Gujarati News

Gujarati News

News of Saturday, 10th August 2019

ચોટીલામાં ૭ ઇંચઃ ત્રિવેણી ઠાંગા ડેમ ઓવરફલોઃ પાંચ ગામો એલર્ટ કરાયા

મોરસલ ડેમમાં ૫ ફુટ બાકીઃ ભીમગઢનું તળાવ ઓવરફલોઃ પિપળીયા ધાધલ સંપર્ક વિહોણું, કોઝવે ઉપર પાણી

ચોટીલા, તા.૧૦: સમગ્ર ઝાલાવાડમાં ગત રાત્રી થી સતત વરસતા વરસાદમાં ચોટીલા લીમડી પંથક લો લાઇન ઉપર છે ચોટીલામાં ગઇ કાલ સવારનાં દશ વાગ્યા બાદ થોડી પવનની તિવૃતા સાથે ધીમીધારે સતત વરસતો વરસાદ આજ સવાર સુધીમાં સાત ઇચ વરસી ગયેલ હતો ત્યારે હવામાન વિભાગની આગમચેતી મુજબ આગામી સમય સુરેન્દ્રનગર જીલ્લાને હાઇ એલર્ટ ઉપર ગણવામાં આવે છે જેમાં ચોટીલા લીમડી બેલ્ટ લો સેટેલાઇટ મુજબ લાઇન તરીકે મનાઇ રહ્યો છે અને સાવચેતી રૂપે એનડીઆરએફ ની એક ટીમને પણ ચોટીલા ખાતે જીલ્લા કલેકટરે તૈનાત રાખેલ છે સાથે સ્થાનિક તાલુકા અને મામલતદાર, પ્રાત કચેરી સહિતનું તંત્ર વરસાદની પરિસ્થિતિને પહોચી વળવા અલગ અલગ ટીમો બનાવી સજ્જ રહેલ છે

ચોટીલાનાં ઠાંગા વિસ્તારનાં રાજપરા, ગુંદા પંથકનાં પાણીનાં પ્રવાહ થી ભરાતો ત્રિવેણી ઠાંગા ડેમ છલકાઈ ઓવર ફ્લો થયેલ છે જેના પગલે રામપરા, મેવાસા, સેખલીયા, લોમાકોટડી હાથી જરદીયાનાં લોકોને એલર્ટ કરાયા છે તેમજ નીચાણવાળા વિસ્તારોમાં તંત્ર દ્વારા નદીના પટમાં અવરજવર ન કરવા સુચના અપાઇ છે.

ચોટીલા વિસ્તારમાં આજનાં વરસાદની પરિસ્થિતિ અને એનડીઆરએફની ટીમોનાં ધામા નખાતા બે વર્ષ પહેલાની અતિવૃષ્ટિની ભયાનકતા તાજી થઇ ગયેલ છે જોકે ભૌગોલિક વિસ્તાર ઉંધી રકાબી જેવો હોવાથી મોટા ભાગનું પાણી આ પંથકમાંથી ઉદગમ ભોગાવો અને મચ્છુ નદીમાં જતુ રહે છે. ત્યારે છેલ્લા ૨૪ કલાકથી નોનસ્ટોપ અનરાધાર વરસાદને કારણે ગામનાં પ્રવેશતાજ આવતા કોઝવે ઉપર પાણી ફરી વળતા પિપળીયા ધાધલ સહિતનાં કેટલાક ગામો સંપર્ક વિહોણા જેવી સ્થિતિમાં મુકાય ગયેલ છે, ચોટીલાના ભાવસાર ચોકમાં લીમડાના વૃક્ષની તોતીંગ ડાળ તુટી પડતા ચાલુ વિજ લાઇનના તાર જોખમ રૂપી તુટી પડ્યા હતા પાલિકા દ્વારા વૃક્ષ હટાવવામાં આવેલ, ચોટીલા ઉપર આવતા ભીમગઢ ગામનું તળાવ ઓવરફલો થતા ચોટીલા શહેરનાં નિચાણવાળા વિસ્તારોને માઇક દ્વારા જાહેરાત કરી સાવચેત કરવામાં આવેલ છે.

(1:21 pm IST)