Gujarati News

Gujarati News

News of Monday, 10th May 2021

કોરોનામાં માનવજાતને બચાવવાના સમયે લાચારીનો ગેરલાભ ન લેવો જોઈએઃ પૂ. મોરારીબાપુ

સોમનાથ ખાતે આયોજીત 'માનસ બિનય પત્રિકા' શ્રીરામકથાનો ત્રીજો દિવસ

રાજકોટ, તા. ૧૦ :. કોરોના મહામારીના સમયમા લોકોને ઉપયોગી થવાના બદલે માનવજાતને બચાવવાના સમયે તેની લાચારીનો ગેરલાભ ન લેવા પૂ. મોરારીબાપુએ અપીલ કરી હતી.

શ્રી સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આયોજીત 'માનસ બિનય પત્રિકા'ના ત્રીજા દિવસે પૂ. મોરારીબાપુએ તેમ જણાવ્યુ હતું.

ગઈકાલે પૂ. મોરારીબાપુએ બીજા દિવસે જણાવ્યુ હતુ કે, વિશ્વ કર્મ પ્રધાન છે પણ વિશ્વનાથ કરૂણા અને કૃપા પ્રધાન છે. વિશ્વનાથ કાર્ય-કારણથી પર છે એટલે કરૂણા સામે શું શિકાયત ? શું ફરીયાદ ? એ સિવાય અત્રિ અને અનસુયાના પુત્ર ચંદ્ર અને પછી એના રોહિણી સાથેના વિવાહની કથા અને ચંદ્રને શાપની કથા કર્યા બાદ આજે બીજા દિવસે સોમનાથની સંનિધિ, રામભદ્રની ચરણછાયા અને કૃષ્ણ દેહોત્સર્ગ ભૂમિની નજીક, માનસિક રૂપે ત્રિવેણી સ્નાન કરી અને કથા પ્રારંભ કરતા બાપુએ કહ્યું કે બહુધા મતિ અને રૂચિ ભિન્નતાને કારણે ઘણા પ્રકારે વિચારીએ છીએ.

પરંતુ મૂળતઃ વિનય ત્રણ પ્રકારના હોય છે. એની શાખા પ્રશાખા અને ડાળીઓ લઈએ તો વિનયનો ઘણો વિસ્તાર છે. તુલસીનો આ વિનય વટ છે પણ વિનયની જડ-મૂળ ત્રણ છે. આમ તો સત્યનો ઉદ્ઘોષ એકવાર પણ પર્યાપ્ત છે, પરંતુ દરેકની સમજ અલગ હોવાને કારણે ત્રિસત્ય આવ્યું. ભાગવતજી કહે છે સત્યમ પરમ ધીમહી. એ જ સત્ય કયારેક પ્રેમ અને કયારેક કરૂણાના રૂપથી પણ દેખાય છે. અહીં ત્રણ ત્રણની મહિમા ખૂબ છે.

(4:12 pm IST)