Gujarati News

Gujarati News

News of Tuesday, 10th September 2019

જાયવાના પાટીયા પાસે 'ગજબના' વ્યકિતત્વનો અડીંગો

આમને શું કહેવું? ઓલીયા, અલગારી, મસ્તાન કે સરફીરા? મહારાષ્ટ્રથી ર૧ વર્ષ પહેલા ચોટીલા આવી ર૦ વર્ષ રહયા બાદ ૧ર મહિનાથી ધ્રોલ ખાતે મુકામ : નથી માયાથી મહોબ્બત કે નથી કોઇ સાથે વાતચીત કરતાઃ સવા લાખ રોકડાને ફગાવ્યાઃ ચરણે ધરેલી સ્વીફટ કાર અને રિક્ષાનો ઉપયોગ કરતા નથી કે કોઇને અડવા દેતા નથી : કોઇએ કયારેય સ્નાન કે કુદરતી હાજતે પણ જતા નિહાળ્યા નથી

રાજકોટ, તા., ૯: આ દુનિયામાં આપણે ઘણા ન સમજી શકાય તેવા ચરિત્ર જોયા છે. આપણે નક્કી કરી ના શકીએ કે તેને શું નામ આપવું, ચોટીલા અને ધ્રોલના જાયવા પાસે એક મહાનુભાવે છેલ્લા એક વર્ષથી ધ્રોલથી પાંચ કિલોમીટર રાજકોટ તરફ આવેલા ગામ જાયવાના પાટીયા પાસે ડેરાતંબુ તાણનાર ગજબનાક મહાનુભાવે ભારે ચર્ચા જગાવી છે. આ શખ્સને ઓલીયા કહેવા અલગારી, મસ્ત કે સરફીરા કહેવા તે કોઇ નક્કી કરી શકાતું નથી. તેમના વિષે  જાણવા મળતી વિગતો ભારે ચોંકાવનારી છે.

ઓલીયા, અલગારી, મસ્ત કે સરફીરા જેવા વ્યકિતત્વના માલીક આ મહાનુભાવને નથી પૈસા કે માયા સાથે મહોબ્બત નથી કોઇ પણની સાથે વાતચીત કરતા એથી પણ આશ્ચર્યની વાત એ છે કે આજુબાજુ ધંધો કરતા લોકોએ તેમને કયારેય સ્નાનવિધિ કે રોજીંદી ક્રિયાઓ કરતા નિહાળ્યા નથી.

ન સમજી શકાય તેવા આ મહાનુભાવને બે-ત્રણ વ્યકિત છેલ્લા ઘણા સમયથી સારસંભાળ, મદદ કે જમવાની વ્યવસ્થા કરી રહયા છે. પરંતુ આ લોકો સાથે પણ આ રહસ્યમય વ્યકિત વાતચીત કરતા નથી ઉલ્ટાનું કયારેક ધોલ-ધપાટ પણ કરી લ્યે છે. કયારેક માથુ ફરે તો જાયવાના પાટીયા પાસે આવેલી દુકાનોમાં પણ તોડફોડ કરી લ્યે છે.

જાયવાના પાટીયા પાસે છેલ્લા ૧ર મહિનાથી ભોજન સહીતની વ્યવસ્થા કરતા જાનમહમદ કાળુભાઇ જુણેજા મૂળ આટકોટના છે. આટકોટમાં નોનવેજની લોજ ધરાવતા આ શખ્સ ર૪ કલાક તેમની સાથે રહે છે. તેમણે આ ઓલીયા કમ અલગારી કમ સરફીરા મહાનુભાવને સ્વીફટ કાર ભેટ ધરી છે. પરંતુ જાયવાના પાટીયા પાસે પડેલી સ્વીફટ કારને કોઇને અડવા દેતા નથી અને છેલ્લા ત્રણ મહિનાથી ખુલ્લા રહેલા એક દરવાજાને પણ કોઇને અડકવા પણ દેતા નથી.

આવી જ રીતે કોઇએ એક નવી નક્કોર રિક્ષા ભેટ આપી છે. આ રિક્ષામાં જ તેઓ સુવે છે. બન્ને વાહનનો કોઇને કયારેય ઉપયોગ પણ કરવા દેતા નથી કે અડકવા પણ દેતા.

એમ કહેવાય છે કે ગોંડલના કોઇ સૈયદબાપુએ થોડો સમય અગાઉ ૧ લાખ ર૦ હજાર રૂપીયા ભેટ ધર્યા હતા. પરંતુ આ રકમનો પણ તેમણે ઉપયોગ કર્યાનું કોઈ જાણતુ નથી.

રાજકોટમાં છાપામાં ગાડી ચલાવતા યાકુબભાઇ નામના શખ્સે તેમને રીક્ષા ભેટ આપ્યાનું મનાય છે. પરંતુ રીક્ષા છેલ્લા ઘણા સમયથી જેમની તેમ  પડી છે.

સૌથી આશ્ચર્યની વાત એ છે કે કયારેક મન પડે તો આ રહસ્યમય વ્યકિત ગુજરાતી, હિન્દી, અંગ્રેજી, મહારાષ્ટ્રીયન, તેલુગુ, કેરાલીયન સહીતની કેટલીય ભાષાઓ બોલે છે.

જાનમહમદભાઇ બપોરનુ ભોજન ઉપલબ્ધ કરાવી દે છે, સાંજનું ટીફીન ધ્રોલની હોટલમાંથી આવે છે જેના પૈસા બરોડાની કોઇ વ્યકિત મોકલાવે છે.

એમ કહેવાય છે કે આશરે ૨૧ વર્ષ પહેલા મહારાષ્ટ્રના સાંકડીની એક હોટલથી નીકળીને ચોટીલા પાસે આવેલ અલંકાર હોટલ નજીક એક પેટ્રોલ પંપ પાસે આ મહાનુભાવે અડીંગો જમાવ્યો હતો. ત્યાં તેને બિસલેરીબાપુ તરીકે સૌ બોલાવતા તેમ ચર્ચાય છે.

છેલ્લા એક વર્ષથી ધ્રોલ તાલુકાના જાયવા ગામના બસસ્ટેન્ડ પાસે મુકામે કર્યો છે ત્યારે હવે પ્રશ્ન એ થાય છે કે શું આ કોઇ ગેબી વ્યકિત છે. ઓલીયા જીવન ગુજારે છે મસ્ત માણસ છે કે સરફીરા છે?

કિલક - કહાની

તસ્વીર - અહેવાલ

અશોક બગથરીયા

(11:46 am IST)