News of Friday, 10th August 2018

જેતપુર પાસે એક નહિ બે ગોડાઉનોમાં મગફળીના જથ્થામાં માટી અને પથ્થરોની ભેળસેળ થતી'તી

મગફળી કૌભાંડમાં પકડાયેલ જેતપુરનો વેપારી અને કેશોદ પંથકનો ઓઇલ મીલર્સ ૯ દિ'ના રિમાન્ડ પરઃ માથાકુટ થતા રબારીકા પાસે ગોડાઉન બંધ કરી દેવાયું'તું: આ બંન્ને ગોડાઉનો વિક્રમ લાખાણી અને જીતુએ ભાડે રાખ્યા'તા!: પોલીસ પુછતાછમાં ગુજકોટ, નાફેડ અને વેર હાઉસના પ અધિકારીઓ પોતે કંઇ ન જાણતા હોવાનું રટણ કર્યુ

રાજકોટ, તા., ૧૦: સૌરાષ્ટ્ર અને ગુજરાતમાં ચર્ચાસ્પદ બનેલ જેતપુરના પેઢલાના મગફળી કૌભાંડમાં  જેતપુર નજીક એક ગોડાઉન નહી પણ બે ગોડાઉનમાં મગફળીના જથ્થામાં માટી અને પથ્થરોની ભેળસેળ કરાતી હોવાનું પોલીસ તપાસમાં ખુલ્યું છે. બીજી બાજુ સારી મગફળી ખરીદનાર કેશોદ પંથકના ઓઇલ મીલર અને નબળી મગફળી ધાબડનાર જેતપુરના વેપારીની ધરપકડ કરાયા બાદ કોર્ટે બંન્નેને ૯ દિ'ના રિમાન્ડ પર સોંપવા હુકમ કર્યો છે.

મગફળી કૌભાંડમાં મગફળીમાં માટી અને પથ્થરોની ભેળસેળ કરનાર મજુરોના  જેતપુર પોલીસે નિવેદન લેતા ચોંકાવનારી વિગતો ખુલી હતી. મજુરોના જણાવ્યા મુજબ  જેતપુર પાસે એક ગોડાઉન નહિ પણ બે ગોડાઉનોમાં મગફળીના જથ્થામાં માટી અને પથ્થરોની ભેળસેળ કરાતી હતી. જેતપુર નજીક રબારીકા ગામે પણ ગોડાઉનમાં મગફળીના જથ્થામાં ભેળસેળ કરાતી હતી. જો કે ત્યાં માથાકુટ થતા ૮ દિવસ બાદ આ ગોડાઉન બંધ કરી દેવાયું હતું અને હાલ જેતપુર પાસે બંધ પડેલ મીલના ગોડાઉનમાં મગફળીના જથ્થામાં ભેળસેળ કરાતી હતી. આ બંન્ને ગોડાઉનો અગાઉ પકડાઇ ગયેલ  વિક્રમ દેવાભાઇ લાખાણી (રહે. લાખોદરા) તથા જીતુ બચુભાઇ (રહે. માળીયા મિયાણા)એ ભાડે રાખ્યા હતા.

પોલીસે મજુરો ઉપરાંત મગફળીની હેરફેર કરનાર ટ્રક ડ્રાઇવરોના પણ નિવેદનો લીધા હતા. ટ્રક ડ્રાઇવરોએ મોટી ધાણેજ મંડળી દ્વારા ખરીદ કરાયેલ સારી મગફળી ક્રાંતી ઓઇલ મીલમાં ઠાલવતા હોવાની અને ત્યાંથી ખાલી ફેરો લઇ જેતપુર નજીકના ગોડાઉનમાં ભેળસેળયુકત મગફળી જેતપુરના  વેપારી વિશાલની સુચનાથી લઇ જઇ ગુજકોટના ગોડાઉનમાં ઠાલવતા હોવાની કેફીયત આપી હતી.

મગફળી કૌભાંડમાં પકડાયેલ કેશોદના મેસવાણ ગામે ક્રાંતી ઓઇલ મીલ ધરાવતા રાજેશ ગોવિંદભાઇ વડારીયા તથા જેતપુર માર્કેટ યાર્ડમાં અલંકાર ટ્રેડર્સ નામની પેઢી ધરાવતા વિશાલ શાંતીલાલ  સખરેલીયાને ગઇકાલે કોર્ટમાં રજુ કરાતા કોર્ટે બંન્નેને ૯ દિવસના રિમાન્ડ પર સોંપવા હુકમ કર્યો હતો.  રિમાન્ડ દરમીયાન આ બંન્ને પાસેથી ચોંકાવનારી વિગતો ખુલે તેવી વકી છે.

 બીજી બાજુ ગઇકાલે જેતપુરના ડીવાયએસપી જે.એમ.ભરવાડે ગુજકોટ, નાફેડ અને વેર હાઉસના પાંચ અધિકારીઓ મહેન્દ્ર દવે (વેર હાઉસ) મનોજ જોષી (વેર હાઉસ) એન.એમ.શર્મા (ગુજકોટ) દેવી પ્રસાદ મિશ્રા (ગુજકોટ) અને સુધીર મલહોત્રા (નાફેડ) ના નિવેદનો નોંધ્યા હતા. આ તમામે પોતે નિર્દોષ હોવાનું અને કઇ ન જાણતા હોવાનો કક્કો ઘુટયો હતો. પોલીસે આ તમામ અધિકારીઓને તેની ફરજમાં  શું આવે છે? તે અંગેની માહીતી મેળવી હતી અને જો તેમાં બેદરકારી બહાર આવશે તો આગળની કાર્યવાહી કરાશે તેવું જણાવ્યું હતું. (૪.૬)

(11:40 am IST)
  • વડોદરામાં ચાંદીનો મોટો જથ્થો પકડાયો :નવાપુરા પોલીસે પકડયો જથ્થો :100 કિલો ચાંદીનો જથ્થો: કારમાં ચાંદી લઈને જતા બે શખ્સોની પોલીસે કરી અટકાયત :બંને શખ્સોની પુછપરછ : મોટી માત્રામાં ચાંદીનો જથ્થો પકડાતા વિવિધ એજન્સી કામે લાગી access_time 10:48 pm IST

  • અમદાવાદમાં NCBએ CTM વિસ્તારમાંથી 1.5 કરોડનું કોકેઇન ડ્રગ્સ ઝડપ્યું :273 ગ્રામ કોકેઈન સાથે નાઇઝીરિયન શખ્સની ધરપકડ:ડ્રગ્સ મુંબઈથી અમદાવાદ વેચવા લાવ્યો હોવાનું પ્રાથમિક તપાસમાં ખુલ્યું access_time 7:32 pm IST

  • અમદાવાદ:રાજ્યમાં કેફી-માદક પદાર્થો પકડવા ડ્રાઈવ રાખવા ડીજીપીનો આદેશ:ડીજીપીએ એ.ટી.એસ.ને કર્યો આદેશ : ડીજીપી દ્વારા ખાસ એક્શન પ્લાન તૈયાર કરાયો : રાજ્યભરમાં માદક પ્રદાર્થોને ઝડપી પાડવા હુકમ access_time 7:32 pm IST