબી પણ આ ક્ષેત્રે નોંધનીય કામગીરી કરી શકે તે માટે રાજ્યપાલ સતત પ્રેરણા અને માર્ગદર્શન આપતા રહે છે.આ પ્રસંગે રાજ્યપાલ સહિતના મહાનુભાવોનાં વરદહસ્તે પ્રાકૃત્તિક કૃષિ – સાફલ્ય ગાથા પુસ્તકનું વિમોચન પણ  કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમનું સ્વાગત પ્રવચન કલેક્ટર જે.બી પટેલે કર્યું હતું. આભારવિધિ આત્મા – મોરબીના પ્રોજેક્ટ ડાયરેક્ટર એચ.ડી.વાદીએ કરી હતી.આ પ્રસંગે રાજ્યમંત્રી બ્રિજેશભાઇ મેરજા, મોરબી જિલ્લા પંચાયત પ્રમુખ ચંદુભાઈ શિહોરા, હળવદ ધારાસભ્ય પરસોતમભાઈ સાબરીયા, હળવદ નગરપાલિકા પ્રમુખ રમેશભાઈ પારેજીયા, હળવદ માર્કેટીંગ યાર્ડના પ્રમુખ રણછોડભાઈ પટેલ, જિલ્લા વિકાસ અધિકારી પરાગ ભગદેવ,  હળવદ પ્રાંત અધિકારી હર્ષદીપ આચાર્ય, જિલ્લા પુરવઠા અધિકારી દેવાંગ રાઠોડ, સહિત મોટી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા.

(12:58 am IST)