Gujarati News

Gujarati News

News of Tuesday, 10th September 2019

મોટા આસોટામાં અસરગ્રસ્તોની વહારે દોડી જતા પુનમબેન માડમ

દ્વારકા તા ૧૦  : દેવભૂમિ દ્વારકા જીલ્લાના મોટા આસોટા ગામે ત્રણ દિવસ પહેલા માત્ર એક કલાકમાંજ ૧૦ ઇંચ ધોધમાર વરસાદ વરસ્યા બાદ સાંસદ પૂનમબેન માડમે અધીકારીઓ અને પદાધિકારી ગણની ટુકડી સાથે અસરગ્રસ્તોની સહાય માટે દોડી ગયા હતા.

ચાર કલાક જેટલા સમયના રોકાણ સાથે માડમે ગામના અસરગ્રસ્તોને મળીને વરસાદી અસરને કારણે ઉત્પન્ન થયેલ સમસ્યાઓ નિવારવા બેઠક યોજી હતી. મોટા આસોટામાં થયેલ ખાના ખરાબી અંગે રહેણાંકના મકાનો તથા પશુધનના મુત્યુ વિગેરે બાબતો અંગે રાજય સરકાર તરફથી  મળવાપાત્ર રાહત અને સગવડતાઓ  ઉપલબ્ધ કરવા જીલ્લા વહીવટી તંત્રને સુચના આપી હતી. બાદમાં પૂનમબેન કલ્યાણપુર તાલુકાના અન્ય ગામોમાં પણ વરસાદ બાદ જરૂરીયાતમંદોની મુશ્કેલીઓનો જાત અભ્યાસ પણ કર્યો હતો.

ઉપરાંત વર્તમાનમાં દેવભૂમિ દ્વારકા જીલ્લાના જળાશયોમાં થયેલ પાણીની આવક અને જળાશયોના ઓવરફલોથી સાર્જાયેલ  વિકટ સમસ્યાઓ અંગેનો ચિતાર પણ અધિકારીઓ પાસેથી મેળવેલ હતો. મોડી રાત સુધી દેવભૂમિ દ્વારકા જીલ્લામાં રોકાણ કરી અને તંત્રએ લીધેલ પગલાનું રીવ્યુ કર્યુ હતું.  પૂનમબેન માડમની મુલાકાત વખતે મહિલાઓ અને પુરૂષોના ટોળા મળવા આવી ગયા હતા. અસરગ્રસ્તો તથા ગ્રામજનોને પુનમબેને લાગણીસભર કુદરતી આફત સામે આવી પડેલ સમસ્યા મક્કમતાથી નિવારવા હૈયાધારણ આપી હતી.

(11:44 am IST)