Gujarati News

Gujarati News

News of Wednesday, 10th August 2022

મુન્‍દ્રા કસ્‍ટોડિયલ ડેથમાં માજી પી.આઇ.ની વચગાળાની જામીન અરજી નામંજૂર

આ કેસમાં ખાસ નિયુકત રાજકોટના સરકારી વકીલ અનિલભાઇ આર.દેસાઇ હાજર રહ્યા

(વિનોદ ગાલા દ્વારા) ભુજ,તા. ૧૦ :  કચ્‍છ સહિત રાજયભરમાં ચકચારી બનેલ મુન્‍દ્રાના કસ્‍ટોડિયલ ડેથ પ્રકરણમાં પીઆઈ જે.એ પઢીયાર દ્વારા કરાયેલ વચગાળાની જામીન અરજી ભુજ કોર્ટ નામંજૂર કરી છે. પોતાના પરિવારમાં વિવિધ ધાર્મિક કાર્યક્રમ માટે પોતાની માનતા ઉપરાંત ગામજમણ, છોકરાના મુંડન અને આ માટે આર્થિક જોગવાઇ ઊભી કરવા સહિતના કારણો આગળ ધરીને ફરજમોકૂફ પી.આઇ. જયેન્‍દ્રસિંહ અનોસિંહ પઢિયાર દ્વારા ૨૦ દિનના વચગાળાના જામીન મગાયા હતા. અત્રેના પાંચમા અધિક સેશન્‍સ જજ દ્વારા સુનાવણી બાદ આ અરજી મંજૂર કરતો ચુકાદો અપાયો હતો. સુનાવણી દરમ્‍યાન કેસના તપાસનીશ અધિકારીએ સોગંદનામું રજૂ કરી જામીન નહીં આપવા હિમાયત કરી હતી.

તો ફરિયાદ પક્ષ દ્વારા પણ જામીન આપવા સામે વાંધા રજૂ કરાયા હતા. જેને ગ્રાહ્ય રાખી વચગાળાની જામીન અરજી નામંજૂર કરતો ચુકાદો અપાયો હતો. કેસમાં સરકાર વતી ખાસ નિયુક્‍ત સરકારી વકીલ રાજકોટના અનિલભાઇ આર. દેસાઇ તથા ફરિયાદ પક્ષ વતી અત્રેના વરિષ્ઠ ધારાશાસ્ત્રી દેવરાજભાઇ વી. ગઢવી સાથે વાય.વી. વોરા, એ.એન. મહેતા અને એચ.કે. ગઢવી ઉપરાંત આર.એસ. ગઢવી, ડી.એન. બારોટ, વી.પી. ગઢવી, આર.એમ. ગઢવી તથા ચારણ ગઢવી સમાજના ભુજના તમામ ધારાશાષાીઓ હાજર રહ્યા હતા.

(2:33 pm IST)