Gujarati News

Gujarati News

News of Tuesday, 10th September 2019

ખંભાળિયા તાલુકામાં વરસાદથી પાકનું ઉજળુ ચિત્ર

પાણીથી ભરપૂર કૂવા તથા બોર

ખંભાળિયા, તા. ૧૦ :. પંથકમાં પહેલા વરસાદે ખેંચાવ્યા પછી પાછળથી ખેડૂતોના પાકને જ્યારે જરૂરત પડી ત્યારે માંગ્યા મેહ જેવી સ્થિતિમાં વરસાદ પડતા સમગ્ર તાલુકામાં ખરીફ પાકનું ખૂબજ ઉજળુ ચિત્ર થયું છે.

મોટાભાગના ખેડૂતોએ ગત વખતે કપાસ વાવેલો પણ આ વખતે મોટાભાગે ખેડૂતોએ મગફળી વાવી છે જેને સમયે સમયે વરસાદ પડતા મગફળીની કતારો સામસામી અડી ગઈ હોય તેવી સ્થિતિ થતા મબલખ પાક થવાની સંભાવના છે.

ખંભાળિયા પંથકમાં આ વર્ષે અત્યાર સુધીમાં ૩૧ ઈંચ જેટલો નોંધપાત્ર વરસાદ નોંધાયો છે આ પૈકી મોટાભાગનો વરસાદ ધીમીધારનો પડતા સ્થિતિએ થઈ છે કે પાણીનું લેવલ ઉંચુ આવતા વરસાદનું પાણી જમીનમાં ઉતરતા તમામ બોર-કૂવા પાણીથી ભરપૂર છે.

દેવભૂમિ જિલ્લામાં ગઈકાલે ભારે મેઘાડંબર અને ગાજવીજના ચમકારા વચ્ચે જિલ્લાના ચારેય તાલુકાઓમાં અડધાથી એક ઈંચ વરસાદ પડયો હતો.

જામનગર રોડ પર આવેલા સિંહણ ડેમમાં ઉપરવાસ વરસાદને કારણે પાણીની આવક થતા ડેમ આજે વહેલી સવારે ઓવરફલો થયો હતો. રાજાશાહીના જૂના જમાનામાં ૨૩ ફૂટ ઉંચા કારીયાવાળો આ ડેમ ઓવરફલો સમયે જોવા જેવો નજારો હોય છે. ગત વર્ષે સમગ્ર જિલ્લામાં આ એક માત્ર ડેમ ઓવરફલો થયો હતો તો આ વર્ષે પણ છલકાયો છે.

દેવભૂમિ જિલ્લામાં આજ સુધી મોસમનો કુલ વરસાદ સૌથી ઓછો દ્વારકાનો છે ૨૦ ઈંચ તે પછી ભાણવડ ૨૭ ઈંચ તે પછી કલ્યાણપુર ૩૦ ઈંચ અને ખંભાળિયા સૌથી વધુ ૩૨ ઈંચ વરસાદ પડયો છે.

(12:58 pm IST)