Gujarati News

Gujarati News

News of Saturday, 10th August 2019

પોરબંદરમાં સવારે ૭૦ કીમી ઝડપે પવન સાથે અઢી ઇંચઃ ૭ વૃક્ષો ધરાશાયીઃ છાપરા ઉડ્યા

રાણાવાવમાં ર ઇંચ તથા કુતિયાણામાં ૧ ઇંચઃ દરિયાના પાણીમાં કરન્ટઃ કાંઠે ૩ મીટરે ઉછળતા મોંજાઃ ખંભાળા અને ફોદાળા જળાશયોમાં નવા પાણીની આવક

 પોરબંદર તા.૧૦: મધ્યરાત્રીના સુસવાટા મારતો પવન ફંકાયેલ જેની ઝડપ સવારે ૪-૩૦ થી ૬-૩૦ વાગ્યા દરમિયાન વધીને ૭૦ કીમી  પહોંચી હતી અને શહેરમાં ૭ વૃક્ષ ધરાશાયી થઇ ગયેલ તેમજ પારેખ ચકલામાં એક મકાનની અગાસી ઉપરથી છાપરા ઉડયા હતા. ૨ કલાક બાદ પવનની ઝડપ ઘટીને સરેરાશ ૪૦ કીમીની થઇ છે. સદ્ભાગ્યે કોઇ જાનહાનિ થઇ નથી. પવન સાથે સવારે ૬ વાગ્યાથી ૨ કલાકમાં અઢી ઇંચ વરસાદ પડી ગયો હતો સવારે રાણાવાવમાં ર ઇંચ તથા કુતિયાણામાં ૧ ઇંચ વરસાદ પડી ગયો હતો.

એરપોર્ટ હવામાન કચેરીની માહિતી મુજબ આજે સવારે ૪-૩૦ વાગ્યાથી ૨ કલાક સુધી ૭૦ કીમી ઝડપે પવન ફુંકાયો હતો અને ત્યારપછી પવનની ઝડપ સરેરાશ ૪૦ કીમી રહી છે ભારે પવનથી ભાવસિંહજી હોસ્પિટલ રોડ, ખોજા ખાના, ચાઇનીઝ બજાર વિસ્તારમાં કુલ ૭ વૃક્ષ પડી ગયા હતા જેમાં એક ૧૦૦ વર્ષ જૂનું વૃક્ષ પડી ગયું હતું. પારેખ ચકલામાં એક મકાનમાં છાપરા ઉડી ગયેલ હતા.

ગઇકાલે બપોરે ધીમીધારે વરસાદ શરૂ થયેલ અને મધ્યરાત્રીના સુસવાટા મારતો પવન શરૂ થયેલ સવારે પોરબંદરમાં અઢી ઇંચ વરસાદ બાદ ઝરમર વરસાદ ચાલુ રહેલ ેછે.

જિલ્લા કંટ્રોલ મુજબ વરસાદ પોરબંદર ૩૮ મીમી અને સવારે ૬ થી ૮ વાગ્યા સુધીમાં ૬૦ મીમી (૨૨૨ મીમી) રાણાવાવ ૫૩ મીમી સવારે ૬ થી ૯ વાગ્યા ૪૬ મીમી, (૨૩૬ મીમી) કુતિયાણા ૩૧ મીમી સવારે ૬ થી ૮ વાગ્યા સુધીમાં ૨૮ મીમી (૨૮૮ મીમી) ખંભાળા જળાશય ૪૨ મીમી (૨૪૦ મીમી) ફોદારા જળાશય ૪૬ મીમી (૨૫૧ મીમી) ખંભાળા અને ફોદારા જળાશયોમાં નવા પાણીની આવક શરૂ થઇ છે.

દરિયામાં કરન્ટ વધી ગયો છે દરિયાકાંઠે ભારે પવન અને ૩ મીટર મોંજા ઉછળી રહ્યા છે. મોંજા ભેખડ સાથે અથડાતા દુર સુધી અવાજ સંભળાય છે.(૧.૭)

(11:48 am IST)