Gujarati News

Gujarati News

News of Wednesday, 10th July 2019

અમરેલીના સણોસરામાં વતન ચેરી. ટ્રસ્ટ દ્વારા ધનિષ્ઠ વૃક્ષારોપણ

અમરેલી તા.૯: સમગ્ર વિશ્વ ગ્લોબલ વોર્મીંગની પીડા ભોગવી રહ્યું છે. એવા સમયે અમરેલી તાલુકાના સણોસરા ગામે વતન ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા બે દિવસીય વૃક્ષારોપણ કાર્યક્રમ યોજી ૧૦૦૦ વૃક્ષોનું વાવેતર કરેલ છે.

ઓછા વૃક્ષોને કારણે અમરેલી જિલ્લામાં અનિયમિત વરસાદ પડે છે. આ પરિસ્થિતિને દૂર કરવા સણોસરાના ગ્રામજનોએ ગામને લીલુછમ અને હરિયાળું બનાવવા બે વર્ષથી વૃક્ષારોપણની કામગીરી આરંભી છે. શરુઆતમાં ગામમાં આવેલ પાંચેક કોમન પ્લોટમાં અંદાજે ૭૦૦ જેટલા વૃક્ષોનું વાવેતર કરવામાં આવેલ. જેમાં ગ્રામજનો સાથે સુરત સ્થિત ગામના યુવાનોએ પણ સક્રિય ભાગ લીધો હતો.

ચાલુ વર્ષે વૃક્ષારોપણ માટે સણોસરા ગામે નવતર પ્રયોગ અજમાવ્યો છે. જેમાં માતા-પિતાના નામની યાદી સ્વરૂપે તેમજ જન્મદિનની ઉજવણી અર્થે એક વૃક્ષ માટે રૂ. ૨૫૦૦/- જમા કરાવી વૃક્ષારોપણ કરવામાં આવશે, તેવી જાહેરાત કરતાં બહોળી સંખ્યામાં વૃક્ષો માટે નામ નોંધાયા હતા. અત્રે ઉલ્લેખનિય છે કે, ગામમાં નવા બંધાતા સરોવર અને રોડ સાઈડે ૧૦૦૦ વૃક્ષો વાવવા ટ્રસ્ટ દ્વારા વન વિભાગમાંથી રૂ.૧૫/- લેખે રોપાનું અને રૂ.૪.૫૦ લાખના ખર્ચે ટ્રી ગાર્ડની ખરીદી કરવામાં આવેલ છે.

આ કાર્યક્રમ સફળ બનાવવા સુરત સ્થિત મનોજભાઈ લાખાણીએ ભારે જહેમત ઉઠાવી હતી. જેના પરિણામે ગામના ૫૦ યુવાનો સુરતથી ૫૦૦ કિમી. દૂર સણોસરા આવીને ૧૦૦૦ વૃક્ષોનું વાવેતર કરી તેને રક્ષિત કરવામાં સહભાગી બન્યા છે. વૃક્ષારોપણ કાર્યક્રમમાં સમસ્ત ગ્રામજનો સાથે મહિલાઓ પણ ઉત્સાહભેર જોડાઈ હતી.

(11:26 am IST)