Gujarati News

Gujarati News

News of Friday, 10th July 2020

કુવાડવા પાસે ખાડાને લીધે કાર ત્રણ ગોથા ખાઇ ગઇઃ ભુતવડના જગજીવનભાઇ માલકીયાનું મોતઃ બે ઘવાયા

કોળી પ્રોૈઢ સાયલાના કેરાળાથી જમીનનું કામ પતાવી પરત આવતા'તાઃ દિકરાને ફોન કર્યો કે ભુતવડના પાટીયે મને તેડવા આવજે, દિકરો રાહ જોતો'તો ત્યાં પિતાના મોતના વાવડ મળ્યાઃ અકસ્માત સર્જાતા ચાલક કાર રેઢી મુકી ભાગી ગયો

ઘટના સ્થળે ગોથું ખાઇ ગયેલી કાર, કોળી પ્રોૈઢનો નિષ્પ્રાણ દેહ અને ઇજાગ્રસ્તો નજરે પડે છે (ફોટોઃ ભીમજીભાઇ સોઢા-કુવાડવા)

રાજકોટ તા. ૧૦: કુવાડવા જીઆઇડીસી પાસે રોડ પરનો ખાડો તારવવા માટે ચાલકે ઓચિંતો ટર્ન લેતાં સ્ટીયરીંગ પરનો કાબૂ ગુમાવતાં કાર ડિવાઇડર ઠેંકી ત્રણ ગોથા ખાઇ જતાં ધોરાજીના ભુતવડના કોળી પ્રોૈઢનું મોત નિપજ્યું હતું. જ્યારે બીજા શાપરના દેવીપૂજક પરિવારના બે લોકોને ઇજા થઇ હતી. અકસ્માત સર્જાતા ચાલક કાર મુકી ભાગી ગયો હતો.

આ બનાવ અંગે કુવાડવા રોડ પોલીસે ધોરાજીના ભુતવડ ગામે રહેતાં અને છુટક મજૂરી કરતાં ભાવેશ જગજીવનભાઇ માલકીયા (ઉ.વ.૨૮) નામના કોળી યુવાનની ફરિયાદ પરથી ઇન્ડિકા કાર જીજે૦૧કેએસ-૮૮૭૬ના ચાલક સામે ગુનો નોંધ્યો છે.

ભાવેશના કહેવા મુજબ મારે એક બહેન છે જે કોલકી ગામે રહે છે. માતાનું નામ સવિતાબેન છે. મારા પિતા ગુરૂવારે સવારે અમારા મુળ ગામ સાયલાના કેરાળા મોટા ખાતે જમીનના વારસાઇના કામે કોૈટુંબીક ભાઇ જયેશભાઇ માલકીયા પાસે ગયા હતાં. ત્યાંથી કામ પતાવી ચોટીલાથી કોઇ કારમાં બેસી મને ફોન કર્યો હતો કે હું સાંજે ચારેક વાગ્યે રવાના થયો છું ભુતવડના પાટીયએ સવા પાંચેક વાગ્યે પહોંચી જઇશ. તું મને લેવા આવજે.

આ વાત થયા પછી મારા મામા સંજયભાઇએ મને ફોન કરી જાણ કરી હતી કે તારા બાપુજી જે કારમાં બેઠા હતાં તે કુવાડવા જીઆઇડીસી પાસે પલ્ટી મારી ગઇ છે અને તારા બાપુજી ગુજરી ગયા છે. લાશ કુવાડવા દવાખાનામાં છે. આથી હું તુરત ત્યાં ગયો હતો. મને જાણવા મળ્યું હતું કે પલ્ટી ખાઇ ગયેલી કારમાં શાપરના દેવીપૂજક લોકો પણ હતાં અને તેને ઇજા થઇ હતી. આ લોકો અમદાવાદથી ઇન્ડિકા કારમાં આવતાં હોઇ મારા બાપુજીને ચોટીલાથી બેસાડ્યા હતાં. ડ્રાઇવરે રોડ પરનો ખાડો તારવવા પ્રયાસ કરતાં કારની સ્પીડ વધુ હોઇ કાબુ ગુમાવતાં ડિવાઇડર ઠેંકી બે-ત્રણ ગોથા ખાઇ ગઇ હતી. અકસ્માત સર્જાતા ચાલક કાર મુકી ભાગી ગયો હતો.

કુવાડવા પીએસઆઇ આર. પી. મેઘવાડે કાર ચાલક સામે ગુનો નોંધી વિશેષ તપાસ હાથ ધરી છે.

(11:50 am IST)