Gujarati News

Gujarati News

News of Friday, 10th May 2019

વલસાડમાં વરસાદ : કચ્છમાં ધૂળની ડમરીઓ

રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં ભારે પવન અને વાતાવરણમાં પલટાની આગાહીને પગલે ડિઝાસ્ટર મેનેજમેન્ટની બેઠક બોલાવવામાં આવી

અમદાવાદ તા. ૧૦ : આજે સવારથી વલસાડના વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો. જે બાદ બપોરે વસલાડ તાલુકાના કેટલાક છેવાડાના વિસ્તારોમાં વરસાદ પડ્યો છે. ધનોરી અને આસપાસના વિસ્તારોમાં માવઠાને લીધે ખેડૂતોની ચિંતા વધી છે. કેરીના પાકને નુકશાનની ભીતિને પગલે ખેડૂતો ચિંતીત બન્યા છે.

સાથે જ રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં આગામી ૧૧ અને ૧૨ મેના રોજ ભારે પવન અને વાતાવરણમાં પલટાની આગાહીને પગલે ડિઝાસ્ટર મેનેજમેન્ટની બેઠક બોલાવવામાં આવી હતી. જેમાં જિલ્લા કલેકટર અને ડિઝાસ્ટર મેનેજમેન્ટના અધિકારીઓ વચ્ચે આ અંગે વિસ્તૃતમાં ચર્ચા થઇ હતી. ઉપરાંત કચ્છના વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે. કચ્છના નારાયણ સરોવર, કોટેશ્વર આસપાસ ધૂળની આંધીઓ ઊડી રહી છે. જેના પગલે વાહનચાલકોને પણ મુશ્કેલી પડી રહી છે.

ઉલ્લેખનીય છે કે, હવામાન વિભાગની આગાહી પ્રમાણે આગામી ૧૦, ૧૧ અને ૧૨ મેનાં રોજ થન્ડર સ્ટોર્મ, ભારે પવન અને વીજળીનાં કડાકાની આગાહી છે. પવનની ગતિ ૩૦થી ૪૦ પ્રતિ કલાકની રહેશે. રાજયમાં ૩ દિવસ સુધી ઠંડકનો અહેસાસ થશે. વીજળીના ચમકારા સાથે ૧૦મીએ રાજયના બનાસકાંઠા, રાજકોટ અને કચ્છમાં વાતાવરણમાં પલટો થવાની આગાહી છે.(૨૧.૨૩)

(3:34 pm IST)